નડિયાદ : ગુજરાતના ખેડા જિલ્લાના 10 તાલુકાઓ પૈકીનો એક અને તાલુકામથક. આ તાલુકો 22° 35´થી 22° 53´ ઉ. અ. અને 72° 46´થી 73° 10´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 662.3 ચોકિમી. છે. તાલુકામાં નડિયાદ અને વસો એ બે શહેરો અને 100 ગામડાં આવેલાં છે. આ તાલુકો ખેડા જિલ્લાના નડિયાદ ઉપવિભાગ(subdivision)માં આવેલો છે અને નડિયાદ તે ઉપવિભાગનું મથક પણ છે. આ તાલુકાની અગ્નિકોણ અને દક્ષિણ સરહદે આણંદ તાલુકો, પૂર્વ સરહદે ઠાસરા તાલુકો, વાયવ્ય સરહદે મહેમદાવાદ તાલુકો, પશ્ચિમ સરહદે માતર તાલુકો, ઉત્તર સરહદે કપડવંજ તાલુકો આવેલા છે. આ સરહદોના સંદર્ભમાં જોતાં આ તાલુકો જિલ્લાની મધ્યમાં આવે છે. નડિયાદ, આણંદ અને પેટલાદ તાલુકાઓ ભેગા મળીને તળ ચરોતરનો પ્રદેશ ગણાય છે.

જળપરિવાહ રચના અને ભૂપૃષ્ઠ : નડિયાદ તાલુકાના મધ્યભાગમાં થઈને પૂર્વથી પશ્ચિમ તરફ શેઢી નદી વહે છે.  ઈશાન કોણમાંથી કપડવંજ તાલુકામાં થઈને ઉત્તર તરફથી આવતી મહોર અને લૂણી નદીઓ તેને મળે છે. શેઢીનો પટ સાંકડો અને કાદવવાળો છે. આખા જિલ્લામાં તેની કુલ લંબાઈ 96 કિમી. જેટલી છે. પંચમહાલ જિલ્લાના ધામોદ અને વરધરીના ડુંગરમાંથી તે નીકળે છે. પ્રાચીન ગ્રંથોમાં જણાવ્યા મુજબ તે ખાખરાના વનમાંથી પસાર થતી હતી, તેથી તેને ‘પલાશવનચારિણી’ કહી છે. લસુંદ્રામાંથી નીકળતી લૂણી નદી મહીસા અને અલીણા પાસે થઈને પ્રથમ મહોર નદીને મળે છે, મહોર નદી પછીથી શેઢીને મળે છે. શેઢી નડિયાદ તાલુકાનાં સોડપુર, હરણી, ચુણેલ, પાલડી, સનાલી, જાવોલ, હાથજ, વીણા, નંદગામ, ખુંટજ, મૂળજ, દવાપુરા, બીલોદરા, અરેરા, મંજીપુરા, હાથતોલી અને દહેગામ ગામો નજીકથી પસાર થાય છે. શેઢી આગળ જતાં વાત્રકને મળે છે. મહોર નદીના બે પ્રવાહ છે, એક ફાંટો સાઠંબાથી કપડવંજ તરફ વહે છે, તે ધામણી તરીકે ઓળખાય છે, બીજો ફાંટો દક્ષિણે થઈને દિયોલી વગેરે ગામો તરફ વહે છે. આ નદીનો પટ ખડકાળ છે.

સંતરામ મહારાજની સમાધિ અને મંદિર

નડિયાદ તાલુકામાં ઈશાનથી નૈર્ઋત્ય તરફના ઢોળાવવાળું કાંપનું મેદાન આવેલું છે. આ તાલુકાની જમીન ફળદ્રૂપ છે. નદીઓનાં તળ ઊંડાં જવાથી આસપાસ કાંપના નવા થર જામતા અટકી ગયા છે. ભૂપૃષ્ઠ ધોવાતું જવાથી નદીકિનારે કોતરો જોવા મળે છે. મહીના કાંપના પ્રસરણથી નડિયાદનું ભૂપૃષ્ઠ બનેલું છે, પરંતુ કાંપનું પ્રમાણ અહીં ઓછું હોવાથી આણંદ અને બોરસદ તાલુકાઓ કરતાં અહીંની જમીન ઓછી ફળદ્રૂપ છે.

