નડ્ડા, જગત પ્રકાશ (. 2 ડિસેમ્બર 1960, પટણા, બિહાર) : ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ, પૂર્વ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, હિમાચલપ્રદેશના પૂર્વ કૅબિનેટ મિનિસ્ટર. તેમનો પરિવાર મૂળ હિમાચલપ્રદેશમાંથી બિહાર રહેવા ગયો હતો. શાળા-કૉલેજનો અભ્યાસ પટણામાં કર્યો હતો અને પછી હિમાચલપ્રદેશ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. કૉલેજકાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા. 1983માં હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પરિષદના પ્રમુખ બન્યા. 1990થી 1994 સુધી ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ રહ્યા.

જે. પી. નડ્ડા

1993માં પ્રથમ વખત હિમાચલપ્રદેશની બિલાસપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 1998માં ફરીથી એ જ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને રાજ્યમાં ભાજપની સરકાર બનતાં મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધુમલે તેમને સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રી બનાવ્યા હતા. 2007માં બિલાસપુરની બેઠકમાંથી ધારાસભ્ય બનેલા નડ્ડાનો ફરીથી ધુમલના કૅબિનેટ મંત્રાલયમાં સમાવેશ થયો હતો. 2012માં હિમાચલપ્રદેશમાંથી નડ્ડા રાજ્યસભાના સાંસદ બન્યા હતા. 2014માં નરેન્દ્ર મોદીની સરકારમાં જે.પી. નડ્ડા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બન્યા. એક ટર્મ સુધી નડ્ડા કેન્દ્રીય મંત્રી રહ્યા બાદ 2019માં તેમને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપાઈ.

તત્કાલીન ભાજપઅધ્યક્ષ અમિત શાહ ગૃહ મંત્રી બન્યા તે પછી જાન્યુઆરી,2020માં જે.પી. નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. જાન્યુઆરી,2023માં તેમનો કાર્યકાળ પૂરો થતો હતો. એ જ મહિને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં નડ્ડાનો કાર્યકાળ 2024ની લોકસભાની ચૂંટણી સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. ભાજપના ઇતિહાસમાં સતત બે ટર્મ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવનારા નડ્ડા માત્ર ત્રીજા નેતા છે. અગાઉ લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહ બે જ એવા નેતા છે, જેમને સતત બે મુદત સુધી પ્રમુખપદે પસંદ કરવામાં આવ્યા હતા. ભાજપમાં પ્રમુખપદનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે અને કોઈ નેતા સતત બે ટર્મથી વધારે સમય આ પદે રહી શકે નહીં – એવું પાર્ટીનું આંતરિક બંધારણ છે.

હર્ષ મેસવાણિયા