તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય.
સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને પશ્ચિમે કર્ણાટક રાજ્યોની હદ મળે છે. તેલંગાણા શબ્દ ‘Trilingadesh’ (land of three lings) એટલે કે જ્યાં મહત્વનાં શિવમંદિરો આવેલાં છે તે પ્રદેશ. (ક્લેશવર્મ–Kalesh Waram, શ્રી શૈલમ–SriShailam, અને ડરકશર્મા–Draksharama). એમ પણ મનાય છે કે તેલંગણા જે તેલંગઢ (Telangadh) ઉપરથી બન્યો હશે અથવા તેલુગુ ભાષા શબ્દ ઉપરથી તેલંગાણા શબ્દ આવ્યો હશે. બીજી જૂન, 2014ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યમાંથી એક નવા રાજ્ય તરીકે તેલંગાણાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભૂપૃષ્ઠ-આબોહવા-વનસ્પતિ : તેલંગાણા સ્વયં એક ઉચ્ચ પ્રદેશ છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 810 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ લગભગ 535 કિમી. છે. ભૂસ્તરીય રચનાની દૃષ્ટિએ આ એક સપાટ ક્ષેત્ર છે, જે મુખ્યત્વે કેમ્બ્રિયન યુગની નીસ-ખડક સંરચના ધરાવે છે. આ સિવાય ધારવાડ-શ્રેણીના ખડકો અને કડપ્પાશ્રેણીના ખડક સમૂહ આવેલા છે. આ પ્રદેશ ભૂ-રચનાકીય દૃષ્ટિએ તેલંગણા અને રાયલસીમા ઉચ્ચભૂમિ છે. આ ઉચ્ચપ્રદેશની સરેરાશ ઊંચાઈ 600થી 900 મીટર છે. અહીંની જમીનો વૈવિધ્યસભર છે. જેમાં એલ્યુવિઅલ, મધ્યમકાળી, લાલ રેતાળ ચીકાશવાળી ફળદ્રૂપ, અંશતઃ ક્ષારીય વગેરે જમીનો જોવા મળે છે. આ રાજ્યની મુખ્ય બે નદીઓ ગોદાવરી અને ક્રિશ્ના છે. આ સિવાય ભીમા, મનેર, મંજીરા, મુસ્ત, તુંગભદ્રા વગેરે નાની નદીઓ આવેલી છે. આ રાજ્ય અંતરિયાળ હોવાથી વરસાદની માત્રા ઓછી છે તેથી મોટા ભાગનો પ્રદેશ શુષ્ક છે.
આ રાજ્યની આબોહવા અર્ધશુષ્ક અને ગરમ છે. ઉનાળાનો પ્રારંભ માર્ચ માસથી શરૂ થાય છે, પરંતુ મધ્ય એપ્રિલમાં મહત્તમ તાપમાન અનુભવાય છે. આ ગાળા દરમિયાન સરેરાશ તાપમાન 37થી 38 સે. રહે છે. ચોમાસાની ઋતુ મોટે ભાગે જૂનથી સપ્ટેમ્બર માસના અંત સુધીની ગણાય છે. અહીં સરેરાશ વરસાદ 755 મિમી. જેટલો પડે છે. જ્યારે શિયાળાની ઋતુ નવેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી અનુભવાય છે. આ ગાળા દરમિયાન તાપમાન 22થી 23 સે. રહે છે. આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે છે.
આ રાજ્યમાં મોટે ભાગે પાનખર જંગલો વધુ છે. સામાન્ય રીતે આ જંગલોમાં સાગ, સાલ, રોઝવુડ, ખેર, ટીમરું વગેરે વૃક્ષો જોવા મળે છે. પરંતુ ખેતી, લાકડું મેળવવા અને પશુપાલન પ્રવૃત્તિને કારણે મોટા ભાગનાં જંગલોનું નિકંદન જોવા મળે છે. ફક્ત નાગાર્જુન, શ્રી સાલેમ વાઘ અભયારણ્ય વિસ્તારમાં તેમજ છૂટાછવાયા વિસ્તારોમાં પાનખર જંગલો જોવા મળે છે. અલ્પ પ્રમાણમાં ભેજવાળાં પાનખર જંગલો પૂર્વઘાટના વિસ્તારમાં જોવા મળે છે.
