નરસ્તનવૃદ્ધિ (gynaecomastia) : પુરુષનું સ્તન મોટું થવું તે. સામાન્ય રીતે તેમાં પુરુષોના સ્તનની ગ્રંથિઓ મોટી થયેલી હોય છે. જો તે ઝડપથી થાય તો તેમાં દુખાવો થાય છે તથા તેને અડવાથી દુખે છે. જાડા છોકરાઓ તથા મોટી ઉંમરના પુરુષોમાં ઘણી વખતે ચરબી જામવાથી પણ નરસ્તનવૃદ્ધિ થયેલી લાગે છે. ડીંટડીના પરિવેશ(areola)ને આંગળીઓ વચ્ચે દબાવવાથી ફક્ત ચરબી જ જામી છે કે ખરેખર ગ્રંથિઓ મોટી થવાથી થયેલી સાચી નરસ્તનવૃદ્ધિ થયેલી છે કે નહિ તે જાણી શકાય છે. મોટે ભાગે તે બંને બાજુએ થાય છે. ઘણી વખત તે બંને બાજુએ એકસરખી વૃદ્ધિવાળી હોતી નથી. ક્યારેક તે એક બાજુના સ્તનમાં થાય છે. તે સમયે તેને છાતીની બીજી ગાંઠોથી અલગ પાડવામાં આવે છે. જો કૅન્સરની ગાંઠ હોય તો તે કઠણ હોય છે અને ઘણી વખત બગલમાં પણ તેની કઠણ વેળ ઘાલેલી હોય છે. સામાન્ય સૌમ્ય નરસ્તનવૃદ્ધિમાં મોટું અને પોચું અથવા મધ્યમ કઠણતા (firmness) ધરાવતું હોય છે.

માનવશરીરમાં સ્ત્રીજાતીય અંત:સ્રાવ રૂપે ઇસ્ટ્રોજન અને પુરુષજાતીય અંત:સ્રાવ(hormones)રૂપે ટેસ્ટૉસ્ટિરોન હોય છે. પુરુષોમાં ઇસ્ટ્રોજન/ટેસ્ટૉસ્ટિરોનનું ગુણોત્તર પ્રમાણ જ્યારે વધે ત્યારે નરસ્તનવૃદ્ધિ થાય છે. તે દવાઓ કે કોઈ વિકારને કારણે હોય છે (સારણી 1). આ પ્રકારનો અંત:સ્રાવોનો વિકાર સામાન્ય રીતે જનનગ્રંથિઓનું કાર્ય ઘટે ત્યારે થાય છે. જનનગ્રંથિનું કાર્ય ઘટે તેને અલ્પજનનગ્રંથિતા (hypogonadism) કહે છે. તે નરસ્તનવૃદ્ધિનું મુખ્ય કારણ હોય છે. સ્ત્રીઓમાં સગર્ભાવસ્થામાં સ્તન મોટાં થાય છે તે પ્રોલેક્ટિન નામના અંત:સ્રાવની અસર હેઠળ થાય છે. પુરુષોમાં પ્રોલેક્ટિન નામના અંત:સ્રાવમાં વધારો થાય તો તેને કારણે પુરુષોના સ્તનના કદમાં વધારો થતો નથી. પરંતુ જો તે પીયૂષિકા (pituitary) ગ્રંથિનું કાર્ય ઘટાડીને અલ્પજનનગ્રંથિતા કરે તો સ્તનનું કદ વધે છે.

નવા જન્મેલા શિશુમાં તથા છોકરાઓમાં મૂછનો દોરો ફૂટે ત્યારે એટલે કે યૌવનારંભ (puberty) થાય (60 %થી 70 %) ત્યારે થોડાક સમય માટે તેમના સ્તનનું કદ વધે છે. યૌવનારંભે થતો વિકાર ઘણી વખત મહિનાઓ કે થોડાં વર્ષો સુધી ચાલે છે. 40 % પુખ્ત સામાન્ય પુરુષોનું સ્તન 2થી 3 સેમી. જેટલું તો સામાન્યપણે જોવા પણ મળે છે.

