નર્મદ (. 24 ઑગસ્ટ 1833, સૂરત; . 25 ફેબ્રુઆરી 1886, સૂરત) : અર્વાચીનોની યુગમૂર્તિ સમા ગુજરાતી સાહિત્યસર્જક. જન્મ વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા લહિયા. પિતા ધંધાર્થે મુંબઈ રહેતા હોઈ નર્મદની બાલ્યાવસ્થા મુંબઈમાં. પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની ગામઠી શાળામાં વિદ્યારંભ. પછી સૂરતમાં ઇચ્છા મહેતા અને દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ. 1844માં નાનીગૌરી સાથે લગ્ન બાદ 1845માં અંગ્રેજી શાળામાં પ્રવેશ.

નર્મદ

1850માં મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. 1852માં રાંદેર ગામની શાળામાં શિક્ષક. 1853માં પત્નીનું અવસાન. 1854માં પુન: મુંબઈ જઈ અભ્યાસમાં ચિત્ત પરોવવા પ્રયાસ કર્યો. કવિતા પ્રત્યે આકર્ષણ. વડર્ઝવર્થની પ્રકૃતિકવિતાનો પ્રભાવ. તેવીસમી વર્ષગાંઠથી કાવ્યલેખનની શરૂઆત. 1856માં કૉલેજનો અભ્યાસ અધૂરો છોડી ડાહીગૌરી સાથે લગ્ન કર્યું. 1858ની 23 નવેમ્બરે નર્મદે શિક્ષકની નોકરી છોડી હંમેશ માટે નોકરી ન કરવાની અને કલમને ખોળે રહીને જીવવાની પ્રતિજ્ઞા લીધી. અનેક સંકટો વચ્ચે ઝઝૂમી નર્મદે સાહિત્યોપાસના અને સમાજસુધારા પાછળ જીવન સમર્પિત કર્યું. 1864માં ‘ડાંડિયો’ પખવાડિકનો પ્રારંભ કર્યો. સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે નર્મદનું વિચારપરિવર્તન થયું. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને તેણે સ્વધર્મ માન્યો. 1876માં કવિએ મુંબઈ જઈ નાટકો લખવાનું કામ શરૂ કર્યું. 1882માં પ્રતિજ્ઞા છોડી ગોકળદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રી તરીકે નોકરી કમને સ્વીકારી. કાઠિયાવાડ ગૅઝેટિયરના ભાષાંતરનું કામ સ્વીકાર્યું. આઠ મહિનાની માંદગી બાદ 53 વર્ષની વયે અવસાન.

નર્મદના જીવનઘડતરમાં મુખ્ય પરિબળો આટલાં હતાં : પિતા, અંગ્રેજી કેળવણી, ધીરાનાં પદ અને તેનો જમાનો. ગુજરાતી સાહિત્યમાં રીતસરનો અર્વાચીન યુગનો આરંભ નર્મદથી થાય છે. મધ્યકાળના મુખ્યત્વે ધર્મપરાયણ સાહિત્યને સંસારાભિમુખ કરવાનો નર્મદનો પુરુષાર્થ ઉલ્લેખનીય છે. સાહિત્યસમજ અને સાહિત્ય-વિષયમાં આમૂલ પરિવર્તન લાવી વિવિધ ગદ્ય-પદ્ય સ્વરૂપોમાં એણે કરેલી પહેલને લીધે એને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહેવામાં આવ્યો છે.

ત્રણ દાયકાના કાવ્યલેખન દરમિયાન નર્મદ વાસ્તવમાં માત્ર અગિયાર વર્ષ જેટલો સમય કવિતાને આપી શક્યો છે. પણ તેના જીવનની મહત્ત્વની ઘટનાઓ અને વિચારણાઓનું પ્રતિબિંબ એની કવિતામાં પારદર્શી રીતે ઝિલાયું છે. સંસારસુધારો, પ્રીતિ-મૈત્રી, સ્વદેશાભિમાન, સત્ય-ન્યાય અને શૌર્યનો લાગણીમય આલેખ એની કવિતામાં સુરેખ રીતે અંકિત થયો છે. ‘નર્મકવિતા’ : 1–3 (1858), ‘નર્મકવિતા’ : 4–8 (1859) ને ‘નર્મકવિતા’ : 9–10 (1860) ની બધી રચનાઓનો સંચય ‘નર્મકવિતા’ પુસ્તક 1 (1862)માં થયો છે. ઉપરાંત ‘નર્મકવિતા’ પુસ્તક 2 (1863) અને અંતે ‘નર્મકવિતા’(1864)માં નર્મદની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે.

