નરેશકુમાર (. 22 ડિસેમ્બર 1928, લાહોર) : ડેવિસકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને ત્યારબાદ નૉન-પ્લેઇંગ સુકાની તરીકે ભારતીય ટેનિસમાં મહત્ત્વનું યોગદાન કરનાર ટેનિસ-ખેલાડી.

નરેશકુમાર

કુટુંબમાં રમતગતમની રુચિનું કોઈ વાતાવરણ નહોતું. પિતા વ્યાપાર કરતા હતા, પણ નરેશકુમારે કૉલકાતાની ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસકાળ દરમિયાન હૉકી, ખેલકૂદ, ફૂટબૉલ અને ક્રિકેટમાં નિશાળની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું, કિંતુ એ સમયે ટેનિસ રમતા નહોતા. કૉલેજકાળ દરમિયાન એકાગ્રતાથી ટેનિસ ખેલવા લાગ્યા અને કૉલકાતા વિશ્વવિદ્યાલયની ટીમનું ટેનિસમાં પ્રતિનિધિત્વ કર્યું. 194546માં રાષ્ટ્રીય જુનિયર ચૅમ્પિયન થયા. 1952 થી 1961 સુધી ભારત તરફથી ડેવિસ-કપ સ્પર્ધાઓમાં ભાગ લીધો. એ પછી ઘણાં વર્ષ સુધી ભારતીય ડેવિસ-કપ ટીમના નૉન-પ્લેઇંગ સુકાની તરીકે મહત્ત્વની કામગીરી બજાવી. વ્યવસાય અને ટેનિસ ઉપરાંત ઉષ્ણ કટિબંધની માછલીઓ અંગે નિષ્ણાત તરીકે તેમણે પુસ્તક લખ્યું છે.

કુમારપાળ દેસાઈ