તૂરિયાં : દ્વિદળી વર્ગના કૃષ્માણ્ડાદિ (Cucurbitaceae) કુળનો શાકભાજીનો છોડ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa acutangula (linn.) Roxb. (સં. ધારાકોશાતકી; હિં. તોરઈ, તુરૈયા; મ. દોડકી, શીરાળી; બં. ઝિંગા; ક. ધારાવીરે. તે. બીરકાયા તા. પીરકુ, પીરે; મલા. પિચ્ચકં; અં. રિજડ્ ગુઅર્ડ, રિબક્ ગુઅર્ડ) છે. તે ભારતની મૂલનિવાસી જાતિ છે. તે એક વર્ષાયુ, મોટા વેલાવાળી અને એકગૃહી (monoecious) વનસ્પતિ છે. આ છોડમાં નર પુષ્પો પહેલાં અને માદા પુષ્પો પછી બેસે છે.
તે ઉત્તર પશ્ચિમ ભારત, બિહાર, પ. બંગાળ, સિક્કીમ, આસામ અને ચેન્નાઈ વન્ય સ્વરૂપે મળી આવે છે. ભારતના મોટા ભાગનાં રાજ્યોમાં ચોમાસુ અને ઉનાળુ શાકભાજી તરીકે ઉગાડાય છે.
તે સોટીમય મૂળતંત્ર ધરાવે છે. આ વેલ ઘણી લાંબી અને શાખાઓવાળી હોવાથી સહેલાઈથી ટેકા ઉપર ચઢી શકે છે. પર્ણો સાદાં અને 5થી 7 ખંડોવાળાં હોય છે. પુષ્પગુચ્છ પર્ણોની કક્ષામાંથી નીકળે છે, નરપુષ્પો ત્રણ પુંકેસરો ધરાવે છે અને 10થી 20 પુષ્પો ધરાવતી કલગી(raceme)સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. માદાપુષ્પો એકાકી (solitary) હોય છે. તૂરિયાંનાં ફળ પેપો (pepo) પ્રકારનાં, સામાન્યત: 15-30 સેમી લાંબા (ભાગ્યે જ 1.0 મી. કે તેથી વધારે લાંબાં), નળાકાર કે ગદાકાર (club-shaped) અને 8–10 સ્પષ્ટ લગભગ પાંખ જેવી લાંબી ધારવાળાં હોય છે. બીજ ચપટાં, કાળા રંગનાં અને 10-12 મિમી. લાંબાં હોય છે.
તૂરિયાની જાતો : (1) બિહારમાં સ્થાનિક રીતે ‘સતપુતિઆ’ જાણીતી તૂરિયાની જાત દ્વિલિંગી પુષ્પો ધરાવે છે અને ફળો નાનાં હોય છે અને ગુચ્છમાં ઉત્પન્ન થાય છે. સતપુતિઆ અને એકગૃહી જાત વચ્ચે સંકરણ કરવાથી ઉદભવતી સંકર જાત એકગૃહી જાત કરતાં ફળોનું પાંચ ગણું ઉત્પાદન આપે છે. સંકર જાતને ઉનાળામાં ઉગાડી શકાય છે. સતપુતિઆનાં ફળની છાલમાં રેસા ઓછા અને સુંવાળી હોવાથી રાંધતી વખતે છોલવાની જરૂર પડતી નથી. સામાન્ય રીતે વેલા નાના હોવાથી ઘરગથ્થુ બગીચા માટે સારી ગણાય છે.
(2) પુસા નસધાર : મધ્ય પ્રદેશની સ્થાનિક જાતોમાંથી પસંદગીથી તૈયાર કરેલી વહેલાં ફળ આપતી જાત છે. ફળો લાંબાં અને ઝાંખા લીલા રંગનાં હોય છે. છોડદીઠ 15થી 20 ફળો મળે છે.
(3) સીઓ-1(co –1) – ફળો 60-70 સેમી. લાંબાં, વાવણી બાદ 55 દિવસે પ્રથમ વીણી મળે છે. છોડદીઠ 10-12 ફળ (3–4 કિગ્રા.) આપે છે. આ જાત તમિળનાડુ કૃષિ યુનિવર્સિટીએ તૈયાર કરેલી છે.
