તેલંગાણા આંદોલન

March, 2016

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન.

1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને ચાતરીને સામ્યવાદી પક્ષના મહામંત્રી બી.ટી. રણદીવેએ (1948) ભાંગફોડ, તોફાનો, હડતાળો અને હુલ્લડો દ્વારા ભારત સરકારને ઉખેડી નાખીને સત્તા કબ્જે કરવાની એક નવી જ વ્યૂહ રચના અપનાવી. તેલંગાણા આંદોલન આ નવી વ્યૂહનીતિનો એક ભાગ હતું. આ નીતિ અન્વયે સામ્યવાદી પક્ષની રાહબરી નીચે તૈલંગણના ખેડૂતોએ જમીનદારો વિરુદ્ધ હિંસક ચળવળ દ્વારા જમીનદારો અને અમલદારોની કત્લ કરી. જમીનદારીપ્રથાનાં દૂષણો અને આર્થિક વિષમતાઓથી ત્રસ્ત ખેડૂતોએ જમીનદારીપ્રથાની નાબૂદીમાં પોતાના આર્થિક વિકાસ અને સ્વાતંત્ર્યની ખેવના સેવી હતી.

તેલંગાણાના ખેડૂતોના હિંસક બળવાની આગેવાની સામ્યવાદી નેતાઓએ સંભાળી લીધી હતી. જમીનદારો અને અમલદારોની હત્યાને પગલે પગલે ઘણા લોકો આ વિસ્તારમાંથી ભાગી છૂટ્યા. એક હજાર કરતાં વધારે ગામડાંના ખેડૂતો ‘આઝાદ’ બન્યા. આ પ્રદેશમાં અઢી હજાર ગામડાં અને દસ લાખ જેટલા લોકો પર સામ્યવાદી શાસન સ્થપાયું. સામ્યવાદીઓએ છાપામાર પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ‘કોત્ચેલેન્દુ રાજા’ નામે એક સેના તૈયાર કરી હતી. તેનું મુખ્ય કાર્ય કાયદો અને વ્યવસ્થાના રક્ષકતંત્ર સામે  છાપામાર પ્રવૃત્તિ દ્વારા હુમલાઓ કરીને તેને ‘આઝાદ’ ખેડૂતો વિરુદ્ધ પગલાં લેતા રોકવાનું  હતું. સામ્યવાદીઓએ તૈલંગણમાં માત્ર જમીનદારીપ્રથાને નાબૂદ કરી; એટલું જ નહિ, પરંતુ તેમણે જમીનસુધારણાનાં કેટલાંક વાજબી પગલાં લીધાં. જમીનદારી નાબૂદ કર્યા પછી જમીનદારોની ખાલસા કરેલી વધારાની જમીન ખેડૂતો વચ્ચે વહેંચી આપવામાં આવી. ઉપરાંત જમીન ધારણ કરવા અંગેની ટોચમર્યાદાનો નિયમ દાખલ કર્યો. આ નિયમ મુજબ કોઈ પણ ખેડૂત 25થી 30 એકર કરતાં વધારે જમીન ધરાવી શકે નહીં. વળી સામ્યવાદીઓએ તમામ કરજદાર ખેડૂતોનાં દેવાં માફ કર્યાં.

આમ જમીનસુધારણાના પાયાના પ્રશ્નને ઉકેલવાની દિશામાં આ આંદોલને પહેલ કરી હતી; પરંતુ આવી પહેલ સ્થાપિત સરકાર અને કાયદા વિરુદ્ધ હિંસક બળવાના સ્વરૂપની હતી. ભારતનું ભાવિ અસ્તિત્વ જોખમાશે એવી ભીતિ ભારત સરકારને રહેતી હોવાથી ભારત સરકારને અનિચ્છાએ પણ બળનો ઉપયોગ કરીને આ આંદોલનને તથા હૈદરાબાદના રઝાકારોને કચડી નાખવા પડ્યા. ઉપરાંત કિસાનો દ્વારા ક્યારેય સામ્યવાદી ક્રાંતિ થઈ શકે નહીં એવી માન્યતા ધરાવતા સામ્યવાદી  પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓએ આ આંદોલનને ટેકો આપ્યો નહીં. વધુમાં પોતાની ક્રાંતિકારી ભાષાની જોડે તાલ મિલાવી શકે તેવા ક્રાંતિકારી કાર્યની યોજના રણદીવે પાસે હતી નહીં. આવાં કારણોને લીધે તેલંગાણા આંદોલન નિષ્ફળ ગયું.

