તૂર (અહમદ) સેકુ

January, 2014

તૂર (અહમદ) સેકુ (જ. 9 જાન્યુઆરી 1922, ફરનાહ, ગિની; અ. 26 માર્ચ 1984, ક્લીવલૅન્ડ, યુ.એસ.) : ગિનીની સ્વાતંત્ર્ય-ચળવળના આગેવાન અને ગિની પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ. તેમનો જન્મ મુસ્લિમ ખેડૂતને ત્યાં થયો હતો. ઓગણીસમી સદીને અંતે ગિનીમાં ફ્રેંચ શાસનનો સામનો કરનાર સમોરીના પોતે પ્રપૌત્ર છે એવો તૂરનો દાવો હતો. કોનાક્રી ખાતે ફ્રેંચ ટૅકનિકલ શાળામાં અભ્યાસ, 1936માં રોટીરમખાણને દોરવણી આપવા બદલ શાળામાંથી હકાલપટી થયેલી. 1940માં તૂરે વ્યાપારી પેઢી અને ત્યારબાદ ટપાલસેવામાં વહીવટી કામગીરી સંભાળી. ગિનીના લોકોના વિકાસની અલ્પ તકો જોઈને તેમણે મજદૂર આંદોલનમાં રસ લેવાનું શરૂ કર્યું. અને પશ્ચિમ ફ્રેંચ આફ્રિકામાં સૌપ્રથમ વાર 76 દિવસની સફળ હડતાળનું સંચાલન કર્યું. 1945માં તેઓ ‘પોસ્ટ ઍન્ડ ટેલિકોમ્યુનિકેશન વર્કર્સ યુનિયન’ના સેક્રેટરી જનરલ બન્યા અને ગિનીના કામદાર સંઘોના ફેડરેશનને સ્થાપવામાં સહાયભૂત બન્યા, જે ‘વર્લ્ડ ફેડરેશન ઑવ્ ટ્રેડ યુનિયન્સ’ સાથે સંલગ્ન હતું. પાછળથી તેઓ તેના ઉપપ્રમુખ બન્યા. 1952માં ગિનીની ડેમૉક્રેટિક પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું. આમ તૂરે ગિનીના રાજકારણમાં પ્રભુત્વ દાખવનાર રાજકીય સંગઠનને જન્મ આપ્યો. તે અગાઉ (1951) તૂર ફ્રેંચ નૅશનલ ઍસેમ્બ્લીમાં ચૂંટાઈ આવ્યા હોવા છતાં તેમને તેમાં સ્થાન લેવા દેવામાં આવ્યું ન હતું. 1954માં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું. પાછળથી ભારે બહુમતીએ કોનાક્રીના મેયર તરીકે ચૂંટાયા બાદ ફ્રેંચ નૅશનલ ઍસેમ્બ્લીમાં તેમને સ્થાન ગ્રહણ કરવા દેવામાં આવ્યું. 1957માં તૂર ગિનીની કારોબારી સમિતિના ઉપપ્રમુખ બન્યા.

1958માં ફ્રાન્સે પોતાનાં સંસ્થાનોને આંતરિક સ્વશાસન આપવાની દરખાસ્ત કરી. તૂરે સ્વાધીનતા માટેનાં પરિબળોને સંગઠિત કરીને દોરવણી આપી. લોકપૃચ્છા (referendum) દ્વારા ફ્રાન્સની દરખાસ્ત ફગાવી દેવામાં આવી તેથી ફ્રાન્સે ગિની છોડ્યું અને તૂર ગિનીના સ્વતંત્ર પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ બન્યા (ઑક્ટો. 1958). ગિની ફ્રાંસનું એકમાત્ર આફ્રિકન સંસ્થાન હતું જેણે ફ્રાંસ સાથેના જોડાણની યોજનાને ફગાવી દીધી હતી; તેથી ફ્રાન્સે ત્યાંથી તમામ વ્યાવસાયિકો અને સનદી સેવકો સહિત ભૌતિક સાધનો ખસેડી લીધાં. આર્થિક રીતે પડી ભાંગવાની ભીતિને લીધે તૂર સમક્ષ સામ્યવાદી દેશોની મદદ મેળવવા સિવાય અન્ય કોઈ રસ્તો ન હતો. તેમણે પશ્ચિમી દેશો પાસેથી પણ મદદની માગણી કરી. જોકે ગિનીના સોવિયેત યુનિયન સાથેના સંબંધો પણ સુંવાળા ન હતા. ગિનીએ આંતરરાષ્ટ્રીય  ક્ષેત્રે પોતાની તટસ્થતા જાળવી રાખી હતી.

આફ્રિકન બાબતોમાં તૂર ઘાનાના પ્રમુખ કવામે નક્રુમા તથા આફ્રિકાની રાજકીય એકતાની યોજનાના ચુસ્ત ટેકેદાર હતા. ઘર-આંગણે, તૂરે ચીનની જેમ 1970ના દાયકામાં ‘સાંસ્કૃતિક ક્રાંતિ’નો આરંભ કર્યો. જોકે તેમણે વર્ગસંઘર્ષના માર્કસવાદી ખ્યાલનો સ્વીકાર કર્યો ન હતો. તૂરના શાસન દરમિયાન ગિનીને પ્રમાણમાં વધુ સ્વતંત્રતા બક્ષવામાં આવી હતી અને દેશ પણ જાતિગત સંઘર્ષોથી મુક્ત હતો. જોકે ગિનીના આર્થિક પછાતપણા માટે સ્થાનિક કાવતરાખોરો જવાબદાર છે એમ તૂરના મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ. તેને પરિણામે તેમનું શાસન વધુ ને વધુ એકાધિકારવાદી બની રહ્યું.

1970ના દાયકાના મધ્યભાગમાં તૂરે અન્ય દેશો સાથેના સંબંધોમાં સમાધાનકારી નીતિ અખત્યાર કરી અને ફ્રાન્સ સાથેના સંબંધો પણ સુધાર્યા. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તૂરની ગણના એક મવાળ (moderate) ઇસ્લામિક નેતા તરીકે  થતી. 1982માં ઈરાન-ઇરાક યુદ્ધ ટાણે ‘ઇસ્લામિક કૉન્ફરન્સ ઑર્ગેનાઇઝેશન’ દ્વારા મધ્યસ્થી કરવા માટે મોકલવામાં આવેલ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તૂરે સંભાળ્યું હતું. વિદ્રેલ (ફ્રાન્સ) ખાતેની ફ્રાંકોઆફ્રિકન શિખર પરિષદમાં તેમણે ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. વળી ‘ઑર્ગેનાઇઝેશન ઑવ્ આફ્રિકન યુનિટી’ (OAU)ના તેઓ એક સક્રિય સભ્ય હતા. ક્લીવલૅન્ડ (ઓહિયો) ખાતે તાકીદના હૃદય-ઑપરેશન દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા.

નવનીત દવે