ત્રિપુરા : ઈશાન ભારતનું પર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24° ઉ. અ. અને 95° પૂ. રે.. ઈશાન ખૂણે આસામ અને મિઝોરમને બાદ કરતાં સમગ્ર રાજ્ય બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 10,492 ચોકિમી. છે.

રાજ્યના ઈશાન ખૂણે પ્રાચીન ખડકો અને ચૂનાના પથ્થરોની રચના ધરાવતી લુસાઈ ટેકરીઓ છે. ઉત્તરમાં નદીની ખીણો અને દક્ષિણમાં નદીના કાંપના નિક્ષેપથી તૈયાર થયેલાં ફળદ્રૂપ મેદાનો છે. થોર્લા, સોમપુરા, કેની, દેઓ, મનુ અને ગૌમતી અહીંની મુખ્ય નદીઓ છે.

અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 26° સે. અને શિયાળાનું સરેરાશ તાપમાન 10° સે. જેટલું રહે છે. વર્ષનો સરેરાશ વરસાદ 5180 મિમી. છે.

ત્રિપુરા રાજ્ય

રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ 54.5 % વિસ્તાર જંગલો હેઠળ છે. ડુંગરો પર આવેલાં જંગલોમાં દેવદાર, સ્પ્રૂસ અને ફર ઉપરાંત નિત્ય લીલાં જંગલોમાં અનેક જાતનાં વૃક્ષો અહીં જોવા મળે છે.

હાથી, વાઘ, જંગલી ભેંસ, ભુંડ વગેરે અહીં જોવા મળતાં મુખ્ય પ્રાણીઓ છે. અહીંનું વનસ્પતિ અને પ્રાણીજીવન વૈવિધ્યપૂર્ણ છે.

અહીંથી પ્રાપ્ત થતાં ખનિજોમાં સિલિમેનાઇટ, ફેલ્સ્પાર, કાચું લોહઅયસ્ક અને તાંબું મુખ્ય છે. તે ઉપરાંત કુદરતી વાયુનો વિપુલ જથ્થો અહીં સાંપડ્યો છે. રાજ્યમાં ખેતીલાયક કુલ જમીનનો વિસ્તાર 2.5 લાખ હેક્ટર છે, જેમાંથી 8 % વિસ્તારને સિંચાઈની સગવડ મળે છે. પહાડીઓના ઢોળાવો પર ડાંગર, શેરડી, શણ, જુવાર, તમાકુ અને કપાસની ખેતી કરવામાં આવે છે. રાજ્યના ઉત્તરના ખીણવિસ્તાર અને દક્ષિણના નીચા મેદાની વિસ્તારો ડાંગરની ખેતી માટે ખૂબ અનુકૂળ છે. પહાડી ઢોળાવો પર ચાની ખેતી પણ મોટા પાયા પર થાય છે. 5.527 લાખ હેક્ટર વિસ્તારમાં 49 જેટલા ચાના બગીચા વાર્ષિક સરેરાશ 45 લાખ કિલો ચાનું ઉત્પાદન કરે છે.

ચાની ખેતીનું મહત્વ સૌથી વધુ છે. ઉપરાંત, શણની ઘણી મિલો  અહીં આવેલી છે. પાટનગર અગરતલામાં શણની મિલો રોજના 20 લાખ ટન શણની ચીજોનું ઉત્પાદન કરે છે અને તેમાં 2000 લોકોને રોજગારી મળે છે.

હાથવણાટ અને હસ્તકલા ઉદ્યોગ દર વર્ષે સરેરાશ 3 કરોડ રૂપિયાની ચીજોનો વ્યાપાર કરે છે. રેશમના કીડા ઉછેરવાની પ્રવૃત્તિ પણ અહીં વિકસી છે.

809 જેટલા નાના પાયાના ઔદ્યોગિક એકમો અહીં છે. અહીં કુલ 1580 કિમી.ના રસ્તા તેમજ ત્રણ હવાઈ મથકો છે.

રાજ્યની કુલ વસ્તી 36,71,632 (2011) તથા વસ્તીગીચતા દર ચોકિમી.એ 350 છે. વસ્તીવૃદ્ધિનો દર 33.69 % અને સાક્ષરતાનું પ્રમાણ 87.75 % છે.

વસ્તીનો મોટો ભાગ ખ્રિસ્તી ધર્મ પાળે છે. તે ઉપરાંત હિંદુ, મુસ્લિમ, શીખ અને બૌદ્ધ લોકો પણ અહીં વસે છે. મુખ્ય ભાષા બંગાળી છે. ઉપરાંત કાકબારક અને મણિપુરીનો પણ ઉપયોગ થાય છે.

નીરમહલ, સિપાહીમહલ, ડુમબુર સરોવર, કમલા સાગર, ઝુમ્પુઈ ટેકરી, ઉનાકોટી અને મતબરી, અહીંનાં જાણીતાં પ્રવાસન-સ્થળો છે.

રાજ્યનું ‘ત્રિપુરા’ નામ ‘ટિપેરા’ પરથી ઊતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે પહાડી પ્રદેશ. 1300 વર્ષ સુધી તેના પર માણિક્ય વંશના રાજાઓએ શાસન કર્યું હતું. 1957માં તેને ભારત સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યો; અને 1972ની 21મી જાન્યુઆરીએ એક અલાયદા રાજ્ય તરીકે તેને માન્યતા આપવામાં આવી. આ રાજ્યમાં આઠ જિલ્લા અને 23 શહેરો છે. રાજ્યની રાજધાની અગરતલા છે.

નિયતિ મિસ્ત્રી