ખેતી : આ રાજ્યમાં ખેતીનો આધાર ગોદાવરી, ક્રિશ્ના અને નાની નદીઓના જળસ્રોત તેમજ વરસાદ પર રહેલો છે. આ સિવાય ગોદાવરી નદી ઉપરના સિંચાઈ પ્રકલ્પો અને નાગાર્જુનસાગર બંધના સંગ્રહાયેલા જળપુરવઠા ઉપર અવલંબિત છે. આ બંધ વિશ્વનો સૌથી ઊંચો બંધ છે. આ રાજ્યમાં ડાંગરની ખેતી મુખ્ય છે. આ સિવાય મકાઈ, તમાકુ, કપાસ, શેરડી જેવા પાકો તેમજ કેરી, દ્રાક્ષ જેવાં ફળો તેમજ કાકડી અને શાકભાજીની ખેતી મુખ્ય છે. આમ આ રાજ્યની આવકનો આધાર ખેતી છે.
ઉદ્યોગો : આ રાજ્યના પાટનગર હૈદરાબાદની આજુબાજુના વિસ્તારોમાં ઑટોમોબાઇલ અને પુરજા બનાવવાના, ખાણ અને ખનિજોને લગતા, કાપડ, દવા બનાવવાના, ખાદ્યપ્રકરણ ખાદ્યતેલ બનાવવાના અને સેવાના એકમો આવેલા છે. આજે તો હૈદરાબાદ ‘સાયબરાબાદ’ તરીકે જાણીતું બન્યું છે. એટલે કે તે ઇન્ફર્મેશન ટૅકનૉલૉજીનું મુખ્ય મથક બન્યું છે. આ સિવાય વારંગલ, કરીમનગર અને ખમ્મામ પણ જાણીતાં બન્યાં છે. અહીંના બાયૉટૅકનૉલૉજી અને આરોગ્યસંસ્થાનો વધુ પ્રસિદ્ધિ પામ્યાં છે. આ રાજ્યમાં સંરક્ષણને લગતા એકમો જેમાં D.R.D.O. (Defence Research & Development Organization) અને D.R.D.L. (Defence Research & Development Laboratory) પણ આવેલા છે. ઔદ્યોગિક એકમો અને ખેતીકીય ઉત્પાદનોને કારણે તેલંગાણા રાજ્ય આજે ભારતમાં અર્થતંત્રની દૃષ્ટિએ સાતમા ક્રમે આવે છે. આ રાજ્યમાં 68 જેટલા ‘વિશિષ્ટ અર્થતંત્ર વિભાગો’ ઊભા કરાયા છે.
પરિવહન અને પ્રવાસન : આ રાજ્યમાં રસ્તા, રેલ અને હવાઈ માર્ગોનો વિકાસ થયો છે. રાજ્ય- સરકાર દ્વારા સંચાલિત બસો શહેરો અને ગામડાંઓને સાંકળે છે. રાજ્યનું મુખ્ય બસમથક ‘મહાત્મા ગાંધી’ છે, જે હૈદરાબાદ ખાતે જ્યારે જ્યૂબિલી બસમથક સિકંદારબાદ ખાતે આવેલું છે. રાજ્યમાં 16 રાષ્ટ્રીય ધોરી માર્ગો આવેલા છે. જેની લંબાઈ 3,550 કિમી. છે. અહીં દક્ષિણ-મધ્ય રેલ વિભાગ દ્વારા રેલવે કાર્યરત છે. સૌપ્રથમ રેલમાર્ગનો પ્રારંભ 1874ના વર્ષમાં થયો હતો. જે રેલમાર્ગ ‘નિઝામ ઑફ હૈદરાબાદ’ તરીકે ઓળખાયો હતો. રાજ્યમાં ‘રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક’ જે ‘હૈદરાબાદ હવાઈમથક’ તરીકે પણ ઓળખાય છે. જે શમશાબાદ ખાતે આવેલું છે. જે રાજ્યનું સૌથી મોટું અને વધુ કાર્યરત હવાઈ મથક છે. આ સિવાય વારંગલ, નિઝામાબાદ કોથગુન્ડેમ અને રામગુન્ડમ હવાઈ મથકો આવેલાં છે.