તે ઉષ્ણકટિબંધનો પાક છે અને ગરમ અને ભેજવાળા હવામાનના પ્રદેશમાં ઉનાળુ તેમજ ચોમાસુ પાક તરીકે ઉગાડાય છે. રાત્રિનું ઠંડું અને દિવસનું ગરમ હવામાન ખૂબ જ માફક આવે છે. 40° સે. થી વધુ નહિ અને 20° સે.થી ઓછું નહિ, પરંતુ સરેરાશ 30°થી 40° સે. ઉષ્ણતામાને ઉત્તમ પાક લઈ શકાય છે.
તેને માટે સારા નિતારવાળી, ઊંડી, ગોરાડુ, કે મધ્ય કાળી સેન્દ્રીય તત્વથી ભરપૂર જમીન આદર્શ ગણાય છે, પરંતુ ક્ષારવાળી કે અમ્લતાવાળી જમીન માફક આવતી નથી. તેનાં બીના સારા ઉગાવા માટે જમીનનો ઉષ્ણતામાન-આંક 18°-22° સે. હોવો જરૂરી છે. જમીનનો pH આંક 6.0થી 7.0 હોવો જરૂરી છે. હેક્ટરદીઠ 4થી 5 કિગ્રા. બીજ વાવવામાં આવે છે. વાવણી માટેનું અંતર બે હાર વચ્ચેનું 2 મીટર અને બે છોડ વચ્ચેનું 1.5 મીટર રાખવામાં આવે છે. તેનો વાવણીનો સમય ચોમાસુ પાક માટે જૂન માસ અને ઉનાળુ પાક માટે ફેબ્રુઆરી કે માર્ચ માસ છે. વાવેતર બાદ આ પ્રમાણે કાળજી રાખવામાં આવે છે : (1) દર થાણે એક જ છોડ રખાય છે. (2) ચોમાસાના પાકને પિયતની જરૂર પડતી નથી. ઉનાળાના પાકમાં 7થી 10 દિવસે જમીન, હવામાન તથા છોડની સ્થિતિને ધ્યાનમાં લઈ પિયત આપવામાં આવે છે. (3) જરૂર પડ્યે નીંદામણ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબનાં ખાતરો આપવામાં આવે છે. રોગ કે જીવાત સામે રક્ષણ અપાય છે. (4) છોડ નાના હોય ત્યારે બેથી ત્રણ આંતરખેડ થાય છે. (5) ચોમાસાના પાકમાં મંડપ બનાવી વેલા ચઢાવવાથી ફળની ગુણવત્તા અને ઉત્પાદન સારાં મળે છે.
ફળમાં બીજ કઠણ થાય અને ફળના માવામાં રેસા બંધાય તે પહેલાં એટલે કે કુમળાં ફળો શાક માટે ઉતારી ઉપયોગમાં લેવાય છે. વાવેતર બાદ 1.5થી 2.0 માસ બાદ પ્રથમ વીણી મળે છે; અને ત્યારબાદ દર ત્રીજા દિવસે ફળો ઉતારવાં પડે છે. તૂરિયાનું સરેરાશ ઉત્પાદન 8થી 12 ટન પ્રતિ હેક્ટર મળે છે. પરંતુ જો જમીન, હવામાન માફકસરનાં હોય અને સારી માવજત કરવામાં આવે તો 15થી 20 ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે.
તૂરિયાના રોગો : તૂરિયાને ફળના સડા Pythium aphanidermatum દ્વારા અને તળછારો (downy mildew) Pseudoperonospora cubensis દ્વારા થાય છે. આ પાક વાંકડિયાં પાનના રોગ માટે સંવેદી હોય છે. ફળના સડા માટે બોર્ડો મિશ્રણ (4-4-50) કે ચેશન્ટ મિશ્રણ(6.236 ગ્રા/લિ.)ના છંટકાવ કરતાં સંતોષકારક નિયંત્રણ થાય છે. તળછારા માટે 1 % બોર્ડો મિશ્રણના છંટકાવથી રોગનો પ્રસાર અટકે છે.
