ત્રિપોલી (લેબેનૉન) : લેબેનૉનનું બેરુત પછીનું બીજા નંબરનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 34° 26’ ઉ.અ. અને 35° 51’ પૂ.રે. તે દેશના વાયવ્ય ખૂણે પૂર્વ ભૂમધ્ય સમુદ્ર ઉપર આવેલું ધીખતું બંદર વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર છે. વસ્તી 1,60,000 (2011).

ઇરાકથી આવતી તેલની પાઇપલાઇન માટે તે અંતિમ સ્થાન છે. શહેરની મુખ્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ખનિજતેલ-શુદ્ધીકરણ, કાપડ, સિમેન્ટ, સાબુ અને ફર્નિચર બનાવવાના ઉદ્યોગો છે. રેશમનો વ્યાપાર પણ અહીં વિકસ્યો છે. તેની આસપાસના વિસ્તારમાં ખાટાં ફળોનું  ઉત્પાદન મોટા પાયા પર થાય છે જે તમાકુ ઉપરાંત તેની મુખ્ય નિકાસ છે.

ત્રિપોલી ખાતેના મીઠાના વિશાળ અગરો

બારમી સદીનો ક્રુસેડર કૅસલ ઑવ્ સેન્ટ જાઇલ્સ, તેરમી સદીની ટેઇનલ મસ્જિદ અને અમીર વાર્ટવાઇની મસ્જિદ અહીંનાં જોવાલાયક સ્થળો છે.

ઈ. સ. પૂર્વે સાતમી સદી પછી ફિનિશિયનોએ આ નગરની સ્થાપના કરી હતી એવી માન્યતા છે. ઈ. સ. પૂ. 300માં ‘ટ્રીપોલીસ’ સંસ્થાનની તે રાજધાની હતી.

નિયતિ મિસ્ત્રી