‘તેલંગાણા રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ’પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા પ્રયત્નશીલ છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ઐતિહાસિક સ્થળો, સ્થાપત્યો, કિલ્લાઓ, જળધોધ અને મંદિરોને લક્ષમાં રાખ્યાં છે. ખાસ કરીને બદામી ચાલુક્ય સ્થાપત્યો, અલ્માપુર જોગુલમ્બા મંદિર, રાજરાજેશ્વર મંદિર, ભોંગીરનો કિલ્લો, ખમ્મામનો કિલ્લો, વારંગલનો કિલ્લો વધુ જાણીતાં છે. રામપ્પા મંદિર જેને યુનેસ્કોએ ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ તરીકે જાહેર કરેલ છે. એ જ રીતે પ્રખ્યાત જળધોધમાં કુન્તાલ, ખોગથા, સવતુલાગુન્ડમનો સમાવેશ થાય છે. આ સિવાય ચારમિનાર, ગોલકોન્ડાનો કિલ્લો, કુતુબશાહી ગુંબજ, સાલારજંગ, મ્યુઝિયમ, સિટી મ્યુઝિયમ, નિઝામ મ્યુઝિયમ, વારંગલ મ્યુઝિયમ જોવાલાયક છે. તેલુગુ સિનેમાના હૃદયસમાન ટોલીવુડ જે ભારતીય સિનેમાના એક ભાગ તરીકે ઓળખાય છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગ દ્વિતીય ક્રમે આવે છે. ‘રામોજી ફિલ્મ સિટી’ જે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો છે. ગિનિસ વર્લ્ડ રેકૉર્ડમાં તે નોંધાયેલ છે. તેલંગાણામાં મુખ્ય ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલાં છે. કાસુ બ્રાદ્યાનંદન રેડ્ડી, મહાવીર હરિના વનસ્થલી રાષ્ટ્રીય ઉદ્યાન અને મૃગયાની રાષ્ટ્રીય ઉદ્યાન, ઈટુરુનાગમ અભયારણ્ય, પખાત અભયારણ્ય, કવાલ વાઘ અભયારણ્ય વગેરે જોવા લાયક છે.
વસ્તી : આ રાજ્યને 35 જિલ્લા, 70 મહેસૂલી વિભાગ, 584 મંડલમાં વિભાજિત કરવામાં આવેલ છે. ગામડાંઓની સંખ્યા 10,909 છે. રાજ્યમાં 12 શહેરો, 13 મ્યુનિસિપાલિટી કૉર્પોરેશન અને 132 મ્યુનિસિપાલિટી આવેલ છે. રાજ્યની કુલ વસ્તી આધાર કાર્ડ (2022) મુજબ આશરે 4 કરોડ છે.
અહીંની મુખ્ય ભાષા તેલુગુ અને ઉર્દૂ છે. 75 ટકા લોકો તેલુગુ અને 12 ટકા લોકો ઉર્દૂ ભાષા બોલે છે. હિંદુઓની સંખ્યા 85 ટકા, મુસ્લિમોની સંખ્યા 13 ટકા અને ક્રિશ્ચિયનોની સંખ્યા એક ટકા જેટલી છે. આ રાજ્યમાં શિક્ષિત લોકોની સંખ્યા આશરે 66 ટકા છે. સૌથી વધુ શિક્ષિત લોકો હૈદરાબાદ જિલ્લામાં અને સૌથી ઓછા શિક્ષિત લોકો મહેબૂબનગર જિલ્લામાં આવેલા છે. પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ મફત છે. ખાનગી સંસ્થાઓ દ્વારા, કેન્દ્રીય વિદ્યાલયો અને જવાહર નવોદ્યા વિદ્યાલયો દ્વારા પણ શિક્ષણકાર્ય ચાલે છે. આ રાજ્યમાં 25 યુનિવર્સિટીઓ – જેમાં ત્રણ કેન્દ્રીય યુનિવર્સિટીઓ, 17 રાજ્યની યુનિવર્સિટીઓ અને પાંચ ખાનગી યુનિવર્સિટીઓ આવેલી છે. જાણીતી યુનિવર્સિટીમાં ઓસ્માનિયા યુનિવર્સિટી જે સૌથી જૂની છે (1918) અને હૈદરાબાદ યુનિવર્સિટી. આ સિવાય ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ, જવાહરલાલ નહેરુ ટૅકનૉલૉજિકલ યુનિવર્સિટી જાણીતી છે. આ ઉપરાંત ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી જેવી અનેક સંસ્થાઓ કાર્યરત છે.
