ત્રિપોલી (લિબિયા) : લિબિયાનું પાટનગર અને દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 24’ ઉ. અ. અને 13° 11’ પૂ. રે.. તે દેશના ઉત્તર-પશ્ચિમ કિનારે ટ્યૂનિશિયાની સરહદથી 200 કિમી. દૂર ભૂમધ્ય સાગર પર આવેલ છે. વસ્તી 22,20,000 (2011) છે.

લિબિયાનું મહત્વનું બંદર હોવા ઉપરાંત ખેતપેદાશોના વ્યાપાર માટે તે મુખ્ય બજાર-કેન્દ્ર પણ છે. તેની ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ખનિજતેલ-શુદ્ધીકરણ, ખાદ્ય-પ્રક્રમણ, મત્સ્ય-ઉદ્યોગ, ચર્મ-ઉદ્યોગ, તમાકુ, કાપડ, ઈંટ અને મીઠું બનાવવાના ઉદ્યોગો ઉપરાંત ગાલીચા વણવાના હસ્તકલા-ઉદ્યોગનો સમાવેશ થાય છે.

જૂના શહેરવિસ્તારમાં વણકરો, સોની, કંસારા અને ચામડાની વસ્તુઓ બનાવનારાઓનું મોટું બજાર છે.

‘મુરીશ’ સ્થાપત્યના નમૂના અહીં મોજૂદ છે. બંદરની પાસે આવેલ સોળમી સદીનાં ભવ્ય સ્પૅનિશ મહેલમાં પ્રાગ્ ઇતિહાસ, પુરાતત્વ, નૃવંશવિદ્યા, પ્રકૃતિવિજ્ઞાન તેમજ પ્રાચીન શિલાલેખોનું પ્રખ્યાત સંગ્રહાલય છે.

એક વખતનો ભવ્ય શાહી મહેલ, ત્રિપોલી

શહેરનાં અનેક આકર્ષણો પૈકી વાસ્તુવિધાન અને કલાકારીગીરીના ઉત્તમ નમૂના તથા અઢારમી સદીની પુરાણી મસ્જિદો છે. આ મસ્જિદોના વિસ્તારમાં જૂના જમાનામાં સુંદર બગીચા બનાવવામાં આવ્યા હતા.

હાલનું નવું શહેર સમુદ્રકિનારા પર નીલગિરિનાં વૃક્ષોની વીથિકા અને રોમન સમયનાં સ્થાપત્યોથી શોભે  છે.

1911–12ના ઇટાલી તથા લિબિયા વચ્ચેના યુદ્ધમાં તેના પર ઇટાલીએ વિજય મેળવ્યો હતો. 1943–51 દરમિયાન તે બ્રિટનના કબજામાં હતું. 1951માં લિબિયા સ્વતંત્ર થતાં તે દેશનું પાટનગર બન્યું.

આ શહેરની સ્થાપના ફિનીશિયનોએ ઈ. સ. પૂ. આશરે 7મી સદીમાં કરેલી અને રોમન સામ્રાજ્યના સમયમાં તેને ઓપ આપવામાં આવ્યો.

સ્થાપના પછીના ગાળામાં તેના પર રોમનો (ઈ. સ. પૂ. 146), વડાલો (આશરે ઈ. સ. 450), છઠ્ઠી સદીમાં બાઇઝેન્ટાઇનો તથા સાતમી સદીમાં આરબોનું શાસન દાખલ થયું હતું. 1146–58નો ગાળો બાદ કરતાં ઈ. સ. 1510 સુધી તેના પર આરબોનું શાસન હતું. 1551માં તેને તુર્કોએ જીતી લીધું હતું. 15મી સદીના મધ્યથી 1911 સુધી ત્રિપોલી ઑટોમન સામ્રાજ્યનો ભાગ હતું. ટ્રીપોલીટેનિયા નામે ઓળખાતા પ્રદેશની તે રાજધાની હતી, જે હાલના લિબિયામાં આવેલ છે.

1807માં આફ્રિકાના બર્બર ચાંચિયાઓએ અમેરિકાનાં જહાજો પર હુમલો કરતાં અમેરિકા અને ત્રિપોલી વચ્ચે યુદ્ધ થયું હતું. 1911માં ઇટાલીએ ત્રિપોલી પર વિજય મેળવી બીજા વિશ્વયુદ્ધ (1939–45) સુધી તેના પર શાસન કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, શહેર પર ભારે બૉમ્બમારો થયો હતો. 1969ની ક્રાંતિ બાદ આ શહેરનું નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તરણ થયું છે.

નિયતિ મિસ્ત્રી