દરસની : નાથપંથીઓનો મુખ્ય સંપ્રદાય. આ ગોરખનાથી યોગીઓ કાનને ફાડીને તેમાં ‘દર્શન’ નામની મુદ્રા ધારણ કરે છે, તેથી તેમને દરસની સાધુ કહે છે. આ મુદ્રા અનેક ધાતુઓની બનેલી હોય છે. એમાં હાથીદાંત પણ જોડવામાં આવે છે. મોટા ભાગે આ મુદ્રા કુંડલ રૂપે ધારણ કરવામાં આવે છે. કુંડલને પવિત્રી પણ કહેવામાં આવે છે. કુમાયૂં (નૈનિતાલ, ઉત્તરપ્રદેશ) વિસ્તારના યોગીઓ સૂતરની જનોઈ ધારણ કરે છે અને પવિત્રીને એની સાથે બાંધે છે. પવિત્રી હરણનાં શિંગડા કે પિત્તળ, તાંબુ વગેરે ધાતુઓની બનેલી હોય છે. જનોઈ સાથે સિંગીનાદ નામની સિસોટી પણ બાંધેલી હોય છે. સવાર-સાંજ ઉપાસના અને ભોજન પહેલાં યોગી લોકો સીટી વગાડે છે. યોગીલોકો કેડે મુંજની મેખલા કંદોરાની જેમ પહેરે છે.

પ્રવીણચંદ્ર પરીખ