ત્રિપુરાન્તક : ગુજરાતમાં સોમનાથ પાટણના નામાંકિત પાશુપત આચાર્ય. એ વાલ્મીકિ ઋષિના શિષ્ય હતા. એમનાં માતાનું નામ માલ્હણદેવી અને પત્નીનું નામ રમાદેવી હતું. ચૌલુક્ય રાજા સારંગદેવના સમયમાં વિ. સં. 1343(ઈ. સ. 1287)માં પ્રભાસ પાટણમાં ત્રિપુરાન્તક-પ્રશસ્તિ કોતરાઈ છે. એમણે સમસ્ત ભારતમાં તીર્થયાત્રા કરી હતી. ત્રિપુરાન્તકે સોમેશ્વર મંદિરના મંડપની ઉત્તરે પાંચ શિવાલય કરાવ્યાં હતાં : (1) માતા માલ્હણદેવીના નામે માલ્હણેશ્વર, (2) ગંડ બૃહસ્પતિના નામનું શિવાલય, (3) બૃહસ્પતિનાં પત્ની ઉમાના નામે ઉમેશ્વર, (4) પોતાના નામે ત્રિપુરાન્તકેશ્વર અને પત્ની રમાના નામે રમેશ્વર. આ દેવાલયોના વચલા ભાગમાં પાંચ દેવોનાં સ્થાન કરાવ્યાં; ને ઉત્તરના દ્વાર સામે સુંદર તોરણ કરાવ્યું. આ મંદિરોના નિભાવ માટે તેમજ નિત્યપૂજા માટે પણ એમણે કેટલાક લાગા અપાવી વ્યવસ્થા કરી હતી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી