દુર્યોધન : મહાભારત મહાકાવ્યનો પ્રતિનાયક. તે સારો યોદ્ધો હોવાથી ‘સુયોધન’ એવા અન્ય નામે પણ ઓળખાતો હતો. દુર્યોધનના નામનો અર્થ, મુશ્કેલીથી જેની સાથે યુદ્ધ થઈ શકે (જીતી શકાય) તેવો. ચંદ્રવંશી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો આ જ્યેષ્ઠ પુત્ર હતો. તેના જન્મસમયે અનેક દુશ્ચિહનો થયાં હતાં. આ જોઈને, મહાત્મા વિદુરે તેનો ત્યાગ કરવા માટેનું ધૃતરાષ્ટ્રને સૂચન કર્યું. પરંતુ, પુત્રમોહને લીધે તે દુર્યોધનને ત્યજી ન શક્યો.

એમ કહેવાય છે કે દુષ્ટ ક્ષત્રિયોનો નાશ થાય અને પૃથ્વીનો ભાર ઊતરે, તે માટે નિમિત્ત બનવા કલિના અંશથી તે ઉત્પન્ન થયો હતો. ગુરુ દ્રોણ પાસેથી મેળવેલી ધનુર્વિદ્યા અને ગદાયુદ્ધમાં તે પાવરધો હતો. ગદાયુદ્ધનું શિક્ષણ દુર્યોધને બલરામ પાસેથી મેળવ્યું હતું. ગદાયુદ્ધ તેને સવિશેષ પ્રિય અને ફાવટભર્યું લાગતું. કુરુપ્રદેશના, અને તેથી કૌરવ એવા સૈન્યનો તે નેતા રહ્યો. બાલ્યવયથી જ, તે પાંડવદ્વેષી રહ્યો. તેમાંય, ભીમ માટે તો તેને ખૂબ જ વેરભાવ હતો. તેને ભોજનમાં ઝેર ખવડાવીને પાણીમાં ડુબાડી દીધો, તોય, ભીમ બચી ગયો. લાક્ષાગૃહમાં પાંડવોને પૂરીને બાળી નાંખવા માટેનો તેનો પ્રયત્ન પણ અફળ રહ્યો. દ્રુપદ રાજાને ત્યાં, સ્વયંવરમાં પાંડવો દ્રૌપદીને જીતી લાવ્યા તે જાણીને, ધૃતરાષ્ટ્રે તેમને હસ્તિનાપુર તેડાવ્યા અને ઇન્દ્રપ્રસ્થમાં રાખ્યા. દુર્યોધનને આ ન ગમ્યું.

પોતાની શક્તિથી સમૃદ્ધ બનેલા પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે પણ તેને ઈર્ષ્યા થઈ. મયાસુરે રચેલા માયાવી સભામંડપમાં, જળને સ્થાને સ્થળ અને સ્થળને સ્થાને જળનો ભ્રમ થવાથી, તે ભીંતે ભટકાયો અને પાણીમાંય પડ્યો. આ વખતે દ્રૌપદી વગેરેએ કરેલી મશ્કરીથી તે છેડાયો. પાંડવોની સંપત્તિ છીનવી લેવા માટે કપટદ્યૂતની યોજના કરી. મામા શકુનિની મદદથી પાંડવોનું સર્વસ્વ જીતી ગયો. પોતાના ભાઈ દુ:શાસન દ્વારા, ભરસભામાં દ્રૌપદીની ફજેતી કરાવી. પાંડવોને વનમાં મોકલ્યા. બાર વર્ષનો વનવાસ અને તેરમા વર્ષનો ગુપ્તવાસ પાંડવો માટે નિશ્ચિત થયો. જો ઓળખાઈ જાય તો ફરી બાર વર્ષ વનવાસ ભોગવવો પડે, એવું ગોઠવાયું. કર્ણ સાથે, ગોધનની ગણતરી કરવાના બહાને દુર્યોધન દ્વૈત વનમાં ગયો. ચિત્રરથ નામના ગંધર્વે તેને હરાવીને કેદ કર્યો. યુધિષ્ઠિરે આ જાણ્યું, ત્યારે ભીમ અને અર્જુનને ચિત્રરથ પાસે સમજાવવા મોકલ્યા. ચિત્રરથ ન માન્યો, ત્યારે અર્જુને તેને હરાવીને દુર્યોધનને છોડાવ્યો, અને ઉપદેશ આપીને વિદાય કર્યો. આ રીતનો છુટકારો દુર્યોધન માટે અપમાનરૂપ બની ગયો.

બદલો લેવાની વૃત્તિથી, ઈર્ષ્યાથી જ, દુર્વાસાને પ્રસન્ન કરી, દ્રૌપદી પાસેથી ભોજન મેળવવા વિનંતી કરી. કૃષ્ણની કૃપાથી, દુર્વાસાનો કોપ દ્રૌપદી પર ન ઊતરી શકતાં તે બચી ગઈ. તેરમા વર્ષે વિરાટ રાજાને ત્યાંના પાંડવોના ગુપ્તવાસ દરમિયાન, તેમણે કરેલા કીચકવધથી દુર્યોધનને પાંડવો ત્યાં હોવાની શંકા પડી. પાંડવોને છતા કરવા, સુશર્માને, વિરાટની દક્ષિણ તરફની ગાયો હરી જવા મોકલ્યો અને પોતે ઉત્તરમાં ગયો. બંને બાજુ તેની પાયમાલી થઈ. આ ગાળામાં પાંડવોનો અજ્ઞાતવાસ પણ પૂરો થયો હતો. કૃષ્ણ વિષ્ટિ માટે તેની પાસે ગયા. પાંડવો માટે અર્ધું રાજ્ય માગ્યું. ‘સોયની અણી જેટલી ભૂમિ પણ નહીં આપું’ એવી ઉક્તિપૂર્વક હઠ લેતાં, મહાભારત યુદ્ધ છેડાયું. શલ્ય વગેરે પોતાના વીરો મરતાં, દુર્યોધન ગભરાયો. જળસ્તંભવિદ્યા દ્વારા જળાશયમાં સંતાયો. પાંડવોએ તેને શોધી કાઢ્યો. મહાભારતના અઢારમા દિવસે, ભીમે ગદાયુદ્ધમાં કૃષ્ણના ઇશારે, તેની જાંઘ પર પ્રહાર કર્યો અને તે મૃત્યુ પામ્યો.

વાસુદેવ પાઠક