દિલીપકુમાર (જ. 11 ડિસેમ્બર 1922, પેશાવર) : હિંદી ચલચિત્રોના એક અગ્રણી કલાકાર. મૂળ નામ યૂસુફખાન સરવરખાન પઠાણ. ‘ટ્રૅજેડી કિંગ’ તરીકે મશહૂર. પેશાવરના એક નાનકડા મહોલ્લા ખોદાદાદમાં ઉછેર. બાર ભાઈબહેનોમાં ચોથો નંબર. એક ભાઈ અયૂબની તબિયત ખરાબ થતાં પરિવાર મુંબઈમાં આવીને વસ્યો, જેથી અયૂબની સારામાં સારી સારવાર કરાવી શકાય, પણ અયૂબને મુંબઈનું હવામાન માફક ન આવતાં પરિવાર નાસિક પાસે દેવલાલીમાં જઈને  રહ્યો. પરિવાર એક બંગલામાં રહેતો હતો તે બંગલો 1939માં બીજા વિશ્વયુદ્ધ વખતે લશ્કરે પોતાના ઉપયોગ માટે લઈ લીધો. પરિવાર ફરી મુંબઈ આવી ગયો. યૂસુફે પહેલાં અંજુમન-એ-ઇસ્લામ હાઈસ્કૂલ અને પછી વિલ્સન કૉલેજમાં અભ્યાસ કર્યો. પિતાની ખ્વાહેશ ઉચ્ચ શિક્ષણ અપાવવાની હતી, પણ યૂસુફખાનને અભ્યાસ કરતાં ક્રિકેટ અને ફૂટબૉલમાં વધારે રસ હતો. જુનિયર બી.એસસી.માં હતા ત્યારે પિતાના કહેવાથી ફળોના વેપારમાં મદદ કરવા જોડાઈ ગયા. એક વાર ધંધામાં ખોટ જતાં પરિવારને ટંકેટંકનાં ફાંફાં થઈ ગયાં. ગુજરાન માટે પુણેમાં લશ્કરની કૅન્ટીનમાં મૅનેજર તરીકે નોકરીએ રહેવું પડ્યું. ત્યાં પણ ફળોનો વેપાર શરૂ કર્યો.

દિલીપકુમાર

એક વાર ફળોના સોદા માટે નૈનીતાલ જવાનું થયું. ત્યાં હિંદી ચલચિત્રોની જાજ્વલ્યમાન અભિનેત્રી દેવિકારાણી સાથે મુલાકાત થઈ. પહેલી મુલાકાતમાં જ પ્રભાવિત થયેલાં દેવિકારાણીએ યૂસુફખાનને ચલચિત્રોમાં અભિનય કરવાનું ઇજન આપ્યું. યૂસુફખાને તે સ્વીકારી લેતાં દેવિકારાણીએ ચલચિત્રો માટે નવું નામ રાખવાનું સૂચવ્યું. તેમણે ત્રણ નામ આપ્યાં – જહાંગીર, વસુદેવ અને દિલીપકુમાર. ખ્યાતનામ હિંદી સાહિત્યકાર ભગવતીચરણ વર્મા પણ ત્યાં મોજૂદ હતા. તેમના કહેવાથી દિલીપકુમાર નામ પસંદ કર્યું. તે સાથે હિંદી ચલચિત્રોમાં એક નવા તેજસ્વી સિતારાનો ઉદય થયો.

દિલીપકુમારનું પહેલું ચલચિત્ર ‘જ્વારભાટા’ (1944), બીજું ‘પ્રતિમા’ (1945) અને ત્રીજું ‘મિલન’ (1946) ટિકિટબારી પર સફળ ન થયાં. પણ 1948માં તેમનાં બે ચલચિત્રો ‘મેલા’ અને ‘શહીદ’ ખૂબ સફળ થયાં. એ પછી તેમને ક્યારેય પાછું વાળીને જોવું નથી પડ્યું. મહેબૂબખાનના ચલચિત્ર ‘અંદાઝ’(1949)માં કામ કર્યા બાદ તેમને ‘ટ્રૅજેડી કિંગ’નું બિરુદ મળ્યું. પડદા પર વાસ્તવિક નૈસર્ગિક અભિનયનો આગ્રહ રાખતા દિલીપકુમાર તેમનાં ચલચિત્રોનાં કરુણ પાત્રોમાં એટલા એકાકાર થઈ જતા કે તેમના સ્વાસ્થ્ય પર તેની અસર પડવા માંડી હતી. લંડન જઈને તેમણે એક માનસચિકિત્સકની સલાહ લીધી અને ડૉક્ટરની સલાહ પછી કરુણ ભૂમિકાઓ ભજવવી બંધ તો ન કરી, પણ હલકીફૂલકી ભૂમિકાઓ પણ ભજવવા માંડી. ‘આન’ (1952), ‘આઝાદ’ (1955), ‘ઇન્સાનિયત’ (1955), ‘કોહિનૂર’ (1960)માં તેમણે આવી હળવી ભૂમિકાઓ સફળતાપૂર્વક ભજવી.

