દશમૂલ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. શાલિપર્ણી, પૃશ્નિપર્ણી, ઊભી ભોરીંગણી, બેઠી ભોરીંગણી, ગોખરુ, બીલી, અરણિ, શ્યોનાક, કાળીપાટ તથા ગંભારી એ દશ ઔષધિઓનાં મૂળ પાણીથી ધોઈ સાફ કરી સૂકવી, ખાંડણીદસ્તા વડે ખાંડીને અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકામાંથી 25 ગ્રામ જેટલો ભૂકો લઈ તેમાં 16 ગણું પાણી નાખી ઉકાળવામાં આવે છે. ઊકળતાં ઊકળતાં આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી ગાળીને સહેજ ગરમ ગરમ હોય ત્યારે તેમાં 2થી 3 ગ્રામ જેટલા જવખાર અને સિંધાલૂણ મેળવીને પિવાય છે. તેનાથી હૃદયરોગ, ગુલ્મશૂલ, ઉધરસ તથા શ્વાસ મટી જાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા