નરસિંહાચાર, ડી. એલ. (જ. જૂન 1906, હુળિળુ, કર્ણાટક; અ. 1971) : કન્નડ લેખક. શરૂઆતનું શિક્ષણ ટુંકુર અને ઉચ્ચશિક્ષણ બૅંગાલુરુ અને મૈસૂરમાં. એમ.એ. અને પીએચ.ડી. ઉપાધિઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મેળવી તે જ યુનિવર્સિટીમાં કન્નડ-વિભાગમાં પંડિત તરીકે નિયુક્ત થયા. જુદા જુદા હોદ્દા પર મૈસૂર અને ઓસમાનિયા યુનિવર્સિટીઓમાં અને રાજ્યના શિક્ષણવિભાગમાં કાર્ય કર્યું. 1969માં મૈસૂર યુનિવર્સિટીએ તેમને ડી. લિટ્.ની ઉપાધિ એનાયત કરી. 1962થી 1969 સુધી યુ.જી.સી. સ્કૉલર હતા.
તેઓ એકતાલીસમા કન્નડ સાહિત્ય સંમેલનમાં (1960) પ્રમુખ તરીકે ચૂંટાયા. ‘જ્ઞાનોપાસક’ નામના જુદા જુદા સંશોધનવિષયક લેખોનો ગ્રંથ તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. 1970માં ‘ઉપાયન’ નામના સંશોધનલેખસંગ્રહનો ગ્રંથ પણ તેમને અર્પણ થયેલો. મૈસૂર સરકારે રાજ્ય-પુરસ્કારથી તેમનું સ્વાગત કર્યું હતું.
નરસિંહાચાર કન્નડ શબ્દકોશના મુખ્ય સંપાદક હતા. તે જ રીતે મૈસૂર યુનિવર્સિટીના સંશોધન સામયિક ‘પ્રબુદ્ધ કર્ણાટક’ના મુખ્ય સંપાદક હતા. એમનું સાહિત્યિક પ્રદાન ચિંતન તથા સંશોધનના ક્ષેત્ર ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતોનાં વિશ્વસનીય પાઠાંતર તૈયાર કરવા અંગેનું છે. તેમણે કરેલું કન્નડ ગ્રંથનું સંપાદન (‘કન્નડ પાઠાનુસંધાન’) એમની લાંબા સમયની શોધનું પરિણામ છે. એ પુસ્તકમાં જુદા જુદા પાઠ-વિષયક નિર્ણય લઈને વધુ યોગ્ય પાઠ કેવી રીતે શોધવો તે વિશેનું માર્ગદર્શન છે. એ ઉપરાંત એમણે મધ્યકાલીન કન્નડ સાહિત્યના શ્રેષ્ઠ ગ્રંથો ‘વડ્ડારાધને’, ‘પંપરામાયણસંગ્રહ’, ‘સિદ્ધરાવચરિત’, ‘સુકુમારચરિત’ તથા ‘શબ્દમણિદર્પણ’(વ્યાકરણગ્રંથ)નું સંપાદન કરીને એનાં અત્યંત વિશ્વસનીય સંસ્કરણ પ્રગટ કર્યાં છે. પ્રશિષ્ટ ગ્રંથોના સંપાદનકાર્ય અંગે એમની ‘ભીષ્મપર્વ’ આવૃત્તિ માપદંડ છે. ‘સિડ્ડાર્મચરિતસંગ્રહ’, ‘શબ્દમણિદર્પણ’, ‘સકલવૈદ્યસંહિતા’ અને ‘સારાર્ણવ’ તેમણે વિદ્વત્તાપૂર્ણ પુરોવચન સાથેની સંપાદિત કરેલ સંશોધિત આવૃત્તિઓ છે. વિવેચનસાહિત્યમાં તેમણે વિચારપ્રેરક અધિકરણો, અવલોકનો અને પાંડિત્યભરી પ્રસ્તાવનાઓ લખી છે. છંદ ઉપર તેમનું પ્રભુત્વ નોંધપાત્ર છે. ભાષાસાહિત્યનો તેમનો અભ્યાસ તલસ્પર્શી છે. એમનાં આ પ્રકારનાં લખાણો ‘ઇન્ટ્રોડક્શન ઍન્ડ અધર રાઇટિંગ્ઝ’માં સંગૃહીત કરવામાં આવ્યાં છે. કૃતિવિષયક વિવેચન ‘કન્નડ ગ્રંથ સંપાદન’માં થયું છે. ‘પંપ ભારત’ ઉપરની તેમની ટીકા-ટિપ્પણી ‘પંપભારતદીપિકા’ અને ‘શબ્દવિહાર’ નામના ગ્રંથો તેમની વિશિષ્ટ સિદ્ધિઓ છે. કન્નડ ઉપરાંત સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત તથા અંગ્રેજીના તેઓ વિદ્વાન જાણકાર હતા. મહાકાવ્યનું મૂળ કેમ શોધવું અને તે વાસ્તે જુદી જુદી પદ્ધતિઓથી કૃતિનું વિવેચન કેવી રીતે કરવું તે માટે એમણે ક્રમપાઠ, જટાપાઠ, વેદપાઠ વગેરે સમજાવ્યા છે. ‘શબ્દવિહાર’ તેમના સંશોધનલેખોનો નાનો પણ માહિતીસભર સંગ્રહ છે. ‘પંપભારતદીપિકા’ તથા ‘પીઠિ વેગળુ લેખનગડ્ડુ’ નામના સંશોધનવિષયક લેખોના બૃહદ ગ્રંથો એમના અવસાન પછી પ્રકાશિત થયા છે.
ચન્દ્રકાન્ત મહેતા