તુર્કી

પશ્ચિમ એશિયામાં આવેલું પ્રજાસત્તાક રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : 36° 00´ થી 40° 20´ ઉ. અ. અને 26° 00´ પૂ. રે. થી 44° 30´ પૂ.રે. તે એશિયન રાષ્ટ્ર હોવા છતાં તેનો 5 % (23,764 ચોકિમી.) જેટલો પ્રદેશ (પૂર્વ થ્રેસ) દક્ષિણ યુરોપના છેક પૂર્વે છેડે આવેલો છે. તુર્કીનું સૌથી મોટું શહેર ઇસ્તંબુલ યુરોપીય ફળદ્રૂપ ખીણના પ્રદેશમાં આવેલું છે. કુલ 7,80,580 ચોકિમી.નો વિસ્તાર ધરાવતા તુર્કીનો બાકીનો મુખ્ય એશિયન પ્રદેશ (આનાતોલિયા અથવા એશિયા માઇનોર) પહાડી દ્વીપકલ્પ છે જેનો વિસ્તાર 7,55,688 ચોકિમી. જેટલો છે. થોડાક ફળદ્રૂપ પ્રદેશ સિવાય આનાતોલિયાનો મોટાભાગનો પ્રદેશ ડુંગરાળ અને સૂકો છે. તુર્કીની રાજધાની અંકારા આ વિસ્તારમાં આવેલી છે.

વાયવ્યમાં તે બલ્ગેરિયા સાથે જોડાયેલું છે. પશ્ચિમે ગ્રીસ, ઈશાનમાં જૉર્જિયા, પૂર્વમાં આર્મેનિયા, અઝરબૈજાન તથા ઈરાન અને દક્ષિણે સીરિયા તથા ઇરાક આવેલાં છે. તુર્કીની ઉત્તરે કાળો સમુદ્ર, પશ્ચિમે ઇજિયન સમુદ્ર અને દક્ષિણે ભૂમધ્ય સમુદ્ર આવલો છે. ત્રણ જળમાર્ગો બોસ્પરસ (32 કિમી.), મારમારા સમુદ્ર અને ડાર્ડેનલ્સ (64 કિમી.) તુર્કીના આનાતોલિયા પ્રદેશને મુખ્ય યુરોપીય ભૂમિ પર આવેલા તુર્કીના પૂર્વ થ્રેસથી અલગ પાડે છે. તુર્કીના ઇતિહાસ પર વ્યૂહાત્મક ર્દષ્ટિએ મહત્વના એવા આ જળમાર્ગો પર સામુદ્રધુનીઓનો ખૂબ પ્રભાવ પડ્યો છે. આ જળમાર્ગો દ્વારા તુર્કી પૂર્વ ભૂમધ્ય અને કાળા સમુદ્ર પર આવેલી સત્તાઓની જહાજી અવરજવરનું નિયમન કરી શકે છે. તુર્કીની ભૂમિની સરહદો 2628 કિમી.ની છે, જ્યારે દરિયાઈ કિનારો 7168 કિમી.નો છે.

તુર્કીનું ભૌગોલિક સ્થાન

ભૂપૃષ્ઠ : પ્રાકૃતિક રચના પ્રમાણે તુર્કીને આઠ ભાગમાં વહેંચી શકાય : (i) ઉત્તરીય મેદાનોનો પ્રદેશ; (ii) પશ્ચિમી ખીણનો પ્રદેશ; (iii) દક્ષિણનો મેદાની પ્રદેશ; (iv) પશ્ચિમનો ઉચ્ચપ્રદેશ; (v) પૂર્વનો ઉચ્ચપ્રદેશ; (vi) ઉત્તરનો પર્વતીય પ્રદેશ; (vii) દક્ષિણનો પર્વતીય પ્રદેશ; અને (viii) મેસોપોટેમિયાનો નીચાણનો પ્રદેશ.

(1) ઉત્તરીય મેદાનોનો પ્રદેશ : પૂર્વ થ્રેસ અને આનાતોલિયાના કાળા સમુદ્રના કિનારા સુધી વિસ્તરેલી આ ઘાસભૂમિ ખેતી અને પશુપાલન માટે મહત્વની છે. કાળા સમુદ્રના કિનારાના વિસ્તારમાં  ફળો, મકાઈ, તમાકુ વગેરેની ખેતી કરવામાં આવે છે.

(ii) પશ્ચિમી ખીણનો પ્રદેશ : ઇજિયન સમુદ્રના કિનારા સુધી વિસ્તરેલો અને નદીની ખીણોનો બનેલો આ પ્રદેશ તુર્કીનો સૌથી વધારે ફળદ્રૂપ પ્રદેશ છે. અહીં જવ, મકાઈ, ઑલિવ, તમાકુ ઘઉ વગેરેની ખેતી કરવામાં આવે છે.

(iii) દક્ષિણનો મેદાની પ્રદેશ : ભૂમધ્ય કાંઠાના, વિસ્તારમાં આવેલી સાંકડી પટ્ટીના આ પ્રદેશમાં કઠોળ, ખાટાં ફળ, કપાસ અને ઑલિવની ખેતી કરવામાં આવે છે.