પ્રથમ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ. તેના પ્રથમ રાજ્યપાલ ઈ. એસ. એલ નરસિંહન્ છે. 2જી જૂન, 2014થી ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલું આ રાજ્ય જૂના આંધ્રપ્રદેશ રાજ્યનો હિસ્સો હતું. આંધ્રપ્રદેશથી અલગ પડનાર આ વિસ્તારની હકીકત એ છે કે બંને રાજ્યો – આંધ્રપ્રદેશ અને તેલંગાણાને એક રાખવામાં ભાષા મદદરૂપ બની શકી નથી. લાંબી, સંઘર્ષભરી લડતને અંતે તેની રચના શક્ય બની છે.
1952માં ગાંદીવાદી નેતા પોટ્ટા સિરામુલુએ અલગ તમિળભાષી રાજ્યની માંગ કરી, મૃત્યુ વહોરેલું ત્યારે મદ્રાસ (હવે ચેન્નાઈ) રાજ્યમાંથી ભાષાના ધોરણે આંધ્રપ્રદેશની રચના થઈ હતી. 1956માં સમાન ભાષાના આધારે આંધ્રપ્રદેશમાં તેલંગાણા ભેળવી દેવાયું હતું; પરંતુ પછાતપણા અને ગરીબીને કારણે તેલંગાણા નક્સલવાદી પ્રવૃત્તિનું કેંદ્ર રહ્યું. 1969માં આ અસંતોષ ચરમ સીમાએ પહોંચ્યો અને આંદોલન ચાલ્યું. ત્યારબાદ 2000માં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાંથી અનુક્રમે ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડનાં અલગ રાજ્યોની રચના કરવામાં આવી. આમ દેશભરમાં મોટાં રાજ્યોમાંથી નાનાં અલગ રાજ્યો રચવાની પદ્ધતિ શરૂ થઈ. 2001માં આ પ્રદેશમાં મોટું અને તીવ્ર આંદોલન ચાલ્યું, જેમાં ચંદ્રબાબુ નાયડુના તેલુગુદેશમ્ પક્ષમાંથી અલગ પડીને ચંદ્રશેખર રાવે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ નામનો નવો પક્ષ રચ્યો. વિવિધ નીતિ-રીતિઓ પછી તેમણે 2009માં આમરણ ઉપવાસ કરીને કેંદ્રની યુપીએ સરકારને ભીંસમાં લીધી. વળી પાછો ચર્ચાઓ – વિરોધોનો દોર ચાલ્યો. હિંસક તોફાનો થયાં અને અંતે તેલંગાણાના અલગ રાજ્યની રચનાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો.
2 જૂન, 2014થી નવા રચાયેલા રાજ્ય તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે. પ્રારંભે એક દાયકા પૂરતી બંને રાજ્યો એક જ રાજધાની ધરાવશે. તે પછી આંધ્રપ્રદેશ નવી રાજધાની અંગે કામ કરશે. બંને રાજ્યોની વડી અદાલતો પણ હૈદરાબાદ ખાતે કામ કરશે. આંધ્ર રાજ્યના 67,000 કર્મચારીઓમાંથી 42 ટકા કર્મચારીઓ તેલંગાણાને મળશે. આંધ્રની બે મુખ્ય નદીઓ પૈકી બંનેનું પાણી બંને રાજ્યને સરખે ભાગે વહેંચાશે. કુલ 62 લોકસભા બેઠકોમાંની 17 બેઠકો તેલંગાણાને અને 25 બેઠકો આંધ્રપ્રદેશને ફાળવવામાં આવી છે. શિક્ષણપ્રથામાં અનામત પ્રથા દસ વર્ષ સુધી ચાલુ રહેશે. 294 વિધાનસભા બેઠકોમાંથી 119 તેલંગણાને અને 175 બેઠકો આંધ્રપ્રદેશને ભાગે ફાળવવામાં આવી છે. મૂળ આંધ્રપ્રદેશના 23 જિલ્લામાંથી 10 જિલ્લા તેલંગાણાને અને 13 જિલ્લા આંધ્રપ્રદેશને હિસ્સે વહેંચાયા છે. આમ બંને રાજ્યો વચ્ચે વહેંચણીની કોઈ સમસ્યાઓ ઊભી થઈ નથી તે સુખદ બાબત છે.
નીતિન કોઠારી
રક્ષા મ. વ્યાસ