આબોહવા : નડિયાદ તાલુકો જિલ્લાની મધ્યમાં, કર્કવૃત્તથી દક્ષિણે  તેમજ સમુદ્રથી પ્રમાણમાં દૂર આવેલો હોવાથી ઉનાળામાં વિશેષ ગરમી પડે છે. મે માસ સૌથી વધુ ગરમ રહે છે. માર્ચથી ઉત્તરોત્તર ગરમીનું પ્રમાણ વધતું જાય છે. મે માસમાં સરેરાશ ગુરુતમ તાપમાન 41° સે. જેટલું થઈ જાય છે, ક્યારેક વધીને 44° સે. પણ પહોંચે છે. જાન્યુઆરી માસ સૌથી વધુ ઠંડો રહે છે. સરેરાશ ગુરુતમ તાપમાન 29° સે. થાય છે. ક્યારેક દૈનિક લઘુતમ તાપમાન 14° સે. સુધી પણ ઊતરે છે. વર્ષાઋતુ બાદ ફરીથી ઑક્ટોબરમાં તાપમાન વધી જાય છે. નૈર્ઋત્યના મોસમી પવનો જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ આપે છે. નડિયાદનો સરેરાશ વરસાદ 792 મિમી. જેટલો રહે છે.

વૃક્ષો : આ તાલુકામાં જંગલ નથી; પણ આંબા, રાયણ, કેળ, પપૈયાં જેવાં ફળ આપતાં વૃક્ષો તેમજ લીમડો, વડ, પીપળો, બાવળ, પીપર જેવાં વૃક્ષો ગામના પાદરે કે રસ્તાઓની બાજુમાં જોવા મળે છે.

ખનિજપેદાશો : અહીં નદીપટમાંથી રેતી, ગ્રૅવલ અને કપચી સિવાય આર્થિક દૃષ્ટિએ ઉપયોગી ખનિજો મળતાં નથી.

પ્રાણીઓ : આ તાલુકામાં ગાયો, ભેંસો, બકરાં અને ઘેટાં જેવાં દુધાળાં પ્રાણીઓ છે. અહીં ડેરી-ઉદ્યોગના વિકાસને કારણે ભેંસોનું પ્રમાણ ઘણું છે. મુસ્લિમ વસ્તીને કારણે મરઘાં અને બતકોનો ઉછેર મોટા પ્રમાણમાં થાય છે. આ તાલુકામાં દૂધ સહકારી મંડળીઓ આવેલી છે, ઓછી જમીન ધરાવતા ખેડૂતને પશુપાલન પૂરક આવક આપે છે.

ખેતી : કુલ વાવેતરયોગ્ય જમીન પૈકી 65 % જમીનમાં ખાદ્ય પાકો વવાય છે. તે પૈકી ઘઉં, ડાંગર અને બાજરી મુખ્ય છે. મકાઈ, જુવાર અને રાગી કે તૃણ ધાન્યનું પ્રમાણ નહિવત્ છે. અહીં અનાજ અને કઠોળ વવાય છે. તે પૈકી તુવેર મુખ્ય છે; જ્યારે અડદ, મગ અને ચણાનું વાવેતર તદ્દન ઓછું છે. બટાટા અને શાકભાજી વવાય છે. અન્ય પાકોમાં મરચાં, વરિયાળી પણ વવાય છે. અખાદ્ય પાકોમાં તમાકુ અને કપાસ મુખ્ય છે.

મહી નદીની નહેર આ તાલુકાને મળે છે, તેથી નહેર દ્વારા 15,295 હેક્ટરમાં સિંચાઈ થાય છે. વરસાદની વધઘટ અનુસાર નહેર દ્વારા સિંચાઈમાં વધારોઘટાડો થાય છે. કૂવા દ્વારા સિંચાઈ થાય છે. પાતાળકૂવા દ્વારા કુલ જમીન પૈકી 57 % જમીનને સિંચાઈનો લાભ મળે છે.

પરિવહન : તાલુકામાં તેમજ શહેરમાં પાકા રસ્તા છે. બ્રૉડગેજ રેલમાર્ગ પર નડિયાદ, ઉત્તરસંડા અને વડતાલનાં ત્રણ સ્ટેશનો છે. બ્રૉડગેજ અને નૅરોગેજ રેલમાર્ગોની લંબાઈ અનુક્રમે 6 કિમી. અને 26 કિમી. છે. નડિયાદ-કપડવંજ અને નડિયાદ-ભાદરણ વચ્ચે નૅરોગેજ રેલમાર્ગ છે. રાજ્ય-પરિવહનની બસો માર્ગો પર દોડે છે.

