તૂર્ગનેવ, ઇવાન સર્ગયેવિચ

January, 2014

તૂર્ગનેવ, ઇવાન સર્ગયેવિચ (જ. 9 સપ્ટેમ્બર 1818, ઑરલ પ્રાંત; અ. 3 સપ્ટેમ્બર 1883, બોગુવિલ) : રશિયન સાહિત્યકાર. સેન્ટ પિટર્સબર્ગ તથા બર્લિન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને 1841માં રશિયાની મુલકી સેવામાં જોડાયા; પરંતુ 1843માં એ નોકરી છોડીને તેમણે લેખનકારકિર્દી અપનાવી. રશિયાના મહાન પ્રકીર્તિત સાહિત્યકારોમાં તેઓ અનન્ય સ્થાન ધરાવે છે. યુરોપનાં ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, જર્મની આદિ રાષ્ટ્રોના સાહિત્યિક સમાજ પર તૂર્ગનેવના સર્જનની ઊંડી છાપ છે. રશિયન જનક્રાન્તિ પહેલાંના ઝારકાલીન શાસન દરમિયાન એક પ્રબળ સાહિત્યિક ચેતનાની છોળે આખાય સમાજજીવનની તાસીર બદલી નાંખી. આ સંક્રાંતિકાળ દરમિયાન જે મહાન સર્જકો ટૉલ્સ્ટૉય, દૉસ્તોયેવસ્કી, ચેખૉવ, ગૉર્કી આવ્યા તેમાં તૂર્ગનેવ નવલકથા, નાટક, વાર્તા અને  કવિતાના ક્ષેત્રે સવિશેષ સક્રિય રહ્યા. રશિયન નવલકથા આખાય યુરોપના સર્જકો પર છવાઈ ગઈ. તૂર્ગનેવના સર્જનની અસર, બાલ્ઝાક, એમિલ ઝોલા અને ફ્લોબેર પર જોવામાં આવે છે. ઝોલા તૂર્ગનેવનો ઉલ્લેખ ‘મારા ગુરુ’ (my master) તરીકે કરે છે.

તૂર્ગનેવનાં માતાપિતા ઉમરાવ કુળનાં હતાં. ઓર્લાવસ્કી પ્રાંતમાં તૂર્ગનેવનાં માતાની એક લાખ દસ હજાર હેક્ટર જમીન હતી અને પાંચ હજાર ખેતમજૂરો આ જમીન પર કામ કરતા હતા. તૂર્ગનેવના માનસ પર આ હજારો ખેતમજૂરોના યાતનામય જીવનની ઊંડી અસર પડી. તેમની નવલકથાઓમાં એક ભૂમિકા તરીકે રશિયાના ખેડૂતજીવનનો મોટો અંશ આવે છે જેને કારણે પરાકાષ્ઠાસૂચક ઘટનાઓ સર્જાય છે. તૂર્ગનેવ ટૉલ્સ્ટૉયની માફક ઉમરાવ કુળના જાહોજલાલીભર્યા જીવનમાં એશઆરામથી જીવ્યા. તેમની કૃતિ ‘એ હન્ટર્સ સ્કેચીઝ’નાં અસંખ્ય રેખાચિત્રોમાં આ વૈભવી જમીનદાર લેખકે રશિયન ગ્રામપ્રદેશ–વન-પ્રદેશનાં મનોહર ર્દશ્યો આલેખ્યાં છે. અલબત્ત, રશિયન સમાજનાં વિવિધ વિલક્ષણ પાત્રોના અનુબંધમાં વસંત, વર્ષા અને શિશિર ઋતુનાં પલટાતાં હૃદયંગમ ર્દશ્યોમાં ધબકતા રશિયન જીવનની વિવિધ છબી અહીં છે. પણ આ નિસર્ગવર્ણનોની પડછે ‘ટુ ક્ન્ટ્રી જેન્ટલમેન’ અને ‘ધ સ્યુવર્ડ’ જેવાં રેખાચિત્રોમાં જે નિર્મમતાથી અને જે ઘાતકતાથી જમીનદારો ખેડૂતોનું શોષણ કરે છે અને તેમને પશુવત ગણી જે અમાનવીય વર્તન કરે છે તેનું વ્યંગ્ય અને ઉપહાસભરી વાણીમાં આલેખન છે. ઝાર નિકોલાઈ પહેલાએ ‘એ હન્ટર્સ સ્કેચીઝ’(1847)ના લેખક તૂર્ગનેવની ધરપકડ અને દેશનિકાલના આદેશ આપેલા – સવિશેષ તો એમાં થયેલા સામંતશાહી પ્રથાના ઘોર વિરોધના કારણે. ‘રુદિન’, ‘એ નેસ્ટ ઑવ્ ધ જેન્ટ્રી’ આદિ ગ્રંથો ઉપરાંત નાટકો તેમજ ગદ્યકાવ્ય ઉપર પણ તેમણે હાથ અજમાવ્યો છે. તેમની સૌથી મહાન  કૃતિ છે. ‘ફાધર્સ ઍન્ડ સન્સ’ (1862). સામાજિક ક્ષેત્રે પ્રવર્તતી એક પેઢી અને અન્ય આવી રહેલી પેઢી વચ્ચેના વૈમનસ્યની કથા તેમાં આલેખવા ઉપરાંત ધર્મ, સંસ્કાર, રાજકારણ અને શિક્ષણના ક્ષેત્રે વ્યાપેલ અંધાધૂંધી અને નિરર્થકતાની તેમાં ટીકા છે. કથાનું એક પાત્ર બાઝારૉવ પ્રવર્તમાન ધર્મ, રાજકારણ, કેળવણી અને સામાજિક ધોરણોનો કટુ વિરોધ કરે છે, બલકે તેનો અસ્વીકાર કરે છે, તેને નકારે છે અને આથી આ પાત્રને શૂન્યવાદી (nihilist) ગણવામાં આવે છે. ઝારશાહી રશિયાના ક્રાન્તિકારી વર્ગની ચળવળના મૂળમાં નાસ્તિકવાદનું એક સ્વરૂપ રહ્યું છે. પ્રત્યેક રશિયન ક્રાંતિકારને ‘નિહિલિસ્ટ’ લેખવામાં આવતો. એ સૂચક છે કે રશિયાના મહાન સર્જકોની સામે આખો સમાજ ભૂમિકા તરીકે ઊપસી આવે છે અને માત્ર તૂર્ગનેવ જ નહીં પણ ટૉલ્સ્ટૉય, દૉસ્તોયેવસ્કી, ચેખૉવ આદિ લેખકો સમાજને યથાતથ મૂલવી ગૌરવ કરે છે નિતાન્ત માનવતાનું.

ઇવાન સર્ગયેવિચ તૂર્ગનેવ

મહદંશે ગાયિકા પૉલિન ગાર્સિયા પ્રત્યેની ચાહનાના કારણે તેમણે જીવનનાં બાકીનાં વર્ષો મુખ્યત્વે બૅડન–બૅડન તથા પૅરિસમાં ગાળ્યાં અને ત્યાં તેમને અગ્રણી સાહિત્યસર્જકો સાથે પરિચય થયો. પરિણામે પશ્ચિમી યુરોપનાં સાહિત્યિક શૈલી–સ્વરૂપો તેમજ ભાવજગત અને સંવેદનશીલતા વિશે તેમનામાં નિકટવર્તી જાણકારી અને સૂઝ કેળવાયાં અને તેમની સર્જનપ્રવૃત્તિને ઉપકારક બન્યાં.

નલિન રાવળ