તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

March, 2016

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા. કાકાને સંતાન ન હોવાથી તેમણે કાશીનાથને દત્તક લીધા હતા. કાશીનાથનું શિક્ષણ મુંબઈ ખાતે. મૅટ્રિકની પરીક્ષા સંસ્કૃત વિષય સાથે પાસ કરનારા તેઓ પ્રથમ વિદ્યાર્થી હતા (1864). 1868માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ., 1869ના અંતમાં એમ.એ. તથા સાથોસાથ એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી. તેઓ બધી પરીક્ષાઓમાં પ્રથમ ક્રમ જાળવી રાખતા અને તેથી અનેક પારિતોષિકો તથા શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરતા. થોડોક સમય શાળામાં શિક્ષક તરીકે સેવાઓ આપી. 1867–72 દરમિયાન ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ફેલો રહ્યા. 1872માં ઍડ્વોકેટની પરીક્ષા ઉચ્ચ ગુણવત્તા સાથે પસાર કરી અને તરત જ વકીલાત શરૂ કરી. સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ તથા હિંદુ લૉના ગાઢ અભ્યાસને લીધે વકીલાતના વ્યવસાયમાં ઝડપથી નામના મેળવી. 1889માં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ નિમાયા. 1892માં મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા.

કાશીનાથ ત્ર્યંબક તેલંગ

1885માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનામાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો તથા 1885–89 દરમિયાન તેના મંત્રી તરીકે કામ કર્યું.

સામાજિક સુધારણાને વરેલી સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો. 1872-89 દરમિયાન ‘સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટી’ના સેક્રેટરી રહ્યા. ‘હિંદુ યુનિયન ક્લબ’ જેવી સંસ્થાઓ દ્વારા પણ સમાજસુધારણાનો પ્રચાર-પ્રસાર કર્યો. મરાઠી ભાષાનો વિકાસ થાય તે માટે ‘મહારાષ્ટ્ર ભાષા સંવર્ધક મંડળ’ની સ્થાપના કરી અને તેના પ્રમુખપદે કામ કર્યું. તેઓ સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહ, વિચાર અને વાણીનું સ્વાતંત્ર્ય, લગ્નની વયમાં  વધારો જેવી બાબતોના પુરસ્કર્તા હતા. હિંદુ ધર્મમાં પણ સમયોચિત અને સમર્પક સુધારણા થવી જોઈએ તથા આવી સુધારણા દાખલ થાય તો જ હિંદુ ધર્મ ટકી શકશે એવું તે ર્દઢપણે માનતા.

તે કેન્દ્રીય ધારા સમિતિના સભ્ય હતા. તેઓ હંટર કમિશનના પણ સભ્ય હતા જેની સમક્ષ રજૂ કરેલા આવેદનમાં તેમણે વ્યાવસાયિક શિક્ષણની હિમાયત કરી હતી. મુંબઈની જાણીતી ‘વિક્ટોરિયા જ્યુબિલી ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ’(VJTI)ની સ્થાપના તેમના પ્રયાસોને આભારી છે. મુંબઈ નગરપાલિકાનો કાયદો ઘડવામાં  તેમણે તથા ફિરોઝશાહ મહેતાએ સમાન ભૂમિકા ભજવી હતી. તેઓ મુક્ત વ્યાપારની સૈદ્ધાંતિક દલીલોનું સમર્થન કરતા, છતાં ભારત જેવા આર્થિક અને ઔદ્યોગિક રીતે પછાત દેશ માટે મુક્ત વ્યાપાર નહિ પરંતુ દેશના નવા ઉદ્યોગોને સંરક્ષણ આપવાની તેઓ તરફેણ કરતા. ભારતીય ન્યાયાધીશો સમક્ષ પણ અંગ્રેજ તહોમતદારો સામેના ખટલા ચાલવા જોઈએ એમ તે માનતા. એ આશયથી તૈયાર કરવામાં આવેલ ‘ઇલ્બર્ટ બિલ’(1883)ની તેમણે તરફેણ કરી હતી.

તેમનું સંશોધનકાર્ય પણ નોંધપાત્ર છે. પશ્ચિમ મગધ પર પૂર્ણવર્માનું શાસન હતું ત્યારે ઈ. સ. 590ના અરસામાં આદિ શંકરાચાર્યનો જન્મ થયો હતો એવું તેમણે ઐતિહાસિક પુરાવા સાથે સાબિત કરી આપ્યું. જર્મન સમાજશાસ્ત્રી ડૉ. મૅક્સ વેબરે (1864–1920) એવી રજૂઆત કરી હતી કે રામાયણ હોમરના ‘ઇલિયડ’ પર આધારિત છે અને તેનો કાળ ઈસવી સનની શરૂઆત પછીનો છે. તેને વખોડી કાઢીને તેલંગે સાબિત કર્યું કે રામાયણની સમગ્ર કથા ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ તે પહેલાંની છે. તેવી જ રીતે શ્રીમદભગવદ્-ગીતા, બાઇબલ પર રચાયેલો ગ્રંથ છે એવી પાશ્ચાત્યવિવેચક લેરિંગેરની દલીલનું તેલંગે નક્કર પુરાવા સાથે નિરસન કર્યું હતું.

તેમના વિપુલ લેખનકાર્યમાં ભર્તૃહરિના ‘નીતિ-શતક’ અને  ‘વૈરાગ્ય શતક,’ તથા ‘મુદ્રારાક્ષસ’ પરના લેખોનું સંપાદન, શ્રીમદભગવદ્-ગીતાનો અંગ્રેજી ભાષામાં પદ્યાત્મક અનુવાદ, જર્મન નાટ્યકારની નાટ્યકૃતિ ‘નેથાન ધ વાઇઝ’નું મરાઠી ભાષામાં ‘શહાણા નાથન’ ભાષાંતર, આદિ શંકરાચાર્યના ચરિત્ર ઉપરાંત શાંકર ભાષ્ય પર વિસ્તૃત નિબંધ, રૉયલ એશિયાટિક સોસાયટીના સામયિકમાં તથા ‘ઇન્ડિયન ઍન્ટિક્વેરી’ સામયિકમાં નિયમિત નિબંધોનું પ્રકાશન, ચાલ્મર્સના ‘લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ’ ગ્રંથનું ‘સ્વરાજ્ય વ્યવસ્થા’ શીર્ષકથી મરાઠીમાં ભાષાંતર;  ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેના ‘રાઇઝ ઑવ્ મરાઠા પાવર’ ગ્રંથની પશ્ચાદભૂમિકામાં રહેલ તેલંગના ‘ગ્લીનિંગ્ઝ ફ્રૉમ મરાઠા ક્રૉનિકલ’નો સમાવેશ થાય છે.

જર્મન પ્રાચ્યવિદ્યા પંડિત મૅક્સમ્યૂલરે (1823–1900) સંપાદિત કરેલ ‘સેક્રેડ બુક્સ ઑવ્ ધી ઈસ્ટ’માં મહાભારતના તેલંગે સંપાદિત કરેલા કેટલાક ભાગોને સ્થાન  આપવામાં આવ્યું હતું. આ પ્રકારનું સન્માન મેળવનાર તેલંગ એકમાત્ર ભારતીય હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે