દફન : શબનો નિકાલ કરવાની એક વિધિ. દફનનો વિધિ સૌથી જૂનો છે. વિશ્વના સૌથી જૂના નિયેન્ડરથલ માનવના દફન અવશેષો ઇરાકમાં ઉત્તરે શાનદાર ગુફામાં મળ્યા છે, જે 62,000 વર્ષના જૂના ગણાય છે. આદિ માનવ મરણ વિશે શું ધારતો હતો, તે આપણે જાણતા નથી. સામાન્ય રીતે તે શબને ત્યજી દેતો હતો. કદાચ, વૃક્ષના સૂકા બીમાંથી ફણગો ફૂટતો જોઈ, તેને શબને દાટવાનો વિચાર આવ્યો હોય. કદાચ તેમાંથી નવો જીવ ફૂટે એમ માનીને. દફનના વિચારનો ઉદભવ આ રીતે થયો મનાય છે. પુરાપાષાણયુગમાં યુરોપમાં, પશ્ચિમ એશિયામાં તેમજ ભારતમાં વિધિપૂર્વક દફન કર્યાના ઉલ્લેખો મળે છે. પ્રાગૈતિહાસિક સમયમાં વૈયક્તિક અને સામૂહિક – બંને પ્રકારનાં દફન થતાં. સમૂહદફન માટેના ખાડા ઢાંકવામાં આવતા નહિ, જેથી તે ભવિષ્ય માટે ઉપયોગી થતા. કેટલીક વાર પરિવારના મુખ્ય પુરુષના મરણ પ્રસંગે તેના પરિવારજનો તથા સેવકોની હત્યા કરીને તેમને પણ સાથે દાટવામાં આવતા. બંને વિધિઓ વિવિધ સમાજોમાં વર્તમાન સમય સુધી પ્રચારમાં રહી. કફન અથવા શબપેટીની પ્રથા પ્રાચીન ઇજિપ્તમાં ઉદભવી. તેનો હેતુ શબનો પૃથ્વીને સ્પર્શ થતો રોકવાનો હતો. પ્રાચીન ગ્રીસ તથા રોમે આ વિધિ અપનાવ્યો હતો.

ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે ઈસુ ખ્રિસ્તના અવસાન પછી ત્રીજા દિવસે તે કબરમાંથી ઊઠ્યા અને 40 દિવસ સુધી ઉપદેશ આપી તેમનું અધૂરું જીવનકાર્ય પૂરું કર્યું. આ ઉપરથી એક વધારે માન્યતા પણ ઉદભવી કે પ્રલયકાળે સર્વ માનવોના દેહ કબરમાંથી ઊભા થશે, તે સમયે ઈસુ ખ્રિસ્ત તેમનાં પાપપુણ્યનો ન્યાય તોળશે. પાપીઓ નરકમાં ધકેલાશે, તથા પુણ્યશાળીઓને સ્વર્ગમાં શાશ્વત સુખ ભોગવવા સ્થાન અપાશે. ઇસ્લામમાં કયામતની માન્યતા પ્રચલિત છે અને તે સાથે દફનની પ્રથા પણ. ખ્રિસ્તી માન્યતાનું મૂળ યહૂદી માન્યતામાં છે. યહૂદીઓ પણ આત્માની અમરતા તથા દેહના પુનરુત્થાનમાં માને છે. એટલે તેમનામાં પણ શબનું દફન કરવાની પ્રથા છે.

શબને નવડાવીને નવાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે. કેટલીક વાર સુગંધી પદાર્થો તથા ફૂલો અર્પવામાં આવે છે. તેને બંધ યા ખુલ્લી પેટી(coffin)માં કબ્રસ્તાનમાં લઈ જઈ કબરમાં ઉતારવામાં આવે છે. આ સમયે ધર્મગુરુઓ પાઠ કરે છે. સાથે આવેલા લોકો શબ ઉપર પ્રતીક રૂપે માટી નાખે છે. પછી તેને સંપૂર્ણપણે માટીથી ઢાંકી દઈ શોકગ્રસ્ત ડાઘુઓ મરનારના ઘેર જઈ વીખરાય છે. મોટાં નગરોમાં દફનવિધિ ધંધાદારી પેઢીઓ સંભાળતી થઈ છે.

શબ દાટવાના સ્થળ તરીકે પ્રારંભે મોટે ભાગે ધર્મસ્થાનોની આસપાસની ભૂમિ પસંદ કરાતી. પ્રાચીન ગ્રીસમાં નગર બહારના માર્ગોની આસપાસ શબોને દાટતા જઈ થોડા અંતરે ‘મૃતકોનું નગર’ વસાવવામાં આવતું. સમય જતાં કબ્રસ્તાનમાં પારિવારિક સ્થળો રચાતાં ગયાં. બ્રિટનમાં ચૌદમી સદીથી રાજવંશી મૃતકોને વેસ્ટમિન્સ્ટર મઠમાં દફનાવવામાં આવે છે. કેટલાક મહાનુભાવોને પણ ત્યાં દફનાવવામાં આવેલા છે. પૅરિસનું પિરે લાશે તથા ઇટાલીમાં પીસાનું કામ્પો સાન્ટો  કબ્રસ્તાન ઐતિહાસિક અને સુંદર છે. અમેરિકાનું આર્લિંગ્ટન રાષ્ટ્રીય કબ્રસ્તાન નોંધપાત્ર છે. રાજધાની વૉશિંગ્ટનની નિકટ પોટોમેક નદીના કાંઠે 170 હેક્ટરમાં પથરાયેલા આ કબ્રસ્તાનમાં યુદ્ધોમાં માર્યા ગયેલા 60,000થી વધારે સૈનિકો તથા મહાનુભાવોને દાટવામાં આવેલા છે. તેની સ્થાપના 1864માં થઈ હતી. ખ્રિસ્તીઓમાં દફનના સ્થળે વધસ્તંભ રોપવામાં આવે છે. તેમનામાં તથા મુસલમાનોમાં ઘણી વાર એ સ્થળે કબર, મકબરો આદિ બાંધવામાં આવે છે. કબર ઉપર નામ સાથે ક્યારેક કબ્રલેખ અંકિત કરાય છે.

વર્તમાન સમયમાં બદલાતી જતી વિચારસરણીના પ્રભાવથી દફન પ્રત્યેનો આગ્રહ ઘટતો જાય છે. વૈજ્ઞાનિક અભિગમના વિકાસ સાથે ધાર્મિક માન્યતાને વળગી રહેવાનું વલણ ઘટતું જાય છે. મોટાં નગરોના વિકાસને કારણે દફન માટે ભૂમિની અછત વધતી જાય છે. પશ્ચિમના વિકસિત દેશોમાં માણસે વર્ષો અગાઉ દફન માટે ભૂમિની વ્યવસ્થા કરવી પડે છે. ઘણે સ્થળે શબને આડાં દાટવાને બદલે ઊભાં દાટવામાં આવે છે. તેની તુલનામાં અગ્નિદાહ સરળ છે, તે સ્વાસ્થ્યની ર્દષ્ટિએ ઇષ્ટ છે, તેમાં ભૂમિનો બગાડ થતો નથી; આ અને આવાં બીજાં કારણોસર  ખ્રિસ્તીઓ અગ્નિદાહ તરફ વળતા જોવા મળે છે.

બંસીધર શુક્લ