દુર્ગાપુર : પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું ઔદ્યોગિક નગર. આશરે 23° 05’ ઉ. અ. અને 87° 05’ પૂ. રે ઉપર તે આવેલું છે. દામોદર નદીના ડાબા કાંઠે રાણીગંજથી અગ્નિખૂણે 24 કિમી. દૂર છે.

તે દરિયાથી દૂર ઉષ્ણકટિબંધમાં આવેલું હોવાથી તેની આબોહવા વિષમ છે. ઉનાળો ગરમ અને શિયાળો સખત હોય છે. શહેરની આસપાસ સપાટપ્રદેશ છે. દામોદર અને ગંગાની નહેરનો તેમાં સિંચાઈ માટે ઉપયોગ થાય છે, જેને લીધે મબલક પાક થાય છે. ડાંગર, શેરડી, ઘઉં, તેલીબિયાં મુખ્ય પાક છે. દુર્ગાપુર મહત્વનું વેપારી કેન્દ્ર છે.

દુર્ગાપુરમાં સરકાર દ્વારા સ્થપાયેલું પોલાદનું કારખાનું

1962માં અહીં ઇંગ્લૅન્ડની સહાયથી 10 લાખ ટન પોલાદ ઉત્પન્ન કરતું કારખાનું સ્થપાયું હતું. રાણીગંજ અને ઝરિયાનાં કોલસાનાં ક્ષેત્રો આ શહેર નજીક આવેલાં છે. બિહાર, ઝારખંડ અને ઓરિસાની લોખંડની કાચી ધાતુ તથા ચૂનાના પથ્થરો અહીં ઉપલબ્ધ છે. ત્યાંના કારખાનાને બે થર્મલ વિદ્યુતમથકો વીજળી પૂરી પાડે છે. ત્યાંના પોલાદના કારખાનાનું વિસ્તૃતીકરણ થયું છે. આ કારખાના ઉપરાંત કોલસા ધોવાનું કારખાનું, મિશ્રધાતુઓ અને વિશિષ્ટ પોલાદના ઉત્પાદન માટેનું કારખાનું, ઈંટ અને નળિયાં બનાવવાનો ઉદ્યોગ, કોલસાની ખાણ માટેનાં યંત્રો, સિમેન્ટ વગેરે માટે ઉદ્યોગો અહીં વિકસ્યા છે.

આ શહેર આસનસોલ બર્દવાન માર્ગ પરનું રેલવે-મથક છે. ઉપરાંત, કૉલકાતા, બર્દવાન અને આસનસોલ સાથે તે જમીનમાર્ગે જોડાયેલું છે. નહેરથી જોડાયેલું નજીકનું બંદર કૉલકાતા છે. આમ, દુર્ગાપુર વાહનવ્યવહારની સારી સગવડ ધરાવે છે.

અહીં બર્દવાન યુનિવર્સિટી સાથે જોડાયેલી ઇજનેરી કૉલેજ, એક સરકારી કૉલેજ તથા રવીન્દ્રભારતી યુનિવર્સિટી સાથે સંલગ્ન સંગીત મહાવિદ્યાલય છે. શહેરની વસ્તી આશરે 5 લાખ (2011) છે.

શિવપ્રસાદ રાજગોર