(iv) પશ્ચિમનો ઉચ્ચપ્રદેશ : ઉચ્ચ ભૂમિ અને છૂટીછવાઈ નદીની ખીણોનો બનેલો  આ પ્રદેશ મધ્ય આનાતોલિયા સુધી વિસ્તરેલો છે. આ પ્રદેશમાં વરસાદ ખૂબ ઓછો પડે છે. ખીણના વિસ્તારમાં જ્યાં પાણી મળે ત્યાં ખેડૂતો  જવ અને ઘઉંની  ખેતી કરે છે. જ્યાં ખેતી થતી નથી ત્યાં ઘેટાં બકરાં વગેરેનું પાલન કરવામાં આવે છે.

(v) પૂર્વનો ઉચ્ચપ્રદેશ : ઊંચા પર્વતો, ખડકાળ ભૂમિ અને વેરાન મેદાનોનો બનેલો આ પ્રદેશ પશ્ચિમના ઉચ્ચપ્રદેશથી તુર્કીની પૂર્વ સરહદ સુધી વિસ્તરેલો છે. અહીં ઈરાનની સરહદ નજીક આવેલો અને 5137 મીટર ઊંચાઈવાળો તુર્કીનો સૌથી ઊંચો પર્વત, અરારાત આવેલો છે.

(vi) ઉત્તરનો પર્વતીય પ્રદેશ : આ પ્રદેશ ઉત્તરનાં મેદાનો અને આનાતોલિયાના ઉચ્ચ પ્રદેશ વચ્ચે આવેલો છે.

(vii) દક્ષિણનો પર્વતીય પ્રદેશ : આનાતોલિયાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણ ધારે આવેલા પર્વતીય હારમાળાના આ પ્રદેશને લીધે આનાતોલિયાનો ઉચ્ચ પ્રદેશ ભૂમધ્ય સમુદ્રથી તદ્દન અલગ પડી જાય છે.

(viii) મેસોપોટેમિયાનો નીચાણનો પ્રદેશ અગ્નિ આનાતોલિયા : ફળદ્રૂપ મેદાનો અને નદીઓની ખીણના આ પ્રદેશમાં કઠોળ અને ફળની ખેતી કરવામાં આવે છે.

આબોહવા : તુર્કીના જુદા જુદા પ્રદેશોની આબોહવા વિવિધ પ્રકારની છે. થ્રેસ અને આનાતોલિયાના દક્ષિણ તેમજ પશ્ચિમ કિનારાના પ્રદેશમાં શિયાળો પ્રમાણમાં નરમ અને વરસાદવાળો હોય છે, જ્યારે ઉનાળો સૂકો અને ગરમ હોય છે. ઇજિયન કિનારાના પ્રદેશમાં ઉનાળાનું તાપમાન 32° સે. થી ઉપર જાય છે; જ્યારે કાળા સમુદ્ર વિસ્તારના પ્રદેશમાં ઉનાળામાં ગરમીનું પ્રમાણ ખૂબ ઓછું એટલે સરેરાશ 22° સે. જેટલું હોય છે. એજિયન અને ભૂમધ્ય વિસ્તારના કિનારાના પ્રદેશોમાં વાર્ષિક વરસાદ 500 મિમી.થી 750 મિમી. વચ્ચે પડે છે, જ્યારે કાળા સમુદ્રના કિનારાના પ્રદેશમાં વરસાદ 2500 મિમી. થી વધારે પડે છે. ઈશાન તુર્કીમાં ઉનાળો નરમ હોય છે, પરંતુ શિયાળામાં ખૂબ ઠંડી પડે છે જે ક્યારેક – 40° સે. સુધી પહોંચે છે. અગ્નિ તુર્કી અને આનાતોલિયાના અંદરના પ્રદેશોમાં શિયાળામાં ભારે હિમપાત થાય છે, જ્યારે ઉનાળાનું હવામાન તદ્દન સૂકું અને ગરમ હવાવાળું હોય છે.

ભૂમધ્ય સમુદ્રકિનારે ગિરિમાળાથી છવાયેલી તુર્કીની સીમા – એક ર્દશ્ય

જળસંપત્તિ, વનસ્પતિ અને પશુપંખી જીવન : પશ્ચિમ એશિયાના બાકીના વિસ્તારની તુલનામાં તુર્કી પાસે, આનાતોલિયાના ઉચ્ચ પ્રદેશ સિવાય, પ્રમાણમાં સારા જળભંડાર છે; પરંતુ આબોહવા, ભૂ-રચના તથા પ્રણાલીગત રીતે થતા જમીનના ઉપયોગ અને આર્થિક વિકાસના અભાવે સરકારના પ્રયાસો છતાં જળસંપત્તિનો પૂરતો ઉપયોગ થઈ શક્યો નથી.

