દફતરી, કેશવ લક્ષ્મણ (જ. 22 નવેમ્બર 1880; અ. 19 ફેબ્રુઆરી 1956) : પૂર્વ અને પશ્ચિમના જ્યોતિષશાસ્ત્રના ભારતીય વિદ્વાન. મુખ્યત્વે ખગોળગણિત, પ્રાચીન ભારતીય ઇતિહાસ, હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથો અને તે અંગે તેમણે કરેલું ઉત્તમ અન્વેષણ તેમના ધર્મ વિશેના જ્ઞાનનું દ્યોતક છે. આ ઉપરાંત હિન્દુ ધર્મશાસ્ત્રોનાં રહસ્યો, ઉપનિષદનું તત્વજ્ઞાન વગેરે ભારતીય પરંપરાગત જ્ઞાનશાખાઓમાં પણ ઉત્તમ અને વિદ્વત્તાપૂર્ણ પ્રદાન કર્યું છે.
ભારતયુદ્ધકાલગણના ઉપર એમણે એ જ શીર્ષક નીચે રચેલ ગ્રંથ મહાભારતનો અને યુદ્ધનો ચોક્કસ સમય નક્કી કરવામાં અનુગામીઓ માટે પથદર્શક થઈ પડે છે. એ જ રીતે શ્રીરામનો જન્મકાલ નક્કી કરવામાં પણ તેમના એ શીર્ષકના ગ્રંથનું મહત્વનું પ્રદાન છે. બાળ ગંગાધર ટિળક દ્વારા પ્રાયોજિત મશહૂર પંચાંગગ્રંથ ‘કરણકલ્પલતા’ એમણે તૈયાર કર્યો હતો, જે ભારતીય પંચાંગના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાય છે.
ખગોળશાસ્ત્ર અને પંચાંગવિષયક પુરોગામીઓએ લખેલા ગ્રંથોની ટીકા અને સમીક્ષા પણ તેમણે સુંદર રીતે મધુભાષી બનીને કરી છે. ભારતીય પંચાંગ વિશે પ્રવર્તમાન રૂઢિપરંપરાગત માન્યતાઓનો તેમણે છેદ ઉડાવ્યો છે.
અયનાંશો – સ્થિર અયનાંશો – સ્થાપવાની સરલ પદ્ધતિ અને માપદંડ તેમણે નક્કી કરી આપ્યાં.
તેમના પુરોગામી અને જ્યોતિષશાસ્ત્રી તેમજ ખગોળગણિતના પ્રકાંડ પંડિત દીક્ષિતજીના ગ્રંથ ‘ભારતીય જ્યોતિષશાસ્ત્ર’ની તેમણે નિ:શેષ સમીક્ષા કરી ને તેમાંની ખૂબીઓ અને ખામીઓ તારવી બતાવી. કાલનિર્ણયની બાબતે તેઓ દીક્ષિતજીની માન્યતા કે સિદ્ધાંતથી ઘણી જગાએ ભિન્ન માન્યતા ધરાવે છે. તેનું સિદ્ધાંતનિરૂપણ આ સમીક્ષામાં કર્યું છે.
ભારત સ્વતંત્ર થયા પછી 1952માં ભારત સરકારે મેઘનાદ સહાના અધ્યક્ષપદે નિયુક્ત કરેલ પંચાંગસંશોધન-સમિતિમાં એક સભ્ય તરીકે તેઓની નિમણૂક થતાં તેમણે સ્થિર અયનાંશનું સંશોધન કર્યું; ભારતીય પંચાંગમાં સ્થિર અયનાંશોના તેઓ આદ્યસ્થાપક બન્યા.
બટુક દલીચા