નર્મદની કવિતા વિષયની દૃષ્ટિએ મધ્યકાળની કવિતાથી જુદી પડે છે. અર્વાચીન અંગ્રેજી શિક્ષણને પરિણામે નર્મદની કવિતા માત્ર ભક્તિ-વૈરાગ્ય જેવા વિષયોમાં સીમિત ન રહેતાં સમાજસુધારો, પ્રકૃતિ, પ્રેમ, સ્વદેશાભિમાન, વ્યક્તિગત લાગણીમાં વિહાર કરે છે. ‘લાગણી’, ‘જોસ્સો’, ‘દેશાભિમાન’ વગેરે શબ્દોનો પરિચય તે પહેલી વાર કરાવે છે. ‘પ્રેમ-શૌર્ય’ જાણે નર્મદનો મુદ્રાલેખ હતો.

પ્રીતિવિષયક રચનાઓમાં નર્મદ નવી કેડી પાડે છે. આ કવિતામાં વેદના અને વલોપાત ભિન્ન ભિન્ન રીતે ઝિલાયાં છે. કૃષ્ણનાં રૂસણાં ઉપરાંત ‘શા હતા આપણા બહાર’, ‘સલામ રે દિલદાર’, ‘પ્રભુ નિત પાજે પ્રીતડી’, ‘હૈડું હારે તે ફરી ના જીતે રે’, ‘કુમુદચંદ્ર પ્રેમપત્રિકા’, ‘રસની સવારી’ જેવાં પ્રણયકાવ્યો આસ્વાદ્ય બન્યાં છે.

સ્વતંત્ર વિષય તરીકે પ્રકૃતિને કવિતામાં નિરૂપવાનો યશ નર્મદને ફાળે જાય છે. ‘મોગરો’, ‘કબીરવડ’ અને ‘નાહોલિયાને આજીજી’ જેવી રચનાઓમાં સરળ, મધુર વર્ણનછટાની અનુભૂતિ થાય છે.

પ્રકૃતિ અને પ્રણયનો કેફ માણનાર નર્મદની સમાજહિત, દેશદાઝ અને સ્વતંત્રતાને કાવ્યમાં પ્રસ્તુત કરવાની હોંશ અપૂર્વ છે. સમાજની અવદશાના અનુભવે જન્મેલા શોકની લાગણી બે દીર્ઘકાવ્યો – ‘હિંદુઓની પડતી’ અને ‘વીરસિંહ’માં દૃષ્ટિગોચર થાય છે. ગુજરાતપ્રેમને પ્રગટ કરતું ‘જય જય ગરવી ગુજરાત’ અને અંગત ઊર્મિઓને સંયમિત સૂરમાં વ્યક્ત કરતું ‘અવસાનસંદેશ’ પણ ઉલ્લેખનીય છે.

વિષયોનું વર્તુળ મોટું કરનાર નર્મદ પરલક્ષી ઢબે રચાતી ગુજરાતી કવિતાને આત્મલક્ષી વળાંક આપે છે. ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ દ્વારા તે મહાકાવ્ય રચવાનો પ્રયત્ન કરે છે અને મહાકાવ્યને માટે અનુરૂપ ‘વીરવૃત્ત’ નામક નવા છંદનો પ્રયોગ પણ કરે છે.

કવિતા અંગેની નર્મદની વિભાવના મુખ્યત્વે અંગ્રેજી કવિતા અને વિવેચનાના અભ્યાસથી ઘડાયેલી છે. દલપતરામ કરતાં નર્મદની કાવ્યસમજ પ્રગતિશીલ અને સાચી દિશાની હતી, પણ કાચીપાકી હતી; તેમ છતાં વિષય, સ્વરૂપ, ભાવ, ભાષા, છંદ-અલંકાર, અભિવ્યક્તિ વગેરે દિશામાં નર્મદ ઘણું મૂલ્યવાન નવપ્રસ્થાન કરે છે.