ભારતીય ચલચિત્રોમાં સીમાચિહન બની ગયેલા, દિગ્દર્શક કે. આસિફના ‘મોગલે આઝમ’ માં શાહજાદા સલીમની પડકારરૂપ ભૂમિકા તેમણે સુંદર રીતે ભજવી. ચલચિત્રોમાં કંઈક નવું કરવાની ઇચ્છાથી ‘ગંગાજમના’(1961)નું તેમણે નિર્માણ કર્યું. તેમાં તેમણે અત્યાચારોથી તંગ આવીને ડાકુ બનતા એક યુવાનનું પાત્ર ભજવ્યું. એકસાથે વધુ ચલચિત્રોમાં કામ નહિ કરવાના તેમના સિદ્ધાંતને કારણે 50 વર્ષની કારકિર્દીમાં તેમણે માત્ર 87 ચલચિત્રોમાં કામ કર્યું. ઉપર્યુક્ત ચલચિત્રો ઉપરાંત ‘જુગ્નૂ’, ‘શબનમ’, ‘આરઝૂ’, ‘બાબુલ’, ‘જોગન’, ‘દીદાર’, ‘દાગ’, ‘ફૂટપાથ’, ‘અમર’, ‘દેવદાસ’, ‘ઉડનખટોલા’, ‘મુસાફિર’, ‘નયા દૌર’, ‘મધુમતી’, ‘યહૂદી’, ‘પૈગામ’, ‘લીડર’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘રામ ઔર શ્યામ’, ‘આદમી’, ‘સંઘર્ષ’, ‘ગોપી’, ‘સગીના’, ‘દાસ્તાન’ વગેરે ચલચિત્રોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવ્યા બાદ મનોજકુમાર-નિર્મિત ‘ક્રાંતિ’થી પાત્ર ભૂમિકાઓ ભજવવી શરૂ કરી અને તેમાં પણ પત્રકારથી માંડીને માફિયા ડૉન અને કર્તવ્યપરાયણ પોલીસ અધિકારીની ભૂમિકાઓ ભજવી.

કારકિર્દી દરમિયાન શ્રેષ્ઠ અભિનેતાનું ફિલ્મફૅર પારિતોષિક આઠ વાર મેળવવા ઉપરાંત 1993માં ફિલ્મફૅરનું ‘લાઇફટાઇમ એચીવમૅન્ટ’ પારિતોષિક પણ મેળવ્યું. ભારતીય ચલચિત્ર ઉદ્યોગમાં સર્વશ્રેષ્ઠ સન્માન ગણાતું ‘દાદાસાહેબ ફાળકે’ પારિતોષિક 1995માં મેળવ્યું. દિલીપકુમાર વિશ્વવિદ્યાલયની કોઈ ઉપાધિ ધરાવતા નથી. કૉલેજનું શિક્ષણ ઇન્ટરમીડિયેટ સ્તરે છોડી દીધું હતું, પણ ચલચિત્રના જગતના ઉમદા વાચક અને વક્તા ગણાય છે. અંગ્રેજી અને ઉર્દૂ ભાષાઓ પર તેમનો ખૂબ સારો કાબૂ છે. ચલચિત્રોમાં કામ કરવાની સાથે સમાજસેવાનાં કાર્યોમાં તેઓ પણ સક્રિય રહ્યા. મુંબઈના શેરિફનું પદ શોભાવી ચૂક્યા છે. નિર્માતા સુધાકર બોકાડેના ‘કલિંગા’ નું દિગ્દર્શન સ્વીકારી તેમણે એ ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું. તેમની પત્ની છે સાયરાબાનુ. સંતાન નથી.

હરસુખ થાનકી