દશરથ રાજા : પ્રાચીન ભારતના પ્રતાપી સૂર્યવંશી રાજા. સૂર્યથી ઉત્પન્ન થયેલા વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુના નામ પરથી ‘ઇક્ષ્વાકુ વંશ’ પ્રચલિત થયો. તે પ્રથમ એવો સૂર્યવંશી રાજા હતો, જેણે અયોધ્યામાં શાસન કર્યું. આ ઇક્ષ્વાકુના કુળમાં દિલીપ રાજા પછી રઘુ નામે પ્રતાપી રાજા થયો અને તે વંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. રઘુનો પુત્ર અજ થયો. આ અજ અને વિદર્ભના રાજાની કન્યા ઇન્દુમતીનો પુત્ર, તે દશરથ.

પોતાના પૂર્વજો જેવા જ પ્રતાપી આ અયોધ્યાનરેશે દેવોના પક્ષે રહીને, અસુરો સાથે યુદ્ધો કર્યાં હતાં અને તેમને પરાસ્ત કર્યા હતા, એવા ઉલ્લેખો પુરાણોમાં મળે છે.

તેમને કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી નામે ત્રણ રાણીઓ હતી. આમ છતાં દશરથ લાંબા સમય પર્યંત અપુત્ર રહ્યા. કુલગુરુ વસિષ્ઠના આદેશથી તેમણે પુત્રકામેષ્ટિ યજ્ઞ કર્યો. સરયૂ નદીના તટે, ઋષ્યશૃંગ ઋષિના આચાર્યપદે થયેલો આ યજ્ઞ સફળ રહ્યો. યજ્ઞ સમાપ્ત થતાં  યજ્ઞકુંડમાંથી પ્રાજાપત્ય પુરુષ પ્રગટ થયો. તેણે રાજાને પ્રસાદ રૂપે ખીર ભરેલું પાત્ર (ચરુ) આપ્યું. ત્રણ રાણીઓએ આ પ્રસાદ ગ્રહણ કર્યો અને આપન્નસત્વા બની. ચૈત્ર સુદ નવમીના રોજ કૌશલ્યાએ રામને, સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને તથા કૈકેયીએ ભરતને જન્મ આપ્યો.

આ પૂર્વે, દશરથને શાન્તા નામે પુત્રી હતી. તેને તેમણે પોતાના મિત્ર એવા અંગદેશના રાજા રોમપાદને દત્તક આપી હતી અને રોમપાદે આ પુત્રીને ઋષ્યશૃંગ ઋષિ સાથે પરણાવી હતી.

ચારે પુત્રો પ્રત્યે અત્યંત પ્રેમ અને વાત્સલ્ય હોવા છતાં, જ્યેષ્ઠ એવા રામ પ્રત્યે દશરથને પક્ષપાત હતો. તેથી તે રામને પ્રાણપ્રિય અને જીવનાધાર માનતા હતા.

વસિષ્ઠ મુનિએ ચારે પુત્રોને વેદ, વેદાંગ અને ધનુર્વિદ્યામાં પારંગત કર્યા.

પોતાના નિત્યયજ્ઞમાં બાધા ઊભી કરતા મારીચ, સુબાહુ વગેરે રાક્ષસોના ત્રાસમાંથી યજ્ઞને બચાવવા માટે વિશ્વામિત્રે દશરથ પાસે પુત્રોની માગણી કરી. પુત્રમોહને લીધે તેમણે ના પાડી. પણ પછી વસિષ્ઠની સલાહથી કર્તવ્ય સમજીને રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રને સોંપ્યા. યજ્ઞની સમાપ્તિ બાદ, વિશ્વામિત્ર તેમને સીતા-સ્વયંવરમાં લઈ ગયા અને ત્યાં સીતાએ રામની વરણી કરી. ત્યાર પછી, ચારે પુત્રોને દશરથે પરણાવ્યા.

ઉત્તરોત્તર વૃદ્ધાવસ્થાની અનુભૂતિ થતાં, દશરથે ગુરુ વસિષ્ઠની સલાહ લઈને, રામના અભિષેક માટેની તૈયારી આરંભી.

બીજી બાજુ, મંથરા નામની દાસીની ઉશ્કેરણીથી, કૈકેયીને વિપરીત મતિ સૂઝી. ભૂતકાળમાં યુદ્ધભૂમિમાં દશરથનો રથ તૂટતો હતો ત્યારે કૈકેયીએ તેનું પૈડું નીકળી જતું બચાવ્યું હતું. આ કાર્યની કદર કરીને, દશરથે તેને મનમાન્યાં બે વરદાન આપવાની તૈયારી દાખવી. ‘યથાસમય વરદાન માગીશ’ એમ કહીને કૈકેયીએ વાત ટાળી હતી. એ પ્રસંગને યાદ કરીને, તેણે બાકી રહેલાં એ બે વરદાન હવે માગ્યાં : રામને ચૌદ વર્ષનો વનવાસ મળે અને પોતાના પુત્ર ભરતને રાજગાદી મળે. આ બે વરદાન સાંભળી, દશરથ વ્યાકુળ બની ગયા. કૈકેયીના કપટી મનને બદલવા માટે તેમણે પ્રેમપૂર્વક અને ધમકી આપીને પણ પ્રયત્નો કર્યા. રામ વિના પોતાના પ્રાણનું પણ જોખમ બતાવ્યું, પરંતુ કૈકેયી અડગ રહી. આ વાતની રામને જાણ થઈ અને સૌ કોઈની અનિચ્છા છતાં, પિતાના વચનના પાલન ખાતર રામે વનની વાટ પકડી. સીતા અને લક્ષ્મણ પણ સાથે ચાલ્યાં. દશરથ માટે આ વિયોગ અસહ્ય બન્યો અને ‘હે રામ’ એવા હૃદયના પોકાર સાથે તેમણે પ્રાણ છોડ્યા.

યુવાનીમાં, શિકાર કરવા નીકળેલા દશરથ રાજાએ હાથીના ભ્રમથી જ રાત્રે શબ્દવેધી બાણ માર્યું હતું. આ બાણ માબાપ માટે પાણીનો ઘડો ભરતા શ્રવણને વાગ્યું. તેણે ચીસ પાડી. દશરથ ત્યાં ગયા. શ્રવણ અંગેની હકીકત તેનાં માતાપિતાને જઈને જણાવી. પુત્ર ગુમાવવાથી ગુસ્સે થયેલાં માબાપે દશરથને શાપ આપ્યો અને કહ્યું કે, ‘અમારી જેમ, તારું મૃત્યુ પણ પુત્રના વિયોગે થશે.’ આ શાપ ફળ્યો અને પુત્ર રામના વિયોગે દશરથ મૃત્યુ પામ્યા.

અધ્યાત્મરામાયણમાં, દશરથને રૂપકાત્મક રીતે જીવાત્મા કહ્યો છે. દશ ઇન્દ્રિયો તે શરીરરૂપી રથને જોડેલા અશ્ર્વો છે, મન તેની લગામ છે, અને પરમાત્મા(રામ)ની ઝંખનામાં તે મૃત્યુ પામે છે, એવી વિગત છે.

વાસુદેવ પાઠક