સૂરતમાં કવિની સ્મૃતિ : ‘કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય’

ગુજરાતી કવિતાને નવી દિશામાં વાળનાર નર્મદ દ્વારા જ ગુજરાતી ગદ્યનું ખરું ખેડાણ પણ થાય છે. ‘મંડળી મળવાથી થતા લાભ’ નામે વિદ્યાર્થી અવસ્થામાં જ તેણે નિબંધલેખન (વ્યાખ્યાનસ્વરૂપે) કરીને ગદ્યલેખનનો પ્રારંભ કર્યો હતો. એ પછી લગભગ સાડા ત્રણ દાયકા સુધી નર્મદ વિવિધ સ્વરૂપો મારફતે ગદ્યનું ખેડાણ કરે છે. નિબંધ ઉપરાંત આત્મચરિત્ર, જીવનચરિત્ર, નાટક, વિવેચન, ઇતિહાસ, પત્રકારત્વ વગેરે સ્વરૂપોમાં તે નોંધપાત્ર પ્રદાન કરે છે.

નર્મદનાં ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (1858), ‘પિંગળપ્રવેશ’ (1857), ‘અલંકારપ્રવેશ’ (1858), ‘નર્મવ્યાકરણ’ ભા. 1–2 (1865), ‘વર્ણવિચાર’ (1865), ‘નાયિકાવિષયપ્રવેશ’ (1866) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્ત્વ છે. ‘ઋતુવર્ણન’ (1861), ‘હિંદુઓની પડતી’ (1864), ‘કવિચરિત’ (1865), ‘ઇલિયડનો સાર’ (1870), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (1870), ‘મહાભારતનો સાર’ (1870), ‘રામાયણનો સાર’ (1870), ‘સાર શાકુંતલ’ (1881), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (1882), ઉપરાંત 1850થી 1865 સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (1865) અને ‘નર્મગદ્ય-2’ (1936) નર્મદના ગદ્યગ્રંથો છે.

ગદ્યક્ષેત્રે નર્મદની મોટી સિદ્ધિ નિબંધકાર તરીકેની છે. મૅકૉલે, એડિસન, બેકન જેવા લેખકોના નિબંધવાચનથી પ્રેરાઈને નર્મદે અંગ્રેજી પદ્ધતિના  નિબંધો લખવાનો પ્રારંભ કર્યો. આ નિબંધોમાં નર્મદે પોતાના સમયના અનેક પ્રશ્નોને આલેખી પ્રજા સમક્ષ મૂક્યા છે. સુખ, સંપ, કામ, પુનર્વિવાહ, સ્વદેશાભિમાન, બ્રહ્મતૃષા, ધર્મની અગત્ય, ગુજરાતી ભાષા, સૂરતની ચડતીપડતી, રણમાં પાછાં પગલાં ન કરવા વિશે જેવા વિવિધ નિબંધો વાંચતાં ધ્યાનમાં આવે છે કે તેણે મુખ્યત્વે ચાર પ્રકારની શૈલીઓનો ઉપયોગ કરેલો છે. : (1) વ્યાખ્યાનશ્રેણી, (2) ચિંતનશૈલી, (3) પત્રકારત્વની શૈલી અને (4) રૂપકશૈલી. નિબંધોમાં સ્પષ્ટ વિચારણાથી માંડીને ચિંતનના ઊંડાણ સુધી નર્મદની પહોંચ છે. વક્તૃત્વછટા, બોલચાલની છટા, અમુક અંશે પારગામી વિચારણા, સોદાહરણ ચર્ચા, રૂઢિપ્રયોગો-કહેવતોનો ઉચિત વિનિયોગ, બુદ્ધિના ચમકાર સાથે રજૂ થતું લાગણીતત્વ, ક્વચિત્ કાવ્યમયતા નર્મદના ગદ્યને વિશદ, વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ બનાવે છે.

ધર્મ અને તત્વવિચારણાવિષયક ચિંતનાત્મક નિબંધો જેમાં સંગૃહીત થયા છે એ ‘ધર્મવિચાર’નું ગદ્ય જોઈએ છીએ ત્યારે નર્મદની પ્રૌઢ વિચારક તરીકેની પર્યેષકતા નીરખવા મળે છે. એના નિબંધોની શૈલીમાં જોમ અને ઝણઝણાટી છે, એમાં તળપદી ઉક્તિઓ છે છતાં એકંદરે તે સુઘડ અને શિષ્ટ છે.