કેટલીક દવાઓ પુરુષોના સ્તનનું કદ વધારે છે. પુર:સ્થ (prostate) ગ્રંથિના કૅન્સરની સારવારમાં ઇસ્ટ્રોજન વપરાય છે. તેને કારણે ઘણી વખત સ્તનવૃદ્ધિ જોવા મળે છે. મારિજુઆના અને ડિજિટાલિસ ઇસ્ટ્રોજનના સ્વીકારકો પર કાર્ય કરે છે. સ્પાયરોનોલૅક્ટોન, સિમિટિડિન, કિટોકોનેઝોલ અને કેટલીક કૅન્સરવિરોધી દવાઓ પણ ટેસ્ટૉસ્ટિરોનનું ઉત્પાદન ઘટાડે છે. તે બધી નરસ્તનવૃદ્ધિ કરે છે. કેટલીક લોહીનું દબાણ ઘટાડતી, મન શાંત કરતી કે ઊંઘ લાવતી, ખિન્નતા (depression) ઘટાડતી કે મનમાં ઉત્તેજના લાવતી દવાઓ પણ નરસ્તનવૃદ્ધિ કરે છે. અધિવૃક્ક (adrenal) ગ્રંથિ કે શુક્રપિંડની ઇસ્ટ્રોજન બનાવતી ગાંઠ પણ ક્યારેક આ વિકાર સર્જે છે. ફેફસાં કે યકૃત(liver)નાં કેટલાંક કૅન્સરમાં પણ નરસ્તનવૃદ્ધિ થાય છે. કૅન્સર સિવાયના ઘણા વિકારોમાં પણ તે જોવા મળે છે. લાંબા સમયના ભૂખમરા કે લાંબી માંદગી પછી ખોરાક શરૂ કરાય ત્યારે શરૂઆતમાં ઘણી વખત નરસ્તનવૃદ્ધિ થાય છે. લાંબા સમયની માંદગી કે ભૂખમરો થાય ત્યારે પીયૂષિકાગ્રંથિ અને જનનગ્રંથિનું કાર્ય ઘટે છે. ફરીથી ખોરાક શરૂ થાય ત્યારે તે કાર્ય શરૂ થાય છે. તે સમયે પુરુષોમાં સ્તનનું કદ વધે છે.

નરસ્તનવૃદ્ધિનાં કેટલાંક કારણો

જૂથ ઉદાહરણ
1. સામાન્ય જન્મસમયે, યૌવનારંભ કે ક્યારેક પુખ્ત વયે દેહધાર્મિક ક્રિયા.
2. અલ્પજનનગ્રંથિતા જનનગ્રંથિ (gonad) કે પીયૂષિકાગ્રંથિના વિકારો.
3. દવાઓ ઇસ્ટ્રોજન, એરોમેટિઝાયેબલ, એન્ડ્રોજન્સ મારિજુઆના, ડિજિટાલિસ, સ્પાયરોનો લૅક્ટોન, સિમેટિડિન, કિટોકોનેઝોલ. કેટલીક કૅન્સર-વિરોધી દવાઓ એમ્ફેટોમાઇન, કેટલીક લોહીનું દબાણ ઘટાડતી દવાઓ, ઘેન કરતી કે મન શાંત કરતી દવાઓ, ખિન્નતારોધકો.
4. ગાંઠ અધિવૃક્કગ્રંથિ કે શુક્રગ્રંથિની ગાંઠો, ફેફસાં કે યકૃતનું કૅન્સર.
5. શારીરિક રોગો યકૃતતંતુકાઠિન્ય (cirrhosis), મૂત્રપિંડ-નિષ્ફળતા, થાઇરૉઇડ ગ્રંથિનું અતિશય કાર્ય.
6. પ્રકીર્ણ ભૂખમરો કે લાંબી બીમારી પછી ફરી ખોરાક, કૌટુંબિક વિકાર, છાતી પર ઈજા.

સારવાર : મૂળ કારણરૂપ રોગની સારવાર કરવાથી તે મટે છે. જો કોઈ દવાને કારણે તે થયું હોય તો તે બંધ કરવાથી ફાયદો થાય છે. પુર:સ્થ ગ્રંથિના કૅન્સરમાં ડાયઇથાયલ ઇસ્ટ્રેડિઓલ વડે સારવાર કરતાં પહેલાં ઘણી વખત સ્તન પર થોડી વિકિરણ વડે સારવાર આપીને સ્તનની વૃદ્ધિ અટકાવી શકાય છે. ટેમૉક્સિફેન કે ડાયહાઇડ્રો ટેસ્ટૉસ્ટિરોનની સારવારથી ક્યારેક ફાયદો થાય છે. પરંતુ તે મર્યાદિત અને અનિશ્ચિત હોય છે. જરૂરિયાત પડ્યે શસ્ત્રક્રિયાની મદદથી મોટા થયેલા સ્તનની ગ્રંથિને દૂર કરીને છાતીને યોગ્ય ઘાટ અપાય છે. તેને સ્તન-પુનર્રચના (mammoplasty) કહે છે.

શિલીન નં. શુક્લ

પ્રેમલ ઠાકોર