આ આંદોલનની ગંભીરતાનો અંદાજ તો એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે અંદાજે 500 જેટલા જમીનદારો સહિત કુલ 3000 માણસોની જાનહાનિ થઈ હતી અને આથી જ ઘણા લાંબા સમય સુધી તૈલંગણને લશ્કરી કબજા નીચે રાખવામાં આવ્યું હતું. તેલંગાણા આંદોલનને નેતૃત્વ રવિનારાયણ રેડ્ડીએ પૂરું પાડ્યું હતું.

લાંબા સમય સુધી આંધ્રપ્રદેશ સાથે તેલંગાણાનો વિકાસ થતો રહ્યો. 2004માં ફરીથી આ અંગેની માંગ રજૂ થઈ. ફેબ્રુઆરી, 2009 સુધી ત્યાંના મોટાભાગના રાજકીય પક્ષોએ આ નવી માંગને ટેકો પૂરો પાડ્યો. 2009માં આ માટે રચાયેલી તેલંગણ રાષ્ટ્રીય સમિતિ નામે રચાયેલા પક્ષે 45માંથી માત્ર 10 વિધાનસભાની બેઠકો ચૂંટણીમાં મેળવતાં તેલંગણની માંગ ધીમી પડેલી જણાઈ. પરંતુ તે.રા.સ.ના નવા વરાયેલા પ્રમુખે (ચંદ્રશેખર રાવે) આ માંગને ઉત્તેજન આપ્યું. 23 ડિસેમ્બર, 2009માં બધા પક્ષોની સર્વસંમતિ હોય તો આ અંગે નિર્ણય લઈ શકાય તેવું વલણ કેન્દ્રસરકારે દાખવ્યું. 2010માં આ અંગે ભાજપ અને તેલુગુદેશમ્ પક્ષોના વિરોધને કારણે નિર્ણય મુલતવી રહ્યો. તે પછી આ અંગે ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણનું એક પંચ નિમાયું, જે વિગતો વિચારે તેમ નક્કી થયું હતું. જાન્યુઆરી, 2011માં શ્રીકૃષ્ણ પંચના અહેવાલમાં છ વિકલ્પો સૂચવાયા હતા; પણ તેમાં કોઈ નિર્ણય વ્યક્ત કરાયો નહોતો. પછી તેલંગણના વિધાનસભ્યોનાં રાજીનામાં, રાજ્યવ્યાપી હડતાળ તેમજ છેલ્લે ‘તેલંગણ કૂચ’ની ઘટનાઓએ આકાર લીધો. 28 ડિસેમ્બર, 2012માં ભારતના ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે દ્વારા આ મુદ્દે બેઠક યોજાઈ જે અનિર્ણાયક રહી. 29 જાન્યુઆરી, 2013માં આ અંગે વિચારણા ચાલે છે તેમ જણાવી કેન્દ્રસરકારના ગૃહમંત્રીએ અંતિમ નિર્ણયની વાત ઠેલી દીધી. આ મુદ્દો વિચારણામાં અટવાયેલો રહ્યો હતો. પરંતુ છેલ્લે જૂન 2014માં તેલંગાણાનું અલગ રાજ્ય ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું.

રક્ષા મ. વ્યાસ

નવનીત દવે