દુર્ગાદાસ (જ. 23 નવેમ્બર 1900, ઓર, પંજાબ; અ. 17 મે 1974) : ભારતીય લેખક અને પત્રકાર. રાષ્ટ્રવાદી ખત્રી કુટુંબ. સનાતન ધર્મમાં આસ્થાવાળા પિતા ગામની શાળાના મુખ્ય શિક્ષક હતા. ગામમાં માધ્યમિક શિક્ષણ લઈ જાલંધરની આંગ્લસંસ્કૃત શાળામાંથી દુર્ગાદાસે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી લાહોરની દયાનંદ ઍંગ્લો-વર્નાક્યુલર કૉલેજમાંથી બી.એ. પસાર કરી. આ વર્ષોમાં લાહોરનું સામાજિક અને રાજકીય વાતાવરણ દેશ સમસ્તનું ધ્યાન ખેંચી રહ્યું હતું. દુર્ગાદાસ તેના પ્રભાવથી મુક્ત રહી શક્યા નહિ. સરોજિની નાયડુના એક પ્રવચને તેમના પર ઊંડી અસર કરી. તેમણે અંગ્રેજી વર્તમાનપત્ર ‘ટ્રિબ્યૂન’ વાંચવાનો નિયમ કર્યો. તેનાથી તેમને પત્રકાર બનવાની તીવ્ર ઇચ્છા જાગી. 1919માં પંજાબમાં જ્યારે આંદોલનોનું વાતાવરણ હતું ત્યારે ઍસોસિયેટેડ પ્રેસે દુર્ગાદાસને સંસદના વૃત્તાંતનિવેદક નીમ્યા. આમ તેમની પત્રકાર તરીકેની  સુદીર્ઘ સેવાનો આરંભ થયો. રાષ્ટ્રીય આંદોલનને તેનો અંશ બનીને તેમજ નિરપેક્ષ દ્રષ્ટા રૂપે બંને રીતે નીરખવાનો – અનુભવવાનો તેમને લાભ મળ્યો. આ ક્ષેત્રે તેમણે ભાવનાઓને મુક્ત અભિવ્યક્તિ આપી. તે લાગણીઓમાં તણાયા વિના પરિસ્થિતિનું પૂર્વગ્રહરહિત મૂલ્યાંકન કરી શકતા. તેમની આત્મકથા વાંચતાં આની પ્રતીતિ થાય છે. તેમાં ઇતિહાસ છે, રાજકારણ છે અને સંસ્મરણો પણ છે. 1919માં તેમણે રતનદેવી સાથે લગ્ન કર્યાં. 1921માં તેમણે ગાંધીજીને સમજાવીને કૉંગ્રેસની વિષયવિચારિણી સમિતિની બેઠકોમાં ઉપસ્થિત રહેવાની અનુમતિ મેળવી. બીજા દિવસથી સવિનય ભંગ આંદોલનનો આરંભ થયો.

દુર્ગાદાસ

દુર્ગાદાસનો 55 વર્ષનો વૃત્તસેવાકાળ ચાર ખંડમાં વહેંચી શકાય. 1919થી 1937 સુધી તેઓ ઍસોસિયેટેડ પ્રેસ ઑવ્ ઇંડિયા(વર્તમાન પ્રેસ ટ્ર્સ્ટ ઑવ્ ઇંડિયા)માં મુખ્ય સંસદ વૃત્તાંતનિવેદક અને સંપાદક-પત્રકાર  રહ્યા. 1937થી 1943 સુધી તેમણે અંગ્રેજી દૈનિક ‘સ્ટેટ્સમૅન’ (દિલ્હી અને કૉલકાતા)ના વિશેષ પ્રતિનિધિ તરીકે કામ કર્યું. એપ્રિલ, 1944માં તે દિલ્હીના ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સહસંપાદક અને રાજકારણના વિશ્લેષક થયા. 1957માં મુખ્ય તંત્રી બન્યા. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માંથી નિવૃત્ત થઈને તા. 14 નવેમ્બર, 1959ના દિવસે તેમણે ઇન્ફા (ઇંડિયન ન્યૂઝ ઍન્ડ ફીચર્સ એલાયન્સ) નામની વૃત્તસંસ્થાની સ્થાપના કરી. તેમાં તેઓ પ્રબંધક નિદેશક, પ્રમુખસંપાદક તથા રાજકીય લેખક હતા.

પત્રકાર તરીકે તેમણે દેશમાં તેમજ પરદેશમાં ઘણા પ્રવાસો ખેડ્યા. 1931ના ઉનાળામાં તેમણે પ્રથમ પ્રવાસ યુરોપનો કર્યો. 1950, 1957 અને 1967માં તેમણે પૃથ્વીપ્રદક્ષિણા દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, જર્મની, સોવિયેત સંઘ, જાપાન, યુગોસ્લાવિયા આદિ દેશોના સત્તરેક વડાપ્રધાનો તથા પ્રમુખોની મુલાકાત લીધી. તેમની ‘રાજકીય નોંધપોથી’ નામની કટાર એકત્ર રૂપે 29 વર્ષ સુધી પ્રગટ થઈ. ઇન્ફા દ્વારા સમાચાર રૂપે તેનું વિતરણ થતું હોવાથી તે એકસાથે અનેક દૈનિક પત્રોમાં પ્રગટ થતી. તેમા ગાંધી-ઇરવિન સંધિ તથા સંસદભવનમાં ભગતસિંહ દ્વારા બાબવિસ્ફોટ જેવી મહત્વની ઘટનાઓ આવરી લેવાઈ છે. સાઇમન પંચના સભ્યોનાં મન કેવાં પૂર્વગ્રહપીડિત હતાં તે તેમણે બતાવ્યું. અંગ્રેજ રાજ્યપાલ તથા મુખ્ય પ્રધાન પંત વચ્ચે મધ્યસ્થી કરીને તેમણે 1938માં ઉત્તર પ્રદેશ(ત્યારે સંયુક્ત પ્રાંતો)ની આપત્તિ નિવારવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. પત્રકાર તરીકે તેમણે ઊંચાં ધોરણો અને સરળ રજૂઆતનો સુમેળ સાધ્યો. તેમણે સંખ્યાબંધ સંસ્થા, સમિતિ આદિમાં સેવા આપી. તેમણે પુસ્તકો લખ્યાં. 1969માં તેમણે પત્રકારત્વમાં ઉત્તમ કાર્ય માટે વર્ષે 5 પુરસ્કારની યોજના સાથે દુર્ગા-રતન ટ્રસ્ટની સ્થાપના કરેલી.

બંસીધર શુક્લ