વિવેચન દ્વારા ટીકા કરવી જોઈએ એમ માનતા નર્મદનું વિવેચનકાર્ય મુખ્યત્વે સાહિત્યપ્રકારવિચારણા, પુરોગામી કવિઓનું મૂલ્યાંકન અને સમકાલીન લેખકો વિશેના પ્રતિભાવો પૂરતું મર્યાદિત છે. તેના કાવ્યવિચારમાં – તર્ક (fancy), ચિત્ર પાડવાની શક્તિ (imagination) અને જોસ્સો (passion) અંગ્રેજી સાહિત્યવિવેચનના સંપર્કથી પ્રવેશે છે તો વિવિધ રસ અને પ્રયોજનોના ખ્યાલો ભારતીય કાવ્યાચાર્યોના અભ્યાસથી પ્રવેશે છે. કવિતાની વિવિધ જાતિઓ વિશેની એની ચર્ચા અને વિવેચનની  પરિભાષા નિર્માણ કરવા માટેની એની મથામણ યાદગાર બની રહે છે. સાહિત્યવિષયક લખાણમાં નર્મદનું ગદ્ય અત્યંત સરળ અને અર્થવાહી છે.

નર્મદે ‘નેપોલિયનનું ચરિત્રકીર્તન’, ‘સિકંદર’ જેવા નિબંધોમાં વ્યક્તિ-વિશેષોની જીવનરેખા અંકિત કરવાનું કામ કર્યું છે. કવિચરિત્રોમાં એની કલમ સદ્યસ્પર્શી બની છે. પ્રેમાનંદ, દયારામ, નરસિંહ જેવા પૂર્વસૂરિઓ વિશે નર્મદે ઉષ્માપૂર્વક લખ્યું છે. આ ત્રણ ઉપરાંત પ્લેટો, સિકંદર જેવા ચરિત્ર-આલેખો જ કંઈક અંશે જીવન-ચરિત્રની નજીક પહોંચે છે. આ ચરિત્રોની પાછળ કવિની શોધબુદ્ધિ અને કથનપદ્ધતિની થોડીઘણી ચારુતા આશ્વાસક જમા પાસું છે.

નર્મદે 1866માં લખેલ, પણ શતાબ્દી પ્રસંગે પ્રગટ થયેલ ‘મારી હકીકત’ (1934) ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે. એમાં એણે પોતાના જન્મથી શરૂ કરી ઉછેર, અભ્યાસ, ઘડતરકાળ વગેરે બહેલાવીને પ્રસ્તુત કર્યાં છે. દાદા અને પિતાનાં વ્યક્તિચિત્રો, સૂરતમાં લાગેલી આગ જેવી મહત્ત્વપૂર્ણ ઘટના,  પોતાના અંગત જીવનના પ્રસંગો વગરેને તે સુપેરે આલેખે છે. આ આત્મકથાનો પહેલો ગુણ છે નિખાલસ આત્મપૃથક્કરણનો. લેખકે નિર્ભીક સત્યકથનનો માર્ગ અપનાવ્યો છે. કેટલીક કલાગત મર્યાદાઓ બાદ કરતાં આત્મકથાલેખનનો આ પ્રથમ સન્નિષ્ઠ પ્રયાસ મહદંશે સફળ રહ્યો છે.

નર્મદે અર્થોપાર્જન અર્થે મુંબઈમાં 1875માં ‘રામજાનકીદર્શન’, ‘દ્રૌપદીદર્શન’, ‘સીતાહરણ’, ‘સાર શાકુન્તલ’, ‘બાલકૃષ્ણવિજય’ જેવાં નાટકો લખેલાં. અલબત્ત વસ્તુ, ભાવ અને પરિસ્થિતિના નિરૂપણની કચાશને કારણે તેને સફળતા સાંપડી નહોતી.

