નરસિંહ મહેતો (નાટક : 1905) : ભક્તિરસનું ત્રિઅંકી નાટક. આ નાટકના લેખક હતા પોપટલાલ માધવજી ઠક્કર. શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપનીએ ઈ. સ. 1905માં આ નાટક ભજવ્યું હતું. આ નાટક છપાયું નથી. પ્રેમભક્તિરસના આ નાટકની ભાષા રસમય અને ભભકવાળી છે. લેખકની શૈલી નાટકી (theatrical) છે. નાટક જોઈ પ્રેક્ષકોને સદબોધ મળે એ પ્રકારના સંવાદો લેખકે ગોઠવ્યા છે. આ કંપનીનું સ્મરણ આ નાટકથી વિશેષ રહેશે એટલી એની લોકપ્રિયતા હતી.

નરસિંહ મહેતા ભક્ત છે. સંસાર કરતાં ભક્તિમાં એમને વિશેષ શ્રદ્ધા છે. નરસિંહ મહેતાને એમની ભાભી એક દિવસ મહેણું મારે છે. નરસિંહ જંગલમાં જઈ અપૂજ શિવને આરાધે છે. અહીં તેમને કૃષ્ણ અને રાસલીલાનું દર્શન થાય છે. એ પછી શ્રીકૃષ્ણ તેમને શામળશાના વિવાહ અને કુંવરબાઈના મામેરાના પ્રસંગે દામોદર શેઠના સ્વરૂપે સહાય કરે છે. રાયમાંડલિક આગળ પણ નરસિંહ સાચા ભક્ત સાબિત થાય છે.

કવિની ભાષા બોલકી અને વર્ણનપ્રધાન છે. નાટકના ઘણા પ્રસંગો ઉપર પ્રેમાનંદનાં આખ્યાનોની અસર છે. નાટકમાં ઘણી વિસંગતિ છે. કુંવરબાઈની સખીઓમાં તાનારીરી આવે છે. નાટકમાં શહેનશાહ અકબર, તાનસેન અને સંત તુલસીદાસ પણ આવે છે. નરસિંહ મહેતાનાં પ્રસિદ્ધ પદોનો નાટ્યકારે ઝાઝો ઉપયોગ કર્યો નથી. આ નાટકમાં નરસિંહ મહેતાનું પાત્ર ભજવતા નાના ત્રંબક (ત્રંબકલાલ રામચંદ્ર ત્રવાડી) ભૂમિકાને સજીવ બનાવવા પવિત્ર જીવન ગાળતા. એમની ભૂમિકા જોવા લોકોની પડાપડી થતી. નાટક ન જોવાનો સંકલ્પ કરી બેઠેલા પણ આ નાટક જોવા આવતા. આ નાટકમાં 48 લીટીનો રાસ આવતો. શાસ્ત્રીય સંગીતનો આ નાટકમાં ખૂબ સારો ઉપયોગ કરવામાં આવેલો. સન્નિવેશનાં અદભુત દૃશ્યો પણ લોકોને ગમતાં. એ જમાનાની લોકરુચિનું માપ પણ આ નાટક છે. સુંદરવિલાસ કંપનીએ થોડા ફેરફાર સાથે નાટક ભજવ્યું હતું. એ પછી પણ આ નાટક થોડાક ફેરફાર સાથે અનેક વાર ભજવાતું રહ્યું છે.

દિનકર ભોજક