શહેરો : નડિયાદ એ નડિયાદ તાલુકામાં તેમજ ખેડા જિલ્લામાં આવેલું સૌથી મોટું શહેર છે. તે 22° 42´ ઉ. અ. અને 72° 52´ પૂ. રે. ઉપર આવેલું છે. ‘નડિયાદ’ નામ ‘નંદપુર’ કે ‘નટપુર’ ઉપરથી પડેલું હોવાની લોકવાયકા છે. નડિયાદ એ જિલ્લાનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે. સત્તરમી સદી દરમિયાન નડિયાદ બાફટા જાતના કાપડ તેમજ સુતરાઉ કાપડ માટે તથા કપડવંજમાંથી લાવેલા અકીકના પથ્થર પર પાસા પાડીને તેમાંથી આભૂષણો બનાવવા માટે જાણીતું હતું. ઓગણીસમી સદી દરમિયાન સૂતર, છીંકણી અને રંગીન કાપડ અહીંથી નિકાસ થતાં હતાં. 1876માં અહીં વરાળસંચાલિત કાંતણ અને વણાટ માટેનું કાપડનું કારખાનું સ્થપાયું હતું. 1913માં મફતલાલ ગગલભાઈ દ્વારા ન્યૂ શોરોક મિલ સ્થપાઈ હતી,  લોખંડની તિજોરીઓ, રાચરચીલું, તાંબા-પિત્તળનાં વાસણો વગેરે બનાવતાં કારખાનાં અહીં આવેલાં છે. સોના-ચાંદીનાં કલાત્મક ઘરેણાં બનાવવાના ગૃહઉદ્યોગ ઉપરાંત બીડી, સાબુ, રેડિયો, કેબલ, તાર, વીજળીનો સામાન તથા તૈયાર કપડાં ઉપરાંત અન્ય ગૃહ-ઉદ્યોગો પણ અહીં આવેલા છે.

નડિયાદ એ નડિયાદ–કપડવંજ તથા નડિયાદ–ભાદરણ રેલમાર્ગ પરનું જંકશન છે. ખેડા જિલ્લાનું કેન્દ્રીય મથક હોવાથી તે અમદાવાદ, વડોદરા, ગોધરા સાથે રેલમાર્ગ દ્વારા તથા ગુજરાતનાં મહત્ત્વનાં અન્ય શહેરો-નગરો-ગામો સાથે રાજ્ય-પરિવહનની બસો મારફતે જોડાયેલું છે.

નડિયાદ સાહિત્યના ક્ષેત્રે સાક્ષરોની પણ ભૂમિ ગણાય છે. શકવર્તી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ, મણિલાલ નભુભાઈ, ચંદ્રશંકર પંડ્યા, કાંતિલાલ પંડ્યા, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, મગનભાઈ દેસાઈ, રણછોડલાલ ઉદયરામ દવે વગેરે નામી લેખકો આ શહેરમાં થઈ ગયા.

નડિયાદમાં સંતરામ મહારાજની સમાધિ અને મંદિર છે. મહામાસની પૂર્ણિમાને દિવસે અહીં મેળો ભરાય છે. અહીં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયનાં, સ્વામિનારાયણ પંથનાં મંદિરો, હરિ ઓમ્ આશ્રમ ઉપરાંત ભૈરવ અને કાલીમાતાનાં મંદિરો, માઈ મંદિર, વૈષ્ણવ હવેલી વગેરે હિંદુ તીર્થધામો તેમજ મુસ્લિમ અને ખ્રિસ્તી મસ્જિદો અને દેવળો આવેલાં છે.

આ શહેરમાં બાલમંદિરો, પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલો, ટૅકનિકલ શાળા, અનાથાશ્રમ, પુસ્તકાલયો તેમજ વિનયન, વિજ્ઞાન, વાણિજ્યની અને આયુર્વેદની ઉચ્ચશિક્ષણ આપતી કૉલેજો છે.

નડિયાદનો આગવો ઉજ્જ્વલ ઇતિહાસ છે. 1857માં વિહારીદાસ દેસાઈની મુલાકાત દરમિયાન તાત્યા ટોપે અહીં થોડા દિવસ રહ્યા હતા અને અહીંથી ખંડેરાવ ગાયકવાડના સહકાર માટે તેણે સંપર્ક સાધ્યો હતો. તત્કાલીન પેશ્વાના કાકા રઘુનાથરાવે(રાઘોબા) નડિયાદની પ્રજાનો ફત્તેહસિંહરાવનો પક્ષ લેવા બદલ દંડ કર્યો ત્યારે બ્રાહ્મણોએ અને બારોટોએ વિરોધ કર્યો હતો. 1860માં આયકર લાદવા સામે નડિયાદે પ્રતિકાર કર્યો હતો. 1917–18માં ખેડા સત્યાગ્રહ દરમિયાન નડિયાદ ગાંધીજીનું સત્યાગ્રહ માટેનું મુખ્ય મથક હતું. રૉલેટ ઍક્ટના જુલમી કાયદાના પ્રતિકાર રૂપે અમદાવાદ જતી લશ્કરી ટ્રેનને પાટાની ફિશપ્લેટ કાઢીને અટકાવી હતી. 1921માં ગાંધીજીની હાકલને માન આપીને નડિયાદની નગરપાલિકા તથા શાળામંડળે અસહકાર કરી બ્રિટિશ સરકાર સાથેનો સંબંધ કાપી નાખ્યો હતો અને પ્રાથમિક શાળાઓનું સ્વતંત્ર સંચાલન કર્યું હતું. દરબાર ગોપાળદાસ તેમની જાગીર છોડી અસહકારની લડતમાં જોડાયા હતા. નડિયાદ એ સરદાર વલ્લભભાઈની કર્મભૂમિ હતી.

શિવપ્રસાદ રાજગોર