દિલ્હી : ભારતનું પાટનગર. 1956માં તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું તથા 1991માં નૅશનલ કૅપિટલ ટેરિટરી ઍક્ટ અન્વયે તેને રાજ્યનો વિશિષ્ટ દરજ્જો અને વિધાનસભા બક્ષવામાં આવ્યાં. ત્યારથી તે દિલ્હી રાજ્યનું પણ પાટનગર છે.
આ રાજ્ય 28° 23’ થી 28° 55’ ઉ. અ. અને 76° 05’થી 77° 25’ પૂ. રે. પર આવેલું છે. તે રાજ્યની દક્ષિણે હરિયાણા રાજ્યનો ગુરગાંવ જિલ્લો, પશ્ચિમે તથા ઉત્તરે રોહતક જિલ્લો અને પૂર્વ દિશાએ ઉત્તરપ્રદેશ રાજ્યના મેરઠ અને બુલંદશહેર જિલ્લાઓ આવેલા છે. તેની પશ્ચિમે અને વાયવ્ય ખૂણે રાજસ્થાનનો રણપ્રદેશ અને ઉત્તરે હિમાલયની ગિરિમાળાનો એક ફાંટો આવેલો છે. લશ્કરી ર્દષ્ટિએ તેનું સ્થાન ઘણું મહત્વનું છે. રાજ્યનું ક્ષેત્રફળ 1,483 ચોકિમી. તથા વસ્તી 1.68 કરોડ (2011) છે. તે પૈકી 61 % ઉપરાંતની વસ્તી શહેરી વિસ્તારોમાં તથા આશરે 39 % જેટલી વસ્તી ગ્રામવિસ્તારોમાં રહે છે.
1947માં દેશના ભાગલા પડવાને કારણે 1947–51 દરમિયાન પશ્ચિમ પાકિસ્તાનમાંથી આ પ્રદેશમાં પાંચ લાખ કરતાં પણ વધારે લોકોનું સ્થળાંતર થયું હતું. જૂનું દિલ્હી, નવું દિલ્હી, દિલ્હી કૅન્ટોનમેન્ટ આ ત્રણ વિસ્તારો ઉપરાંત દિલ્હી રાજ્યમાં 212 જેટલાં નાનાંમોટાં ગામો આવેલાં છે. આ પ્રદેશ દરિયાથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ હોય છે. ત્યાંનું તાપમાન ઉનાળામાં 38.8° સે. થી 40.6° સે. તથા શિયાળામાં 7.2° થી 3°સે. રહે છે. ક્યારેક ઉનાળાનું તાપમાન 46° સે. જેટલું ઊંચે તો શિયાળાનું તાપમાન 2° સે. સુધી નીચે ઊતરે છે. અહીં શિયાળામાં 72થી 100 મિમી અને ઉનાળામાં 378થી 400 મિમી. વરસાદ પડે છે. કૃષિ હેઠળની કુલ જમીન પૈકી 75 % જમીનને નહેરો, ટ્યૂબવેલ તથા ઔદ્યોગિક એકમોના શુદ્ધ કરાયેલા પાણીથી સિંચાઈ મળે છે. રાજ્યના મુખ્ય પાકોમાં ઘઉં, બાજરી, જુવાર અને મકાઈનો સમાવેશ થાય છે. થોડાક પ્રમાણમાં ડાંગર, તમાકુ, શેરડી અને તેલીબિયાંનું વાવેતર પણ થાય છે. તાજેતરનાં વર્ષો દરમિયાન ખાદ્ય પાકને બદલે શાકભાજી અને ફળફળાદિનું વાવેતર વધ્યું છે. ડેરી અને મરઘાંઉછેરની પ્રવૃત્તિમાં પણ વધારો થયો છે.