પ્રાદેશિક વિવિધતાની અસર વનસ્પતિ પર પડેલી જોવા મળે છે. દક્ષિણ કિનારાનો પ્રદેશ, એજિયન તેમજ મારમારા સમુદ્રના પ્રદેશના કેટલાક ભાગોમાં ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. જ્યારે આનાતોલિયા અને આર્મેનિયાના ઉચ્ચ પ્રદેશના અર્ધ સૂકા વિસ્તારોની વનસ્પતિ સ્ટેપ પ્રદેશની વનસ્પતિ જેવી છે. પૂર્વ તુર્કીમાં નાના છોડ, ટૂંકું ઘાસ અને કુંઠિત ઝાડી જોવા મળે છે.

યુરોપ અને એશિયા વચ્ચે કડીરૂપ એવા તુર્કીમાં વન્ય પ્રાણીના મિશ્ર પ્રકારો જોવા મળે છે; જેમાં જંગલી બિલાડી, વરુ, રીંછ, શિયાળ, લોંકડી, હરણ, ચીતળ, જંગલી સૂવર વગેરે મુખ્ય છે. મોટાં પક્ષીઓમાં વિવિધ પ્રકારનાં ગીધ જોવા મળે છે. ઉપરાંત તિલોર, તેતર અને લાંબી લાલ ચાંચવાળા બગલા પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.

અર્થતંત્ર (ખેતી અને ઉદ્યોગો) : તુર્કીનું અર્થતંત્ર વિકસતું અર્થતંત્ર છે. 1920ના દાયકામાં નવું પ્રજાસત્તાક સ્થપાયું તે વખતે દેશનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો. ખેતી માટે તુર્કીનો સૌથી વધારે ફળદ્રૂપ પ્રદેશ કિનારાના પ્રદેશોનો છે. અહીં કપાસ, તમાકુ તથા વિવિધ પ્રકારનાં ફળો વગેરે સહિત રોકડિયા પાકનું વાવેતર કરવામાં આવે છે, જ્યારે આનાતોલિયાના સૂકા ઉચ્ચ પ્રદેશમાં કઠોળ, ઘઉં, જવ, મકાઈ વગેરેનું વાવેતર કરવામાં આવે છે; ઉપરાંત પશુપાલન કરવામાં આવે છે અને ઊનનું ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થાય છે. વખતોવખત પડતા દુષ્કાળની ખેતી પર ભારે અસર થાય છે. એકંદરે તુર્કી પોતાની જરૂરિયાતના અનાજનું ઉત્પાદન કરે છે અને તમાકુની નિકાસ પણ કરે છે. તુર્કિશ લીરા તેનું ચલણ છે.

ઉદ્યોગક્ષેત્રે તુર્કીમાં 1923માં 118 કારખાનાં સ્થપાયેલાં હતાં. 1941માં તેની સંખ્યા વધીને 1000 જેટલી થઈ. જ્યારે 1992 સુધીમાં વિવિધ પ્રકારનાં કારખાનાંની સંખ્યા 30,000થી પણ વધારે થઈ છે. 1950 અને 1960ના દાયકાઓ દરમિયાન તુર્કીમાં ઝડપી ઉદ્યોગીકરણ થયું. ઇસ્તંબુલ અને ઇઝમીર જેવાં શહેરોની નજીક મોટાં કારખાનાં સ્થાપવામાં આવ્યાં છે. આ બંને શહેરો અને નજીકના મારમારા તથા એજિયન પ્રાંતોમાં સ્થપાયેલા ઉદ્યોગો તુર્કીના 75 ટકા જેટલા ઔદ્યોગિક ઉત્પાદનને આવરી લે છે. આ ઉપરાંત બીજાં મહત્વનાં ઔદ્યોગિક કેન્દ્રોમાં અંકારા, કુકુરોવા પ્રદેશ અને કાળા સમુદ્ર પર આવેલો ઝોંગુલ્ડાકનો વિસ્તાર છે. અહીં કોલસાની ખાણો તથા પોલાદનાં કારખાનાં આવેલાં છે.

તુર્કી પાસે સારા પ્રમાણમાં ખનિજસંપત્તિ છે; જેમાં લિગ્નાઇટ, કોલસો, ક્રોમાઇટ ઉપરાંત બૉક્સાઇટ,  તાંબું, લોખંડ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે; પરંતુ ખાણઉદ્યોગનો પૂરતો વિકાસ થયો નથી. 1960 પછી તેલ-શુદ્ધીકરણનાં કારખાનાં સ્થપાયાં હોવાથી પેટ્રોલિયમની પેદાશ વધી છે.

તુર્કીના અન્ય ઉદ્યોગોમાં પૅક કરાયેલાં ફળો અને પીણાંનું ઉત્પાદન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આ ઉપરાંત કાપડ, રાસાયણિક ખાતર વગેરેનું ઉત્પાદન પણ ઠીક ઠીક પ્રમાણમાં થાય છે.

વાહનવ્યવહાર તથા સંદેશાવ્યવહાર : રાજ્યહસ્તકના લગભગ 8000 કિમી.થી પણ વધારે રેલમાર્ગ દ્વારા તુર્કી યુરોપીય દેશો તથા સીરિયા અને ઈરાન સાથે સીધું જોડાયેલું છે. તુર્કીનાં બધાં  મહત્વનાં નગરો અને કસ્બાઓ પાકી સડકથી જોડવામાં આવ્યાં છે. મોટાં શહેરો વિમાનીસેવાથી જોડાયેલાં છે. ઇસ્તંબુલ અને ઇઝમીર તુર્કીનાં મુખ્ય બંદરો છે.

