દનશેન્કો, વ્લાદિમીર-નેમિરૉવિચ

March, 2016

દનશેન્કો, વ્લાદિમીર-નેમિરૉવિચ (જ. 1859; અ. 25 એપ્રિલ 1943, મૉસ્કો) : રૂસી દિગ્દર્શક, નાટ્યકાર, નાટ્યવિદ. રૂસી દિગ્દર્શક કન્સ્તાન્તિન સ્તનિસ્લાવ્સ્કીને સથવારે તેમણે વાસ્તવવાદને પુરસ્કારતા મૉસ્કો આર્ટ થિયેટરની 1898માં સ્થાપના કરીને વિશ્વભરની રંગભૂમિને મોટો વળાંક આપ્યો. તત્કાલીન રૂસી રંગભૂમિની રંગદર્શી અભિનયપદ્ધતિને સ્થાને પ્રકૃતિવાદી અભિનયનો આગ્રહ તો તેમણે 1891થી જ મૉસ્કો ફિલ્હાર્મોનિક સોસાયટીમાં નાટ્યતાલીમ દરમિયાન જ રાખવા માંડ્યો હતો. એમના જાણીતા વિદ્યાર્થીઓ મેયરહોલ્દ અને વખ્તાન્ગૉવે તો પોતાના બંને ગુરુઓથી આગળ નીકળી પોતપોતાની સર્જનાત્મક શૈલીઓ પણ વિકસાવી હતી.

વ્લાદિમીર-નેમિરૉવિચ દનશેન્કો

મૉસ્કો આર્ટ થિયેટરમાં અન્તોન ચેહફ, હેન્રિક ઇબ્સન, લ્યેફ તૉલ્સ્તૉય વગેરેનાં નાટકોની વાસ્તવવાદી રજૂઆતમાં તેમણે સ્તનિસ્લાવ્સ્કી જેટલું જ પ્રદાન કર્યું અને સ્તનિસ્લાવ્સ્કીની અભિનય-પદ્ધતિના વિકાસ-પ્રસારમાં એમને ટેકો આપ્યો; એ શૈલીમાં અનેક નાટકોનું તેમણે દિગ્દર્શન પણ કર્યું. 1917ની રૂસી ક્રાંતિ પછીના ગાળામાં તેમણે એક સંગીતનાટ્યશાળાની સ્થાપના કરી, જેમાં પણ નવી અભિનયપદ્ધતિ તેમણે પ્રયોજી જોઈ. પ્રારંભનાં વરસોમાં તેમણે કેટલીક સફળ નવલકથાઓ અને હળવી હાસ્ય-નાટિકાઓ લખી હતી. એમણે નાટ્યસિદ્ધાંતો વિશે પણ કેટલાંક પુસ્તકો લખ્યાં છે.

હસમુખ બારાડી