જીવાત : રોપાઓ અને મોટા છોડ પર લાલ કોળાના ભમરા (Aulacophora foveicollis) આક્રમણ કરે છે. સવારે ઝાકળને કારણે પર્ણો ભેજવાળાં હોય ત્યારે ગાયના છાણની ભસ્મ અથવા ચૂનાનું પાણી કે ચૂનો અને તમાકુની ભૂકીના મિશ્રણનો છંટકાવ અસરકારક હોય છે. પૅરિસ ગ્રીન અને ભસ્મના (1:8 પ્રમાણમાં) મિશ્રણની અથવા લેડ આર્સેનેટ અને ભસ્મના (1:30ના પ્રમાણમાં) મિશ્રણની ભલામણ કરવામાં આવી છે. DDT અથવા BHC 3.0 %નાં પરિણામો પ્રોત્સાહક હોવા છતાં આ કીટકનાશકો માટે છોડ સંવેદી હોવાથી તેમાં વિષાળુ લક્ષણો ઉદભવે છે તેથી તેની ભલામણ કરવામાં આવતી નથી. ફળમાખી (Dacus diversus) પાનખર ઋતુના પાક માટે ગંભીર જીવાત છે. છીછરા પાત્રમાં પાણી અને લીલી ચા (સિટ્રોનેણા) ના તેલનાં થોડાં ટીપાં નાખીને રાખતાં આ માખીઓ પકડી શકાય છે. ચેપવાળાં ફળોનો નાશ કરવામાં આવે છે. તીતીઘોડા (Poecilocerus pictus) પર્ણોને નુકસાન પહોંચાડે છે. કૅલ્શિયમ કે સોડિયમ આર્સેનાઇટનો 1.0 ગ્રા. અને 0.5 ગ્રા. પ્રતિલિટર પાણી સાથે છંટકાવ કરવાથી સંતોષજનક નિયંત્રણ થાય છે.
તૂરિયાંના ફળના 100 ગ્રામ ખાવાલાયક માવામાં કૅલ્શિયમ, 40 મિ. ગ્રામ; ફૉસ્ફરસ, 40 મિ. ગ્રામ; પોટૅશિયમ, 50 મિ.ગ્રામ; વિટામિન ‘એ 56 ઇન્ટરનેશનલ યુનિટ તથા વિટામિન ‘સી’ 5 મિ.ગ્રામ રહેલ છે. તે સિવાય ખનિજ, પ્રોટીન, કાર્બોદિત, લોહ, ગંધક વગેરે તત્વો પણ વત્તાઓછા પ્રમાણમાં રહેલ છે.
તૂરિયાં કાચાં હોય ત્યારે શાકભાજી તરીકે વપરાય છે. પાકાં તૂરિયાં રેસાયુક્ત બનતાં ખાદ્ય રહેતાં નથી. ફળના ખાદ્ય ભાગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 95.4 %, પ્રોટીન 0.5 %, લિપિડ (ઈથરનિષ્કર્ષ) 0.1 %, કાર્બોદિતો 3.7 %, ખનિજ દ્રવ્ય 0.3 %, કૅલ્શિયમ 0.04 %, અને ફૉસ્ફરસ 0.04 %, લોહ 1.6 મિગ્રા./100 ગ્રા.; કૅરોટિન (વિટામિન ‘એ’ તરીકે) 56 આઈ.યુ./100 ગ્રા.; આયોડિન અને ફાઈટિન હોય છે.
તૂરિયાનાં પાકાં બીજ (વજન 19 ગ્રા./100 બીજ) કડવા ઘટકો ધરાવે છે; જેમને કુકરબિટેસિન B, D, G અને H તરીકે ઓળખવામાં આવે છે. કુકરબિટેસિન B મુખ્ય ઘટક છે.
તૂરિયાનાં પર્ણોનો મસા, કુષ્ઠ અને બરોળશોથ(splenitis)માં પોટીસ તરીકે ઉપયોગ થાય છે. તાજાં પર્ણોનો રસ બાળકોમાં થતાં કણીમય નેત્રશ્લેષ્મસ્તરશોથ (conjuctivitis) પર ઉપયોગી છે. પર્ણોનો ક્વાથ યુરિકામ્લરક્તતા (uraemia) અને અનાર્તવ(amenorrhoea)માં વપરાય છે. પાકાં બીજ વામક (emetic) અને રેચક (purgative) ગુણધર્મો ધરાવે છે. બીજનું તેલ અને ખોળ ઝેરી હોય છે. ખોળમાં નાઇટ્રોજન અને ફૉસ્ફરસ સારા પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર તે મધુર, સ્નિગ્ધ, શીત, બલપ્રદ, વીર્યપ્રદ, રુચિકર, ગુરુ અને પથ્યકર છે અને શ્ર્વાસ, કાસ, તાવ, કફ, પિત્ત, કૃમિ, ગુલ્મ, ઉદર, ત્રિદોષ અને મલબંધનો નાશ કરે છે. જાંઘના ખૂણાઓમાં પડતી ચાંદી તેમજ પથરી પર તેનાં મૂળ ઉપયોગી છે.
રમણભાઈ પટેલ
બળદેવભાઈ પટેલ