દિલ્હી કૉલેજ : ઉર્દૂ માધ્યમવાળી દિલ્હીની સૌપ્રથમ કૉલેજ. સ્થાપના 1825. દિલ્હી કૉલેજ મૂળ તો દિલ્હીમાં 1792માં સ્થપાયેલી ગાઝિયુદ્દીનની મદરેસાનું પરિવર્તન. ગાઝિયુદ્દીનની મદરેસા નવાબ નિઝામ-ઉલ-મુલ્ક આસિફ જાહના દીકરા નવાબ ગાઝિયુદ્દીનખાં ફીરોઝ જંગ બીજાએ શરૂ કરી હતી; તેની તાલીમી વ્યવસ્થા, અભ્યાસક્રમ, શિક્ષણ વગેરે ખૂબ પ્રશંસા અને પ્રસિદ્ધિ પામ્યાં હતાં; પરંતુ તે વિશેની અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. 1800માં કૉલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજ શરૂ થઈ હતી; ત્યાં મોલવીઓ, મુનશીઓ અને પંડિતોને સંસ્કૃત, અરબી, ફારસીના પ્રતિષ્ઠિત તેમજ લોકપ્રિય ગ્રંથોને સરળ હિન્દુસ્તાની ઉર્દૂ ભાષામાં અનુવાદ કરવા માટે રાખવામાં આવ્યા હતા, જેથી કરીને અંગ્રેજો પણ રાજ્યશાસન ચલાવવા માટે અહીંના લોકોની વિદ્યાઓની સાથે તેમની ભાષા પણ શીખે. આ યોજનાના ભાગ રૂપે દિલ્હીમાં ઉપર્યુક્ત કૉલેજ શરૂ કરવાનું વિચારાયું હશે તેમ માનવાને કારણ રહે છે. 1823માં ‘જાહેર શિક્ષણ માટેની સામાન્ય સમિતિ’એ પાઠવેલા પરિપત્રના જવાબમાં 1824માં દિલ્હીની  સ્થાનિક સમિતિએ દિલ્હીમાં કૉલેજને વહેલી તકે શરૂ કરવા જણાવ્યું અને અભ્યાસક્રમમાં યુરોપીય વિદ્યાઓના શિક્ષણને પ્રાધાન્ય આપવાની ભલામણ કરી તેમજ એક ગ્રંથાલયની સ્થાપના પણ કરવા જણાવ્યું. આના પરિણામે 1825માં વિધિસર કૉલેજ શરૂ થઈ ગઈ અને સરકારે સામાન્ય શિક્ષણ ફંડમાંથી આ કૉલેજને માસિક રૂપિયા 500ની ગ્રાન્ટ આપી. જે. એચ. ટેલર માસિક રૂ. 175માં કૉલેજના પ્રિન્સિપાલ થયા. મુખ્ય મોલવીના રૂ. 120 નક્કી થયા, બીજા બે મોલવીઓના રૂ. 50 નક્કી થયા. બાકીના બધાને રૂ. 25, રૂ. 30 આપવાનું નક્કી થયું. 1828માં ચાર્લ્સ મેટકાફે કૉલેજમાં અંગ્રેજી શિક્ષણના વર્ગો શરૂ કરાવ્યા.

અંગ્રેજી શિક્ષણ દાખલ થતાં કેટલાક હિંદુ-મુસ્લિમ સનાતન ધર્મીઓએ તેનો સખત વિરોધ કર્યો. પરિણામે કૉલેજની સંખ્યા ઉપર માઠી અસર થઈ. પરંતુ અંગ્રેજી શિક્ષણની સાથે સાથે ભારતીય અને ઇસ્લામી શિક્ષણ પણ ચાલુ રહે તે હેતુસર અવધના નવાબે મુસલમાનોના શિક્ષણ માટે રૂપિયા એક લાખ સિત્તેર હજારનું દાન આપવાનો પ્રસ્તાવ મૂક્યો. તેની આવકમાંથી દિલ્હીમાં મુસ્લિમ યુવાનો માટે એક મોટી મદરેસાની સ્થાપના કરવાનું સૂચન હતું. અંગ્રેજ સરકારે જણાવ્યું કે ઉક્ત દાનની રકમ અને ખર્ચ દિલ્હી કૉલેજમાં શામિલ કરી દેવામાં આવે, તો તેનો હેતુ જળવાઈ રહેશે. સાથોસાથ તેમને કૉલેજની વહીવટી બાબતોમાં એક ‘અફસર’નો દરજ્જો આપવાની પણ અંગ્રેજોએ ભલામણ કરી, પણ આ બધું લખાણમાં રહ્યું અને વ્યવહારમાં કશું ઊતર્યું નહિ.

દિલ્હી કૉલેજ ખરું જોતાં પાશ્ચાત્ય શિક્ષણનું એક કેન્દ્ર બની. તેમાં અનેક નવા અભ્યાસક્રમો શરૂ થયા, અને તે માટે જરૂરી પુસ્તકોના ઉર્દૂમાં અનુવાદો થયા. ઘણા સારા અને નોંધપાત્ર શિક્ષકો આ કૉલેજને ઉપલબ્ધ બન્યા. કૉલેજના વિશાળ અભ્યાસક્રમના માળખાને અનુસરીને 128 જેટલા ગ્રંથો લખાયા તેમજ અનુવાદ પામ્યા.

આ કૉલેજને સાંપડેલા કેટલાક વિદ્વાન, સેવાભાવી અને તેજસ્વી પ્રિન્સિપાલોમાં એફ. બિત્રોસ, સ્પ્રેન્ગર અને ટેલર ખાસ ઉલ્લેખનીય લેખાય.

દિલ્હીમાં આ સૌપ્રથમ કૉલેજ હતી જેમાં ઉર્દૂ માધ્યમથી બધા વિષયો શીખવવામાં આવતા હતા. આ પહેલવહેલી એક એવી સંસ્થા હતી જેમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી વિદ્યાર્થીઓ સાથે બેસીને પોતપોતાના વિષયો ભણતા હતા. તેમાં પૂર્વ અને પશ્ચિમની વિદ્યાઓને અભ્યાસક્રમમાં સપ્રમાણ દાખલ કરવામાં આવી હતી.

1857માં વિપ્લવને કારણે જે કંઈ અરાજકતા ફેલાઈ તેના કારણે આ કૉલેજ પણ બંધ કરવામાં આવી; પણ શાંતિ અને રાજકીય સ્થિરતા સ્થપાતાં 1864માં તે ફરી શરૂ કરવામાં આવી. પરંતુ હવે સમય બદલાયો હતો. ઉર્દૂ ભાષાનો પ્રભાવ ઘટવા માંડ્યો હતો અને પહેલાં જેવું વિદ્યાકીય વાતાવરણ રહ્યું ન હતું. સામાન્ય રીતે દિલ્હી કૉલેજના વિદ્યાર્થીઓ મોટાભાગે કલકત્તા યુનિવર્સિટીમાંથી પરીક્ષામાં બેસતા હતા અને ઘણાખરા પ્રથમ કક્ષામાં ઉત્તીર્ણ થતા હતા. પરંતુ કોઈ કારણસર 1877માં આ કૉલેજને લાહોરની કૉલેજ સાથે જોડી દેવામાં આવી અને બધા અધ્યાપકોને લાહોર મોકલી દેતાં આ કૉલેજને બંધ કરવામાં આવી.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા