દુર્ગાલાલ (જ. 9 સપ્ટેમ્બર 1948, મહેન્દ્રગઢ, રાજસ્થાન; અ. 31 જાન્યુઆરી 1990, લખનૌ) : ભારતના કથકનૃત્યકાર. પિતા ઓમકારલાલ અજમેર દરબારના રાજગાયક અને નર્તક હતા. તેમના બંને પુત્રો દેવીલાલ અને દુર્ગાલાલને ગળથૂથીમાં જ સંગીત અને કથક નૃત્યના સંસ્કાર મળ્યા હતા. દુર્ગાલાલે પ્રથમ પિતા પાસે અને પછી મોટા ભાઈ દેવીલાલ પાસે સંગીત-નૃત્યની તાલીમ લીધી અને સાત વર્ષની વયથી જ ઝાલાવાડ, જેસલમેર, જોધપુર, ટોંક જેવાં રજવાડાંઓમાં નૃત્ય કરી સહુના માનીતા થયા હતા.

1950માં રજવાડાંઓનો અંત આવતાં કલાકારોએ રાજ્યાશ્રય ખોયો. આથી કુટુંબમાં આર્થિક સંકડામણ વધી. દુર્ગાલાલ તેથી સંગીત-નૃત્યને વ્યવસાય તરીકે ન અપનાવે તેવું કુટુંબીઓ ઇચ્છતા હતા. પણ કલાજીવી દુર્ગાલાલને અન્ય વ્યવસાય કોઠે ઊતરે તેમ ન હતો. તેઓ તો મોટા ભાઈની જેમ દિલ્હી નાસી આવ્યા અને પંડિત સુંદરપ્રસાદ પાસે કથકશૈલીની વિશેષ તાલીમ મેળવવા લાગ્યા. કંઠ્ય સંગીત અને તબલાંના રિયાઝ સાથે પંડિત પુરુષોત્તમદાસ પાસે પખવાજ વગાડવાની પણ તાલીમ લેવી શરૂ કરી. આમ દુર્ગાલાલ સાચા અર્થમાં કથકકાર બન્યા.

દુર્ગાલાલ – કથકનૃત્ય-મુદ્રામાં

1960–70ના અરસામાં પુરુષનર્તકને રંગમંચ પર ખાસ અવકાશ મળતો ન હતો. આથી કલાપ્રતિભા અને રૂપ હોવા છતાં દુર્ગાલાલને  કલા પ્રસ્તુત કરવાનો મોકો ન મળવાથી આર્થિક તેમ જ માનસિક ભીંસ વધતી હતી તે દરમિયાન જાણીતાં નૃત્યાંગના ઇન્દ્રાણી રહેમાને તેમને રંગમંચ પર રજૂ કર્યા અને રસિક પ્રેક્ષકોએ તેમની કલાને બિરદાવી. આ કાર્યક્રમ પછી બંને ભાઈઓની જુગલબંદી જામી. સંગીત-નૃત્ય અને લયકારીના ત્રિવેણી સંગમમાં તરબોળ થયેલ ભાવુક પ્રેક્ષકો અવાક બની જતા. તોડા, તુકડા, પરન્ વગેરે જેવા શુદ્ધ નૃત્તમાં પણ રસ પેદા કરી શકતા.

તેમના નૃત્યસર્જનમાં મૌલિકતા હોવા છતાં તેઓ શૈલીના પારંપરિક માળખાને ચુસ્તતાથી જાળવતા. 1982માં શ્રીરામ ભારતીય કલાકેન્દ્ર દ્વારા આયોજિત ‘છંદ–ઓ–ગતિ’નું નૃત્યસંયોજન કર્યું. તેની મૌલિકતા ઘણી વખણાઈ હતી. આ સંયોજનમાં પ્રેક્ષકોને કલાકાર દુર્ગાલાલની વિશેષ લયની સૂઝ, અદભુત અંગસંચલન અને પ્રતિભાશાળી પાદચલનની ઉચ્ચ કક્ષાનો પરિચય થયો.

અચ્છા નર્તક ઉપરાંત પંડિત દુર્ગાલાલ સારા ગુરુ પણ હતા. સાંસ્કૃતિક આદાનપ્રદાનના કાર્યક્રમ હેઠળ ગિયાનાના જ્યૉર્જટાઉનમાં અને પછી ઇંગ્લૅડની ડાર્ટિંગટન કૉલેજમાં કથક શીખવી 1979માં ભારત પરત થયા અને પોતાની સંસ્થા ખોલી. થોડા જ સમયમાં કથકની સર્વોચ્ચ ગણાતી સંસ્થા કથકકેન્દ્રમાં પ્રમુખ શિક્ષક તરીકે નિમાયા.

તેમની કલાને બિરદાવવા કેન્દ્રીય સંગીત નાટક અકાદમીએ 1984માં તેમને પુરસ્કૃત કર્યા.

લખનૌની સંગીત નાટક અકાદમીના વાર્ષિક સમારોહમાં નૃત્ય કરતાં હૃદયરોગનો હુમલો થયો અને કથક જ નહીં બલકે નૃત્યક્ષેત્રે પ્રતિભાશાળી નર્તકનો સિતારો અસ્ત થયો.

પ્રકૃતિ કાશ્યપ