લોકો : 7,37,22,988 (2010 મુજબ)ની વસ્તી ધરાવતા તુર્કીના પ્રજાસત્તાક રાજ્યમાં 85 % જેટલા લોકો એશિયન તુર્ક જાતિના છે. 10.6 % જેટલી વસ્તી ધરાવતી અને પર્વતીય પ્રદેશમાં રહેતી કુર્દ પ્રજા તુર્કીની લઘુમતીઓમાં સૌથી મોટી છે. આ ઉપરાંત 1.6 % જેટલા આરબ અને 2 % જેટલી અન્ય જાતિઓ છે. લગભગ 48 % જેટલા લોકો શહેરો કે કસ્બાઓમાં રહે છે; જ્યારે 52 % જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે.

ભાષા : ત્યાંની કુલ વસ્તીના 90 %થી પણ વધારે લોકો તુર્કી ભાષા બોલે છે, 6 % જેટલા લોકો કુર્દ ભાષા અને બાકીના અરબી, ગ્રીક કે અન્ય ભાષા બોલે છે. 1920ના દાયકા દરમિયાન સરકારે આધુનિક તુર્કી ભાષાના વિકાસ પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું. તે પહેલાં લોકો લેખિત ભાષા તરીકે અરબી લિપિ અને ઑટોમન તુર્કભાષાનો ઉપયોગ કરતા. અરબી અને ફારસી શબ્દોથી મિશ્રિત આ અઘરી ભાષાનો લેખન માટે ઉપયોગ માત્ર વિદ્વાનો અને રાજ્યકર્તા વર્ગ દ્વારા કરવામાં આવતો.

1928માં સરકારે અરબી લિપિને સ્થાને નવી સરળ લિપિની શરૂઆત કરી, અને મોટાભાગના વિદેશી શબ્દો તુર્કી ભાષામાંથી દૂર કરવામાં આવ્યા.

ધર્મ : તુર્કીનો કોઈ રાજ્યધર્મ નથી; પરંતુ 99.2 % જેટલા લોકો સુન્ની મુસ્લિમ છે. બંધારણ હેઠળ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. થોડાક લોકો વિવિધ ખ્રિસ્તી સંપ્રદાયના અનુયાયીઓ છે.

શિક્ષણ : ત્યાંના લગભગ 88.7 % જેટલા લોકો લખીવાંચી શકે છે. ગ્રામ-વિસ્તારમાં હજી નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. સરકાર તેના અંદાજપત્રની 10 % જેટલી રકમ શિક્ષણ પાછળ ખર્ચે છે. પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં તે શક્ય બન્યું નથી. ઉચ્ચશિક્ષણ માટે તુર્કીમાં 25 જેટલાં વિશ્વવિદ્યાલયો છે. 1453માં સ્થપાયેલું ઇસ્તંબુલનું વિશ્વવિદ્યાલય સૌથી જૂનું અને મોટું છે. તુર્કી તેનાં ઇસ્તંબુલ અને અંકારાનાં સમૃદ્ધ સંગ્રહસ્થાનો માટે પ્રખ્યાત છે. અંકારામાં 60,00,000 ગ્રંથો ધરાવતું પુસ્તકાલય છે.

સ્થાપત્ય અને કળાકારીગરી : તુર્કીનું સૌથી મોટું સાંસ્કૃતિક પ્રદાન સ્થાપત્યકળામાં છે. ઇસ્તંબુલમાં ઈ. સ. 500ની આસપાસ બંધાયેલું હેજિયા સોફિયાનું દેવળ બિઝોન્ટિન સ્થાપત્યકળાનો શ્રેષ્ઠ નમૂનો છે. તે સમયે તુર્કી બિઝોન્ટિન સામ્રાજ્યનો ભાગ હતું. તેરમી સદી દરમિયાન આનાતોલિયાના પ્રદેશમાં ઈરાની અને અરબી સ્થાપત્યશૈલીની સુંદર મસ્જિદો બાંધવામાં આવી હતી. પંદરમી તથા સોળમી સદી દરમિયાન જ્યારે ઑટોમન સામ્રાજ્ય તેની ટોચે હતું, તે સમયે ત્યાં કેટલાંક ઉત્કૃષ્ટ પ્રકારનાં મહાલયો બાંધવામાં આવ્યાં હતાં. ઇસ્તંબુલમાં બંધાયેલી સુલેમાન-1ની મસ્જિદ દુનિયાની સુંદર મસ્જિદોમાંની એક ગણાય છે.

સેંકડો વર્ષોથી તુર્કી તેના સિરૅમિક હસ્તઉદ્યોગ માટે પ્રખ્યાત છે. અહીં સુંદર તાસક, કટોરા વગેરે બનાવવામાં આવે છે. ઘણા મહેલો અને મસ્જિદોને શણગારવા  માટે રંગીન સિરૅમિક ટાઇલ્સ ઉપરાંત સોનું અને વિવિધરંગી કાચના ટુકડા જડેલા ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. તુર્કી વણકરો તેમના ધાબળા, ગાલીચા, શાલ તેમજ ટુવાલના ઉત્પાદન માટે જાણીતા છે.

