દશરૂપક : દશમી સદીના અંતભાગમાં ધનંજયે રચેલો રૂપકના 10 પ્રકારની ચર્ચા કરતો સંસ્કૃત ગ્રંથ. રાજા મુંજ(974થી 995)ના  દરબારમાં આદર પામેલા લેખક ધનંજયે 300 જેટલી કારિકાઓ રચેલી છે, જ્યારે તેના ભાઈ ધનિકે તેના પર ઘણાં ઉદાહરણો આપી વૃત્તિ રચેલી છે. ભરતમુનિના નાટ્યશાસ્ત્રના 20મા અધ્યાયનું નામ દશરૂપવિધાન કે દશરૂપવિકલ્પન એવું છે તેના પરથી દશરૂપ કે દશરૂપક એવું શીર્ષક ધનંજયે આ ગ્રંથને આપ્યું છે, કારણ કે અધ્યાય 20ની આસપાસના અધ્યાયોમાં ભરતે કરેલી રૂપકવિષયક ચર્ચાને સંક્ષેપમાં લેખકે આ ગ્રંથમાં રજૂ કરી છે. આ ચર્ચા શ્રદ્ધેય લાગતાં પાછળના નાટ્યવિવેચકોએ દશરૂપકને નાટ્યશાસ્ત્ર જેટલો જ પ્રમાણભૂત ગણી તેને સામે રાખીને પોતાના ગ્રંથો લખ્યા છે.

દશરૂપકના ચાર પ્રકાશ છે. પ્રથમ પ્રકાશમાં નાટ્યની ઉત્પત્તિ, પ્રયોજન વગેરે બતાવીને રૂપકના 10 પ્રકારોનાં ભેદક તત્વો વસ્તુ, નેતા અને રસ – એ ત્રણ જ હોવાનો પોતાનો મત લેખકે આપ્યો છે. એ પછી વસ્તુનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરવામાં 5 અર્થપ્રકૃતિઓ, 5 અવસ્થાઓ, 5 સંધિઓ અને તેમાં 64 સંધ્યંગો, 5 અર્થોપક્ષેપકો વગેરેની વાત કરી છે.

બીજા પ્રકાશમાં નાયક અને તેના પ્રકારો, નાયકના સહાયકો, નાયકના ગુણો, નાયિકા અને તેના પ્રકારો, નાયિકાની સહાયિકાઓ, નાયિકાના અલંકારો, 4 નાટ્યવૃત્તિઓ, નાટ્યપાત્રની ભાષા અને સંબોધનના નિયમો આપ્યા છે. ત્રીજા પ્રકાશમાં નાટકનાં તત્વોની વિસ્તૃત સમજ અને રૂપકના નાટક સિવાયના પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, વીથી, ઉત્સૃષ્ટિકાંક, ઈહામૃગ, સમવકાર – એ 9 પ્રકારો તથા ગૌણ પ્રકાર નાટિકા વગેરેનાં લક્ષણો વર્ણવ્યાં છે. ચોથા પ્રકાશમાં રસ અને ભાવના પ્રકારો અને પેટા-પ્રકારોનું નિરૂપણ કર્યું છે. અંતમાં શાંત રસનો અસ્વીકાર કર્યો છે. ભક્તિ-રસ, નાટ્યભૂષણો વગેરેનો તેમાં અંતર્ભાવ બતાવ્યો છે.

ભરતમુનિને અનુસરીને લખાયેલા આ ગ્રંથમાં ભાટ્ટ મીમાંસકોને અનુસરી લેખકે તાત્પર્યશક્તિનો સ્વીકાર કર્યો છે, પરંતુ ધ્વનિવાદીઓના ધ્વનિ તથા વ્યંજનાશક્તિને લેખક સ્વીકારતા નથી. વળી લોલ્લટને અનુસરીને રસ તથા સ્થાયી ભાવને કાવ્યનો વાક્યાર્થ કે તાત્પર્યાર્થ માન્યો છે. ફલત: તેમને મતે રસ વ્યંગ્ય નથી. ધનંજય વિભાવાદિ અને રસ વચ્ચે ભાવ્યભાવક સંબંધ માને છે. ભટ્ટનાયકને અનુસરીને રસનિષ્પત્તિને રસભાવના (= રસભુક્તિ) હોવાની વાત તે સ્વીકારે છે.

શંકુકના ચિત્રતુરગન્યાયની માફક બાળકોને માટીનાં રમકડાં વડે પશુઓનો અનુભવ થાય છે તેમ નટોને જોઈને પ્રેક્ષકોને મૂળ પાત્રોનો અનુભવ થાય છે એવો અભિપ્રાય ધનંજય નોંધે છે. વળી શાંત રસનો તેમણે રૂપકમાં (કાવ્યમાં નહિ) નિષેધ કર્યો છે. પાછળના અનેક નાટ્યવિવેચકોને માટે આ ગ્રંથ આધારરૂપ બન્યો છે એ દશરૂપકનો મહિમા પ્રગટ કરે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી