દુર્ગાવતી, રાણી (જ. ?; અ. ઈ. સ. 1564) : મધ્યપ્રદેશના ગઢકટંગ(ગોંદવાણા)ના રાજા દલપત શાહની રાણી. તે મહોબાના જાણીતા ચંદેલ વંશના રાજા શાલિવાહનની રાજકુંવરી હતી. દલપત શાહના મૃત્યુ પછી, દુર્ગાવતી તેના પુત્ર વીરનારાયણની વાલી (રિજન્ટ) તરીકે રાજ્ય કરતી હતી. તે શક્તિશાળી, પરોપકારી અને હિંમતવાળી શાસક હતી. તેના શાસન દરમિયાન રાજ્યનો વિકાસ થયો હતો. તેની પાસે 20,000નું અશ્વદળ તથા 1,000નું હસ્તીદળ હતું. તેણે લડાઈમાં બાઝબહાદુર તથા મિયાણા અફઘાનોને હરાવ્યા હતા. મુઘલ લશ્કર સહિત કરાનો ગવર્નર આસફખાન ચડાઈ કરીને તેના રાજ્યમાં આગળ વધવા લાગ્યો. મુઘલ લશ્કર ઘણું વધારે મોટું હોવા છતાં, બહાદુર રાણી તેના સૈન્ય સાથે સામનો કરવા આગળ વધી. રાણીના લશ્કરે હુમલો કરી ત્રણ વાર મુઘલ લશ્કરને પાછું હઠાવ્યું. તેનો કુંવર વીરનારાયણ ઘાયલ થયો. તેને લડાઈના મેદાનથી દૂર મોકલી દીધો. તેના પરિણામે રાજપૂતોના લશ્કરે નાસવા માંડ્યું. તેની પાસે માત્ર 300 સૈનિકો રહેવા છતાં, રાણીએ વીરતાપૂર્વક લડાઈ ચાલુ રાખી. રાણીને બે તીર વાગ્યાં, જે તેણે હિંમતપૂર્વક ખેંચીને ફેંકી દીધાં; પરંતુ ઘણું લોહી વહી જવાથી તે બેભાન થઈ ગઈ. ભાન આવતાં જાણ્યું કે તેનો પરાજય થયો હતો. તેથી શત્રુ દ્વારા દુરાચરણની શંકાથી તેણે પોતાની બરછી, પોતાની છાતીમાં ભોંકી અને વીરગતિ પામી.
જયકુમાર ર. શુક્લ