સરકાર : તુર્કીમાં પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા – 1982ના બંધારણ મુજબ ત્યાં સંસદીય સ્વરૂપની સરકાર સ્થાપવામાં આવી છે, જેમાં પ્રમુખ, વડાપ્રધાન તથા પ્રધાનમંડળ ઉપરાંત ‘તુર્કીશ ગ્રાંડ નૅશનલ ઍસેમ્બ્લી’ તરીકે ઓળખાતી ધારાસભાનો સમાવેશ થાય છે. નવા બંધારણ મુજબ 1983માં ધારાસભાના 450 સભ્યોની પ્રમાણસર પ્રતિનિધિત્વની પ્રથા હેઠળ પ્રથમ ચૂંટણી કરવામાં આવી હતી. 29 ઑક્ટોબર, 1923 તેનો સ્વાતંત્ર્યદિન છે. પ્રમુખ સાત વર્ષની મુદત માટે ચૂંટાય છે. તેમની ચૂંટણી ત્યાંની પાર્લમેન્ટ કરે છે. તુર્કીશ ગ્રાન્ડ નૅશનલ ઍસેમ્બ્લી તેની પાર્લમેન્ટ છે જે 550 સભ્યો ધરાવે છે. 18થી ઉપરના નાગરિકોનો સાર્વત્રિક મતાધિકાર પ્રવર્તે છે.

તુર્કીને 67 વહીવટી પ્રાંતોમાં વિભાજવામાં આવ્યું છે. દરેક પ્રાંતમાં પ્રમુખ દ્વારા નિયુક્ત ગવર્નર અને લોકો દ્વારા ચૂંટાયેલ કાઉન્સિલનો સમાવેશ થાય છે. મુખ્ય રાજકીય પક્ષોમાં ટ્રૂ પાથ પક્ષ, મધરલૅન્ડ પક્ષ અને 1995ની ચૂંટણીમાં સરસાઈ ભોગવતો વેલફેર પક્ષ છે.

ઇતિહાસ : પુરાતત્વવિદોએ અત્યારના તુર્કીના પ્રદેશમાં ઈ. સ. પૂ. 6000ના સમયની સંસ્કૃતિના અવશેષો શોધી કાઢ્યા છે. અહીં સૌપ્રથમ હિટ્ટાઇટ નામની પ્રજાનો ઉલ્લેખ મળે છે.

ઈ. સ. પૂ. 2000ની આસપાસ આ પ્રજા મધ્ય એશિયા કે યુરોપમાંથી મધ્ય આનાતોલિયામાં આવી હતી. ત્યાર પછી થોડા સૈકાઓ દરમિયાન હિટ્ટાઇટોએ મોટાભાગનો આનાતોલિયા તથા મેસોપોટેમિયા તથા સીરિયાના કેટલાક ભાગો પર કબજો જમાવ્યો. ઈ. સ. પૂ. 1850ની આસપાસ તેમણે પશ્ચિમ એશિયામાં શક્તિશાળી સામ્રાજ્ય સ્થાપ્યું.

ઈ. સ. પૂ. 1200થી ઈ. સ. પૂ. 500 દરમિયાન આનાતોલિયા પ્રદેશ પર ફ્રીજિયન, લિડિયન અને બીજી પ્રજાઓએ કબજો જમાવ્યો. આ સમય દરમિયાન આનાતોલિયાના એજિયન કિનારાના વિસ્તારમાં ગ્રીકોએ નગર રાજ્યો સ્થાપ્યાં હતાં. ઈ. સ. પૂ. 550થી ઈ. સ. પૂ. 513 વચ્ચે આનાતોલિયા અને થ્રેસ પર ઈરાની સામ્રાજ્યે સત્તા સ્થાપી. મેસેડોનિયાના રાજવી મહાન ઍલેક્ઝાન્ડરે ઈ. સ. પૂ. 331માં ઈરાની લશ્કરોને હરાવીને આ વિસ્તાર પર પોતાનો અંકુશ સ્થાપ્યો. ઍલેક્ઝાન્ડરના મૃત્યુ (ઈ. સ. પૂ. 323) પછી આનાતોલિયા વિસ્તારમાં સત્તા સ્થાપવા માટે નાનાં નાનાં રાજ્યો વચ્ચે યુદ્ધો ચાલુ રહ્યાં, છેવટે ઈ. સ. પૂ. 63માં રોમન સેનાની પૉમ્પીએ આ વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી. રોમન સામ્રાજ્ય હેઠળ આનાતોલિયામાં લગભગ 400 વર્ષ સુધી શાંતિ જળવાઈ.