ગંગાના મેદાની વિસ્તારો અને ઈશાન રાજસ્થાનમાં જોવા મળે છે તેવી વનસ્પતિ અહીં જોવા મળે છે. બાવળ, બોરડી, ખીજડો જેવાં વૃક્ષો વિપુલ પ્રમાણમાં છે. જંગલ હેઠળનો વિસ્તાર માત્ર 1,000 હેક્ટર જેટલો મર્યાદિત છે. વરુ, શિયાળ, હરણ અને જંગલી ભુંડ જેવાં પ્રાણીઓની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે.
દિલ્હી નગર યમુના નદીના કાંઠા પર વસેલું છે. તે આ ઉત્તર ભારતનું સૌથી મોટું વાણિજ્યકેન્દ્ર છે. 1974 પછી આ પ્રદેશના ઔદ્યોગિક વિકાસમાં વધારો થતાં લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગો નગરમાં વધ્યા છે. ટ્રાન્ઝિસ્ટરો, ટેલિવિઝન, ટેપરેકૉર્ડરો, મોટરના છૂટા ભાગો, રમતગમતનાં સાધનો, સાઇકલો, પી.વી.સી. પાઇપો, પ્લાસ્ટિક તથા ચામડાંની વસ્તુઓ, ચિનાઈ માટીની વિવિધ વસ્તુઓ, પગરખાં, કાપડ, ખાતર, દવાઓ, હોઝિયરી, હળવાં પીણાં, મેટલ ફૉર્જિંગ, કાસ્ટિંગ, ગૅલ્વેનાઇઝિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ જેવા ઉદ્યોગોનો ત્યાં ઝડપી વિકાસ થયો છે. વળી હળવા ઇજનેરી ઉદ્યોગ ઉપરાંત હાથીદાંત ઉપર કોતરકામ, સોનાચાંદીનાં મીનાવાળાં આભૂષણો તથા ભરતકામવાળાં લઘુચિત્રો, હાથવણાટનું કાપડ વગેરે પરંપરાગત કારીગરીના ગૃહ-ઉદ્યોગોનો પણ ત્યાં જૂના વખતથી વિકાસ થયેલો છે. દિલ્હી ઇલેક્ટ્રિક કંપની સંચાલિત ત્રણ વેસ્ટ હીટ રિકવરી એકમો 277.5 મેગાવૉટ જેટલી વીજળીનું ઉત્પાદન કરે છે. આ નગર ભારતનાં બધાં જ મહત્વનાં નગરો સાથે રેલવે તથા રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરના વિવિધ માર્ગો દ્વારા સાંકળી લેવામાં આવ્યું છે. નગરમાં ન્યૂ દિલ્હી, દિલ્હી જંકશન તથા નિઝામુદ્દીન – એમ ત્રણ રેલવેસ્ટેશનો છે. રાજ્ય ખાતે 168 કિમી. રેલમાર્ગ તથા 10,921 કિમી સડકમાર્ગ છે. વળી અહીં મેટ્રો રેલમાર્ગની સેવા ઉપલબ્ધ છે. કાશ્મીરી ગેટ વિસ્તારમાં આંતરરાજ્ય પરિવહનનું મોટું બસસ્ટેશન છે. અહીં ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથક ઉપરાંત પાલમ અને સફદરજંગ વિમાની મથકો પણ છે. દુનિયાના ઘણા દેશોનાં પ્રમુખ નગરો સાથે તે વિમાની માર્ગે જોડાયેલું છે. ભારતનાં દૂરદર્શન તથા આકાશવાણીનાં મુખ્ય મથકો આ નગરમાં આવેલાં છે.
આઝાદી પૂર્વે લોકોની રહેણીકરણી, ખોરાકની ટેવો, પહેરવેશ તથા સ્થાપત્ય પર મુસ્લિમ સંસ્કૃતિની વિશેષ અસર હતી. આઝાદી પછી ત્યાંનો સમાજ પચરંગી અને બહુભાષી બની ગયો છે. માત્ર હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિઓનું જ મિશ્રણ નહિ પરંતુ હવે ત્યાં અનેક સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળે છે.
