નડૂલના ચાહમાનો : શાકંભરીના ચાહમાન (ચૌહાણ) રાજવંશ-માંથી ઊતરી આવેલા નડૂલની શાખાના રાજાઓ. નડૂલ નાડોલ તરીકે પણ ઓળખાય છે. તે દક્ષિણ રાજસ્થાનના શિરોહી જિલ્લામાં જોધપુરથી દક્ષિણે આવેલું છે. આ રાજ્યની આસપાસ મારવાડના ભિન્નમાલ, આબુ, શિરોહી, જાલોર અને મંડોર આવેલાં છે.

આ વંશનો પૂર્વજ લક્ષ્મણ શાકંભરીના વાક્પતિરાજનો પુત્ર અને સિંહરાજનો નાનો ભાઈ હતો. દસમી સદીની મધ્યમાં શાકંભરીથી આવી તેણે નડૂલનો કિલ્લો બંધાવ્યો અને આસપાસનો પ્રદેશ જીતીને અલગ રાજ્ય સ્થાપી નડૂલને રાજધાની બનાવી હતી.

લક્ષ્મણના પુત્ર શોભિતે આબુ જીત્યું હતું. તેના પુત્ર બલિરાજે માળવાના રાજા મુંજને (974–75) હરાવ્યો. તેના અનુગામી રાજાઓ મહેન્દ્ર, અશ્વપાલ અને અહિલ રાજ્ય કરી ગયા. ગુજરાતના દુર્લભરાજ તથા ભીમ પહેલાએ નડૂલ ઉપર ચડાઈ કરી હતી પણ તેઓ સફળ થયા ન હતા. મહેન્દ્રના પુત્ર અણહિલે ગુજરાતના ભીમદેવને, માળવાના ભોજને તથા શાકંભરીના વીર્યરામને હરાવ્યા હતા. નડૂલને ગુજરાત, માળવા અને શાકંભરી સાથે અવારનવાર લડવું પડ્યું હતું. તેના પુત્ર બાલાપ્રસાદે ભિન્નમાલના પરમાર કૃષ્ણરાજને ગુજરાતના ભીમદેવ પહેલા પાસેથી છોડાવ્યો હતો. પૃથ્વીપાલના અનુગામી જોજલ્લે પાટણ થોડો વખત કબજે કર્યું હતું. તેના અનુગામી આશરાજે સિદ્ધરાજને માળવા જીતવા તથા ચંદેલા મદનપાલને હરાવવા મદદ કરી હતી. આશરાજે તેના ભત્રીજા રત્નપાલને ગાદી સોંપવી પડી હતી. ત્યારપછી રત્નપાલે તેના પુત્ર રાયપાલને ગાદી સોંપી હતી. રાયપાલની પાસેથી આશરાજના પુત્ર કટુદેવે થોડો વખત નડૂલ કબજે કર્યું હતું (1143–44). 1145માં રાયપાલે નડૂલ જીતી લેતાં કટુદેવ બાલી ચાલ્યો ગયો. ગુજરાતના કુમારપાળે 1154માં નડૂલ જીતી લઈને તેના સેનાપતિ વૈજલદેવને તેનો દંડનાયક નીમ્યો હતો. તેણે 1154–59 સુધી નડૂલ કબજે રાખ્યું હતું. આશરાજના બીજા પુત્ર આલ્હણદેવે કુમારપાળને સૌરાષ્ટ્ર જીતવા સહાય કરી હતી. તેથી તેને કિરાડુ, લાટહૃદ અને શિવાનો પ્રદેશ મળ્યો. આશરાજનો અનુગામી કલ્હણ કુમારપાળનો સામંત હતો. તે 1178માં સ્વતંત્ર થઈ ગયો. શાહબુદ્દીન ઘોરીએ નડૂલ ઉપર ચડાઈ કરી ત્યારે ચૌલુક્ય સૈન્યે તેને હરાવવા મદદ કરી હતી. કલ્હણના મૃત્યુ પછી જયંતસિંહ ગાદીએ આવ્યો. તેના વખતમાં કુત્બુદ્દીન ઐબકે નડૂલ ઉપર નિષ્ફળ ચડાઈ કરી હતી. તેના અનુગામી સામંતસિંહ અને વીરધવલનો પુત્ર ઘેઘલદેવ (1209–26) ભીમદેવ બીજાના સામંત હતા અને ગોડવાડમાં રાજ્ય કરતા હતા. ચૌદમી સદી સુધી નડૂલમાં ચૌહાણ સત્તા હતી.

શિવપ્રસાદ રાજગોર