દરાયસ, મહાન (દારયવહુષ 1લો) (જ. ઈ. સ. પૂ. 550; અ. ઈ. સ. પૂ. 486) : પ્રાચીન ઈરાનનો સમ્રાટ. એકીમેનિડ વંશનો એક મહાન રાજવી. દરાયસ પાર્થિયાના સત્રપ (ગવર્નર) હિસ્ટેસ્પીસનો પુત્ર હતો. તેના બેહિસ્તુનના શિલાલેખમાં આપેલી માહિતી તેના ઇતિહાસનો મુખ્ય સ્રોત છે. ઈ. સ. પૂ. 522માં કૅમ્બિસિસના મૃત્યુ બાદ તેણે સાયરસના બીજા પુત્રની હત્યા કરીને ગાદી પચાવી પાડી હતી એમ ગ્રીક ઇતિહાસકાર હેરૉડોટસ જણાવે છે. તેના ગાદીનશીન થયા બાદ સામ્રાજ્યના પૂર્વના પ્રાંતો ખાસ કરીને મીડિયા, બૅબિલોનિયા, સુસિયાના વગેરેમાં બળવા થયા અને સ્વતંત્ર સરકારો સ્થાપવામાં આવી. દરાયસે એક પછી એક તે બળવા કચડી નાખ્યા. તેણે 19 લડાઈઓમાં 9 બળવાખોર નેતાઓને હરાવી ઈ. સ. પૂ. 519 સુધીમાં પૂર્વમાં પોતાની સત્તા સ્થાપી. સામ્રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યા બાદ દરાયસે સરહદો મજબૂત કરવા રખડતી જાતિઓના હુમલાનો સખત સામનો કર્યો. કાસ્પિયન સમુદ્રની પૂર્વે તેણે સિથિયનો પર હુમલા કર્યા. થ્રેસ જીતી ડાન્યૂબ નદી ઓળંગી તેણે સિથિયામાં પ્રવેશ કર્યો. એશિયા માઇનરના તેના સત્રપોએ થ્રેસ ઉપરાંત મૅસિડોનિયા, ઇજિયન ટાપુઓનાં લેમ્નોસ અને ઇમ્બ્રોસ કબજે કર્યાં. તેણે સિંધુ દેશ જીતી લઈ ત્યાં વીસમી સત્રપી (પ્રાંત) સ્થાપી. તેના સ્તંભ-લેખોમાં ગંધાર અને સિંધુ દેશનો ઉલ્લેખ ગંધાર અને હિંદુ દેશ તરીકે કરેલો છે. ઈરાન વિરુદ્ધ આયૉનિયન બળવાને ઍથેન્સ તથા ઇરિટ્રિયાએ મદદ કર્યા બાદ દરાયસે તેના જમાઈ મર્દોનિયસને ઍથેન્સ તથા ઇરિટ્રિયા પર આક્રમણ કરવા મોક્લ્યો, પરંતુ ઈ. સ. પૂ. 492માં તેનો નૌકાકાફલો સમુદ્રના વંટોળિયામાં નાશ પામ્યો. ઈ. સ. પૂ. 490માં ડેટીસની સરદારી હેઠળ મોકલેલા બીજા સૈન્યે ઇરિટ્રિયાનો નાશ કર્યો; પરંતુ મૅરેથૉન નજીક ઍથેન્સવાસીઓએ તેને હરાવ્યો. ત્રીજા આક્રમણની તૈયારી દરમિયાન ઈ. સ. પૂ. 486માં દરાયસનું અવસાન થયું.
દરાયસે વિજયો મેળવીને તેના પુરોગામીઓના પ્રદેશોમાં વધારો કર્યો હોવા છતાં તેનું મહત્ત્વનું પ્રદાન વહીવટદાર તરીકેનું હતું. તેણે સામ્રાજ્યને સત્રપીઓમાં વિભાજિત કરીને તે દરેકની વાર્ષિક ખંડણી નક્કી કરી. દરેક પ્રાંત પર વિશ્વાસુ સત્રપ (સૂબો) નીમવામાં આવ્યો. તેણે વેપાર–રોજગારને પ્રોત્સાહન આપ્યું. તેણે ડેરિકના સુવર્ણ સિક્કાનું ચલણ શરૂ કર્યું તથા તોલમાપનાં સાધનો નિશ્ચિત કર્યાં અને જમીન તથા સમુદ્રના માર્ગો વિકસાવ્યા. દરેક સત્રપીમાં લોકો અને અધિકારીઓ પર દેખરેખ રાખવા તેણે ગુપ્તચરો નીમ્યા. તેણે સંદેશાવ્યવહાર માટે ખેપિયા નીમીને નિશ્ચિત અંતરે ઘોડા બદલવાની વ્યવસ્થા કરી. તે ઉદાર અને સહિષ્ણુ રાજવી હોવાથી વિવિધ પ્રજાઓનાં ધર્મો, મંદિરો તથા સામાજિક રીતરિવાજો તથા જીવનપ્રણાલીને યથાવત્ ચાલુ રાખ્યાં. તેણે જેરૂસલેમનું મંદિર ફરી બાંધવાની યહૂદીઓને પરવાનગી આપી હતી. ઇજિપ્તમાં તેણે એમોન દેવનું મંદિર બંધાવ્યું.
ઈ. સ. પૂ. 521માં તેણે સુસાને પાટનગર બનાવ્યું. ત્યાં તેણે કિલ્લેબંધી કરી રાજમહેલ તથા અન્ય ઇમારતો બંધાવી. પર્સીપોલીસ તેનું વતન હોવાથી તેણે ત્યાં પણ ઇમારતો બંધાવી.
ભારતી શેલત
અંજના શાહ