‘ધર્મવિચાર’ આપનાર નર્મદે ઇતિહાસના અભ્યાસી તરીકે ‘રાજ્યરંગ’ (1876) આપી વિશ્વની વિવિધ પ્રજાઓ અને રાજ્યવ્યવસ્થા વિશે પહેલી વાર ખ્યાલ આપ્યો. ‘રાજ્યરંગ’નાં ષોડશ દર્શનોની ભાષા વસ્તુલક્ષી, ઉપયોગી અને શાસ્ત્રીય નિરૂપણને યોગ્ય સાદાઈવાળી છે.

સંશોધક અને સંપાદક તરીકે નર્મદને મૂલવવા માટે ‘કથાકોષ’, ‘વ્યાકરણ’, ‘રસપ્રવેશ’, ‘પિંગળપ્રવેશ’ જેવાં પુસ્તકો તપાસવાં પડે. નર્મદની શાસ્ત્રકાર તરીકેની પ્રતિભાને ઉપસાવી આપવામાં આ પુસ્તકોનું પ્રદાન નોંધપાત્ર છે.

નર્મદે મુંબઈથી સૂરત આવીને 1851–52માં ‘સ્વદેશહિતેચ્છુ’ નામક સંસ્થાના ઉપક્રમે ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક શરૂ કરેલું, પણ એ ઝાઝું ન ચાલતાં 1864માં ‘ડાંડિયો’ પાક્ષિક શરૂ કર્યું. ‘‘ગાંઠનો ખરચ કરવો પડશે તેમ છતાં ‘સ્પેક્ટેટર’ જેવું લખાણ કહાડવું તો ખરું’’ એ નર્મદની પ્રતિજ્ઞા હતી. નુકસાન વેઠીને પણ તે પાંચ વર્ષ ‘ડાંડિયો’ ચલાવે છે. પોચા ગુજરાતીઓમાં પણ પોતાના પાક્ષિક દ્વારા પ્રાણ અને ‘જોસ્સો’ પ્રગટાવનાર નર્મદનું પત્રકાર તરીકેનું સ્થાન પણ નિરાળું-નોખું છે. નર્મદે નિખાલસતા, સચ્ચાઈ, નિર્ભયતા અને પૂરી ગંભીરતાપૂર્વક પત્રકારત્વની પ્રવૃત્તિ કરેલી.

નર્મદે સર્જનાત્મક અને ચિંતનાત્મક ઉભય પ્રકારના ગદ્યને નિષ્ઠાપૂર્વક ખેડ્યું હતું. લગભગ વણખેડાયેલા ગુજરાતી ગદ્યને અસરકારક રીતે પળોટી નર્મદે ગુજરાતી ગદ્યની અને ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા કરી છે. એના પારદર્શક વ્યક્તિત્વને સીધી સુરેખ અભિવ્યક્તિ ગદ્યમાં પ્રાપ્ત થઈ છે. નર્મદની નિર્ભીકતા, નિખાલસતા, આખાબોલાપણું કે સ્પષ્ટભાષિતા તેના ગદ્યલેખનમાં દૃષ્ટિગોચર થાય છે. તેથી તેનું ગદ્ય આસ્વાદ્ય બને છે. તેનું ગદ્ય તેની જીવનાનુભૂતિનો પ્રસ્ફુરિત અને સહજ આવિષ્કાર છે. નર્મદે કવિતા અને ગદ્યક્ષેત્રે અનેક નવપ્રસ્થાન કર્યાં છે અને પછીથી આવનાર સાહિત્યકારોએ નર્મદે પાડેલી કેડીને જ રાજમાર્ગ બનાવ્યો છે.

સુધારકયુગના આ અગ્રણી સાહિત્યકારને ‘સમયમૂર્તિ’ તરીકે ઓળખવામાં આવ્યો છે. સાહિત્યને સાધન બનાવી તે સમાજમાં વૈચારિક આંદોલન પ્રગટાવે છે અને ગુજરાતી સાહિત્યના સમગ્ર બાહ્ય કલેવરને તથા અંત:તત્વને ધરમૂળથી પલટી નાખે છે. એક સર્જક તરીકે કેટલીક મર્યાદાઓ હોવા છતાં તેણે એકલે હાથે કરેલાં નવપ્રસ્થાનો પર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે તે આપણને ‘પ્રાણવંતો પૂર્વજ’ લાગે છે. તેને ‘યુગંધર’, ‘યુગપ્રવર્તક’ અને ‘યુગદ્રષ્ટા’ પણ કહ્યો છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