નરેન્દ્રસેન : દખ્ખણના વાકાટક વંશનો રાજા. પ્રવરસેન દ્વિતીયનો પુત્ર અને વાકાટકનરેશ રુદ્રસેન દ્વિતીયનો પૌત્ર. બુધગુપ્તના સમકાલીન (જેમનું અંતિમ જ્ઞાત વર્ષ ઈસવી સન 495 છે.) આ રાજાના નિશ્ચિત સમયની જાણકારીનાં પ્રમાણો પ્રાપ્ત નથી. સમર્થ શાસક એવો આ રાજવી કુન્તલ દેશના રાજાની કુંવરી અજિતા-ભટ્ટારિકાને પરણ્યો હતો. કોશલ, મેકલા અને માલવ ઉપરના આધિપત્ય પછી એવું કહેવાય છે કે બુંદેલખંડ અને વાઘેલખંડ ઉપરની ગુપ્તોની સર્વોપરીતાનું પતન થયું હતું. જોકે મહારાજ નરેન્દ્રસેનના રાજ્યવિસ્તારની માહિતી પ્રાપ્ત થતી નથી. એના પુત્ર પૃથિવીસેન દ્વિતીયના લખાણમાંથી સૂચિત થાય છે કે એણે કૌટુંબિક ગૌરવ પાછું મેળવ્યું હતું. વાકાટકોના રાજ્ય ઉપર આવેલી આપત્તિને એણે દૂર કરી હતી. આમાં કુન્તલ દેશના કદંબ રાજ્ય સાથેના સંબંધો એને ઉપકારક નીવડ્યા હતા.

રસેશ જમીનદાર