આ નગર શિક્ષણનું મહત્વનું ધામ છે. ત્યાં દિલ્હી યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍગ્રિકલ્ચર રિસર્ચ, ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ સાયન્સીઝ, સ્કૂલ ઑવ્ પ્લૅનિંગ ઍન્ડ આર્કિટેક્ચર જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. ઉપરાંત, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એજ્યુકેશનલ પ્લૅનિંગ ઍન્ડ ઍડમિનિસ્ટ્રેશન (NIEPA), નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (NCERT), ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી, ઇન્ડિયન ઓશનોગ્રાફી જેવી વિખ્યાત સંસ્થાઓનાં મુખ્ય મથકો આ નગરમાં આવેલાં છે.
નગરમાં પ્રાચીન કાળના અવશેષ સમાન એક લોહસ્તંભ, સલ્તનત અને મુઘલકાળના સ્થાપત્યના અનેક નમૂનાઓ, કુવ્વતુલ ઇસ્લામ મસ્જિદ, અલ્તમશ તથા લોદી વંશના સુલતાનોની કબરો, કુતુબમિનાર, હુમાયૂંનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ, લાલ કિલ્લો, જામી મસ્જિદ, હૌજ ખાસ, સફદરજંગનો રોજો, ગુરુદ્વારા બંગલા સાહેબ, ગુરુદ્વારા રકાબગંજ, ગુરુદ્વારા શીશગંજ, જંતરમંતર વગેરે મધ્યયુગનાં સ્થાપત્યોનો સમાવેશ થાય છે. અર્વાચીનકાળનાં ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિભવન (જૂનું નામ વાઇસરિગલ લૉજ), સર્વોચ્ચ અદાલત, સંસદ ભવન, કમળ મંદિર, બિરલા મંદિર, મહાલક્ષ્મી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, બહાઈ મંદિર, રાષ્ટ્રીય સંગ્રહસ્થાન, રેલવેનું સંગ્રહસ્થાન, નેહરુ સ્મારક સંગ્રહસ્થાન વગેરે આ નગરનાં આકર્ષણો ગણાય. રાજઘાટ, શાંતિવન, વિજયઘાટ, શક્તિસ્થળ, કિસાનઘાટ નામથી ઓળખાતી સમાધિઓ રાષ્ટ્રીય નેતાઓનાં સ્મારકો છે. નગરનાં ઉદ્યાનોમાં યમુનાતટ ઉદ્યાન, શિલા ઉદ્યાન, જાપાની શૈલીનો રોશનઆરા ઉદ્યાન અને પ્રાણી ઉદ્યાન વિશેષ નોંધપાત્ર છે. બાલભવન, રવીન્દ્ર ભવન (કલાકેન્દ્ર), બહાઈ ટેમ્પલ જેવી ઇમારતો નવીન સ્થાપત્યશૈલીનો પરિચય કરાવે છે. આ સ્થળોની મુલાકાત દ્વારા પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસની ઝાંખી થાય છે.
ઇતિહાસ : પ્રાગ્ ઐતિહાસિક કાળના મળી આવેલા અવશેષોમાં તથા મહાભારત જેવા મહાકાવ્યમાં આ નગરનો ઉલ્લેખ પ્રભાવક રીતે થયેલો છે. તે પછીના કાળમાં તે મૌર્ય, ગુપ્ત અને મધ્યભારતનાં પલાસ સામ્રાજ્યોની અંતર્ગત રહ્યું હતું. કુશાન વંશના શાસનકાળ દરમિયાન નગરના હાલના સ્થળે માનવવસવાટ હોય તેવા સંકેતો સાંપડ્યા છે. બારમીથી અઢારમી સદી દરમિયાન તુર્ક, અફઘાન અને મુઘલ આક્રમકોએ દિલ્હીને પોતાના સામ્રાજ્યનું કેન્દ્ર બનાવ્યું હતું. 1193–1354 દરમિયાન દિલ્હીના આસપાસના વિસ્તારોમાં તુર્ક તથા અફઘાન વંશના શાસકોએ પોતાની વસાહતો ઊભી કરી હતી. 1193માં મહમદ ઘોરીએ આ નગર જીતી લીધું હતું અને તેના સેનાપતિ કુત્બુદ્દીન ઐબકે નગરને વિશાળ મુઘલ સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું હતું.