ઈ. સ. 330માં રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને રોમન સામ્રાજ્યની રાજધાની રોમથી ખસેડીને થ્રેસમાં આવેલા બિઝેન્ટિયમના પ્રાચીન શહેરમાં સ્થાપી અને બિઝેન્ટિયમનું નવું નામ કૉન્સ્ટૅન્ટિનોપલ (કૉન્સ્ટૅન્ટાઇનનું નગર) રાખવામાં આવ્યું. ઈ. સ. 395માં રોમન સામ્રાજ્યને બે ભાગ : પૂર્વ રોમન સામ્રાજ્ય (આનાતોલિયા અને થ્રેસનો વિસ્તાર) અને પશ્ચિમ રોમન સામ્રાજ્યમાં વિભાજિત કરવામાં આવ્યું.

તુર્કીમાં તુર્ક જાતિના શાસકો મધ્ય એશિયાના મુસ્લિમ હતા. સેલ્જુક નામના સરદારની રાહબરી  હેઠળ તેમણે દસમી સદીમાં અફઘાનિસ્તાનની ઉત્તરે આવેલા ટ્રાન્સઑક્સિઆનામાં વસવાટ કર્યો. ત્યારથી તે સેલ્જુક તુર્ક તરીકે ઓળખાયા. અગિયારમી સદીની મધ્યમાં તેમણે આર્મેનિયા, પૅલેસ્ટાઇન તેમજ ઈરાનના કેટલાક પ્રદેશ પર કબજો જમાવ્યો. ત્યાર પછી તેમણે આનાતોલિયા પર આક્રમણ કર્યું. 1071માં તેમણે બિઝેન્ટિન સૈન્યને હરાવીને મોટાભાગના પ્રદેશમાંથી બિઝેન્ટિન સત્તા નાબૂદ કરી. તેમણે ઇકોનિયમ(અત્યારનું કોન્યા)માં રાજધાની સ્થાપીને રાજ્યનો વિસ્તાર કર્યો. ત્યારથી આનાતોલિયા પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મ અને ગ્રીક ભાષાને સ્થાને ઇસ્લામ ધર્મ અને તુર્કી ભાષાનો ફેલાવો થયો. તુર્કોને પેલેસ્ટાઇનની ભૂમિમાંથી હાંકી કાઢવા માટે પશ્ચિમ યુરોપના ખ્રિસ્તી રાજવીઓ તથા સામંતોએ ધર્મરક્ષક યુદ્ધો કર્યાં. પ્રથમ ધર્મરક્ષક યુદ્ધ દરમિયાન (1096–1099) ખ્રિસ્તી સૈનિકોએ પશ્ચિમ આનાતોલિયાના ત્રીજા ભાગ પર ફરી અંકુશ સ્થાપ્યો; પરંતુ ત્યાર પછી તેમણે પોતાનું બધું ધ્યાન પૅલેસ્ટાઇન જીતવા પર કેન્દ્રિત કર્યું. તેથી 1243 સુધી સેલ્જુક સામ્રાજ્ય ટકી રહ્યું. એ જ વર્ષે મૉંગોલ આક્રમણ સામે તેની હાર થઈ. 1326માં ઑટોમન (ઓસ્માની) તુર્ક તરીકે ઓળખાતા તુર્કોએ આનાતોલિયામાં બર્સ શહેર પર કબજો જમાવ્યો. ઑટોમન તુર્કોએ બુર્સને પોતાની રાજધાની બનાવી. ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં ઑટોમન તુર્કોએ પશ્ચિમ આનાતોલિયાનો બે-તૃતીયાંશ જેટલો વિસ્તાર, થ્રેસ અને ગ્રીસ સહિત બાલ્કન, દ્વીપકલ્પનો મોટો ભાગ જીતી લીધો હતો.

1453માં ઑટોમન તુર્કોએ કૉન્સ્ટૅન્ટિનોપલ જીતી લીધું તેની સાથે બિઝેન્ટિન સામ્રાજ્યનો અંત આવ્યો. તુર્કોએ કૉન્સ્ટૅટિનોપલને ‘ઇસ્તંબુલ’ નામ આપીને તેને સામ્રાજ્યની રાજધાની બનાવી. 1481 સુધીમાં તેમનું સામ્રાજ્ય યુરોપમાં ડેન્યૂબ નદીથી દક્ષિણ આનાતોલિયા સુધી વિસ્તર્યું. સોળમી સદીમાં ઑટોમન સામ્રાજ્ય તેની ટોચે પહોચ્યું. 1516માં તેમણે સીરિયા અને 1517માં ઇજિપ્ત પર અંકુશ સ્થાપ્યો. યુરોપમાં ખૂબ ખ્યાતિ પામેલા ઑટોમન શાસક સુલેમાન-1ના શાસન દરમિયાન(1520–1566) તેનાં સૈન્યોએ હંગેરી જીત્યું (1526). 1529માં તેમણે ઑસ્ટ્રિયા પર આક્રમણ કર્યું; પરંતુ વિયેના પર કબજો જમાવવામાં તેઓ નિષ્ફળ ગયાં. સુલેમાન-1ના સામ્રાજ્યની સરહદો દક્ષિણે યમન, પશ્ચિમે મોરોક્કો અને પૂર્વમાં ઈરાન સુધી વિસ્તરી.