1389–98 દરમિયાન થયેલાં તૈમૂર લંગનાં વિનાશક આક્રમણોને લીધે પાટનગર દિલ્હીથી આગ્રા ખસેડવામાં આવ્યું હતું. મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરે 1526માં તેના પર કબજો કર્યો, પરંતુ પોતાના સામ્રાજ્યના પાટનગર તરીકે તેણે આગ્રાની પસંદગી કરી હતી. બાબરના પુત્ર હુમાયૂંએ દિલ્હીના હાલના સ્થળે નવું શહેર વસાવવાની શરૂઆત કરી હતી જે પાછળથી અફઘાન શાસક શેરશાહ સૂરે પૂરું કર્યું હતું. મુઘલ સમ્રાટ શહેનશાહ અકબરે આગ્રાની પડખેના ફતેહપુર સિક્રીથી શાસન ચલાવવાનું પસંદ કર્યું હતું. જહાંગીરે પણ સામ્રાજ્યના પાટનગર તરીકે આગ્રાની જ પસંદગી કરી હતી. તેના ઉત્તરાધિકારી શાહજહાંએ હાલના નગરના દક્ષિણે શાહજહાનાબાદ નામથી એક નવું શહેર વસાવ્યું હતું અને તેને પોતાના સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું હતું. આ વિસ્તાર હવે જૂની દિલ્હી નામથી ઓળખાય છે. જેમ જેમ મુઘલ સામ્રાજ્ય નબળું થતું ગયું તેમ તેમ આ નગર અવારનવાર આક્રમણોનો ભોગ બન્યું. ઈરાનના નાદિરશાહે 1739માં આ નગર પર કરેલા ઘાતકી આક્રમણને લીધે તેનો ભયંકર વિનાશ થયો હતો. 18મી સદીમાં તેના પર મરાઠા શાસકોએ આક્રમણ કર્યું હતું. ત્યારબાદ 19મી સદીમાં આ નગર પર બ્રિટિશ હકૂમત સ્થપાઈ હતી.
1857માં વિપ્લવના પ્રથમ પાંચ માસ સુધી તે સૈનિકોના કબજામાં રહ્યું હતું. બ્રિટિશ હકૂમતને ભારતમાંથી નિષ્કાસિત કરવાનો આ પ્રથમ પ્રયાસ નિષ્ફળ નીવડતાં છેલ્લા મુઘલ શાસક બહાદુરશાહ જફરને પદભ્રષ્ટ કરી બ્રહ્મદેશ(મ્યાનમાર)માં માંડલે જેલમાં આજીવન કારાવાસની સજા સાથે મોકલી આપવામાં આવ્યા હતા. 1877માં બ્રિટિશ શાસકોએ આ નગરના પ્રાંગણમાંથી જ ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાને ભારતની સમ્રાજ્ઞી તરીકે જાહેર કરી હતી. 1911માં આ નગરમાં ભરાયેલા શાહી દરબારમાં સમ્રાટ પંચમ જ્યોર્જે દિલ્હીને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાટનગર તરીકે જાહેર કર્યું હતું અને તે મુજબ 1912માં કૉલકાતાથી પાટનગરનું દિલ્હી ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 1947માં ભારતને આઝાદી મળી તે દિવસથી આ નગર હવે સ્વતંત્ર ભારતનું પાટનગર છે. નગરની વસ્તી 2,49,998 છે (2011). આગ્રાથી તે વાયવ્યે 292 કિમી. અંતરે આવેલું છે.
શિવપ્રસાદ રાજગોર