સુલેમાન-1ના મૃત્યુ પછી ઑટોમન સામ્રાજ્યની પડતીની શરૂઆત થઈ. 1571માં તુર્કી નૌકાદળને ગ્રીસ નજીક યુરોપીય નૌકાદળોએ હાર આપી. 1683માં બીજી વાર વિયેના પર કબજો જમાવવામાં તુર્કો નિષ્ફળ ગયા. અઢારમી સદી દરમિયાન ઑટોમન સામ્રાજ્ય વધારે નબળું પડતું ગયું. 1774માં રશિયા સાથે 6 વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં તુર્કીની હાર થઈ. 1783માં કાળા સમુદ્રનો ક્રિમિયાનો પ્રદેશ પણ તુર્કીએ રશિયાને આપી દેવો પડ્યો.

ઓગણીસમી સદી દરમિયાન ઑટોમન સામ્રાજ્ય ‘યુરોપના માંદા માણસ’ તરીકે ઓળખાયું. આ સમય દરમિયાન તેણે વધારે પ્રદેશો ગુમાવ્યા. 1821માં ગ્રીસે તુર્કી સામે બળવો કર્યો અને યુરોપીય સત્તાઓની મદદથી 1829માં તુર્કીએ ગ્રીસની સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો. 1830માં ફ્રાંસે ઑટોમન તુર્કીના અંકુશ હેઠળના અલ્જિરિયા પર કબજો જમાવ્યો. રશિયા સાથેના ઘર્ષણમાં તુર્કીએ વધારે પ્રદેશો ગુમાવ્યા. પરંતુ 1878ની બર્લિનની કૉંગ્રેસમાં રશિયાએ તુર્કી પાસેથી પ્રાપ્ત કરેલા કેટલાક પ્રદેશો તેને પાછા આપવા પડ્યા. 1878માં બ્રિટને ઑટોમન સામ્રાજ્ય પાસેથી સાયપ્રસ અને 1882માં ઇજિપ્ત મેળવ્યાં, જ્યારે ફ્રાંસે 1881માં ટ્યૂનિશિયા પડાવી લીધું.

ઑટોમન નેતાઓએ સામ્રાજ્ય નબળું પડતું અટકાવવા માટે વહીવટી તેમજ લશ્કરી સુધારાનો કાર્યક્રમ હાથ ધર્યો. શિક્ષણપદ્ધતિમાં પણ ફેરફારો કરવામાં આવ્યા. 1876માં નવા શાસક અબ્દુલ હમીદ બીજાએ પશ્ચિમી સત્તાઓની સહાનુભૂતિ મેળવવા માટે લોકશાહી બંધારણ જાહેર કર્યું. પરંતુ બીજે વર્ષે (1877) તેણે બંધારણને બાજુએ મૂકી બધી સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરીને ભયનું વાતાવરણ સર્જ્યું. ધાર્મિક લઘુમતીઓના બળવા સામે કડક પગલાં લેવામાં આવ્યાં. પ્રબળ રાષ્ટ્રવાદી ભાવનાવાળી આર્મેનિયન ખ્રિસ્તી લઘુમતીઓ સામે 1894 અને 1918 વચ્ચે દમનની નીતિ અખત્યાર કરવામાં આવી.

1890 પછી યુરોપના ઉદારવાદી અને રાષ્ટ્રવાદી વિચારોના પ્રભાવ હેઠળ તુર્ક વિદ્યાર્થીઓ અને યુવાન લશ્કરી અધિકારીઓનાં નાનાં જૂથોએ અબ્દુલ હમીદ-2ની દમનખોર નીતિ સામે ગુપ્ત રીતે સંગઠિત થઈને વિરોધ કરવાની શરૂઆત કરી, આ જૂથોમાં લશ્કરી અધિકારીઓનું બનેલું ‘યુવા તુર્ક’ (young turks) તરીકે જાણીતું જૂથ સૌથી વધારે સક્રિય હતું. 1908માં ‘યુવા તુર્કો’એ અબ્દુલ હમીદ બીજા સામે લશ્કરી બળવો કર્યો, અને 1876ના બંધારણની પુન:સ્થાપના માટે તેને ફરજ પાડી. થોડા સમયમાં સુલતાને આ બંધારણને ઉથલાવી પાડવાનો પ્રયાસ કરતાં તેને 1909માં પદભ્રષ્ટ કરવામાં આવ્યો અને તેને સ્થાને તેના ભાઈ મહમ્મદ-5ને બંધારણીય રાજવી તરીકે બેસાડવામાં આવ્યો. ‘યુવા તુર્કો’ની મહત્વાકાંક્ષા ઑટોમન સામ્રાજ્યની પ્રતિષ્ઠાનું પુન:સ્થાપન કરવાની હતી. પરંતુ સામાન્ય પ્રજાને તેમાં રસ ન હતો. બીજી બાજુ સામ્રાજ્યના બાલ્કન વિસ્તારની ખ્રિસ્તી લઘુમતીઓ તુર્ક શાસનથી સ્વતંત્ર થવા માગતી હતી. 1908ની ક્રાંતિ પછી બલ્ગેરિયા સ્વતંત્ર થઈ ગયું અને ઑસ્ટ્રિયાએ બોસ્નિયા પર કબજો જમાવ્યો. ઇટાલીએ ઉત્તર આફ્રિકામાં લિબિયા પર અંકુશ સ્થાપ્યો. 1913માં ઑટોમન સામ્રાજ્યે ક્રીટ, મેસિડોનિયાનો ભાગ, દક્ષિણ એપિરસ અને કેટલાક એજિયન ટાપુઓ ગ્રીસને આપ્યા. 1914 સુધીમાં પૂર્વ થ્રેસ સિવાય તેના અંકુશ હેઠળ કોઈ યુરોપીય પ્રદેશ ન રહ્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તુર્કીનું ઑટોમન સામ્રાજ્ય જર્મની તથા ઑસ્ટ્રિયા હંગેરીને પક્ષે જોડાયું હતું. યુદ્ધમાં જર્મની અને તુર્કી સહિત તેની સાથી સત્તાઓની હાર થઈ. પરંતુ યુદ્ધ દરમિયાન જ ગુપ્ત સંધિઓ દ્વારા બ્રિટન, ફ્રાંસ, રશિયા વગેરે સત્તાઓએ ઑટોમન સામ્રાજ્યના કેટલાક પ્રદેશો પર અંકુશ જમાવવા અંગે સમજૂતી કરી હતી. 1916માં અરબસ્તાન પરની ઑટોમન સામ્રાજ્યની સત્તાનો અંત આવ્યો. આમ યુદ્ધના અંત વખતે (નવેમ્બર, 1918) ઑટોમન સામ્રાજ્યનું વિઘટન થઈ ચૂક્યું હતું. આનાતોલિયા પર પણ તેનો અંકુશ નામનો રહ્યો હતો. મે, 1919માં ગ્રીક લશ્કરોએ વિજેતા સત્તાઓના નૌકાદળના રક્ષણ હેઠળ આનાતોલિયાના ઇઝમીર (સ્મિર્ના) બંદર પર કબજો જમાવ્યો અને ત્યાર પછી આનાતોલિયામાં આગેકૂચ કરી. માતૃભૂમિની સુરક્ષા અંગે ઑટોમન સરકારની અશક્તિને લીધે તુર્ક પ્રજાનું  સ્વમાન ઘવાયું. આવા સંજોગોમાં મુસ્તફા કમાલ પાશા નામના લશ્કરી અધિકારીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય આંદોલને વેગ પકડ્યો. કમાલ પાશાએ સપ્ટેમ્બર, 1919માં સિવાસમાં નવી કામચલાઉ રાષ્ટ્રીય સરકારની સ્થાપના કરી. એપ્રિલ, 1920માં રાષ્ટ્રીય સંગઠનને ઉપક્રમે અંકારામાં તુર્કીની રાષ્ટ્રીય મહાસભા (ગ્રાંડ નૅશનલ ઍસેમ્બલી) મળી, તેમાં કમાલ પાશાને પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યો.

ઑગસ્ટ, 1920માં સુલતાનની સરકારે વિજેતા સત્તાઓ સાથે સેવ્રેની સંધિ કરી. આ સંધિની કઠોર શરતો હેઠળ ઑટોમન સામ્રાજ્યના કેટલાક પ્રદેશો સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યા. જ્યારે બીજા કેટલાક પ્રદેશો યુદ્ધ દરમિયાનની ગુપ્ત સંધિઓ હેઠળ વિજેતા સત્તાઓને સુપરત કરવામાં આવ્યા. સુલતાનના કબજા હેઠળ હવે માત્ર ઇસ્તંબુલ શહેર અને આનાતોલિયાનો થોડોક પ્રદેશ રહ્યો. આ સંધિને લીધે તુર્ક પ્રજામાં સુલતાન અપ્રિય બન્યો. અને કમાલ પાશાના નેતૃત્વ હેઠળ સ્થપાયેલી કામચલાઉ રાષ્ટ્રીય સરકારની લોકપ્રિયતા વધી. સપ્ટેમ્બર, 1922 સુધીમાં કમાલ પાશાના  નેતૃત્વ હેઠળનાં રાષ્ટ્ર્વાદી લશ્કરોએ ગ્રીક સૈન્યોને આનાતોલિયાની ભૂમિમાંથી હાંકી કાઢ્યાં. રાષ્ટ્રીય મહાસભા(ગ્રાંડ નેશનલ ઍસેમ્બલી)એ સુલતાનપદ નાબૂદ કર્યું અને નવી સરકારે જુલાઈ, 1923માં ફરીથી લોઝાન મુકામે વિજેતા સત્તાઓ સાથે સંધિ કરી. લોઝાનની આ સંધિ હેઠળ  વર્તમાન તુર્કીની નવી સરહદો સ્થાપવામાં આવી.

29 ઑક્ટોબર, 1923ને દિવસે રાષ્ટ્રીય મહાસભાએ તુર્કીને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કર્યું, અને મુસ્તફા કમાલ પાશાને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યો. એપ્રિલ, 1924માં રાષ્ટ્રીય મહાસભાએ અંકારામાં કમાલ પાશાના માર્ગદર્શન હેઠળ નવા લોકશાહી બંધારણને બહાલી આપી. પ્રમુખીય પદ્ધતિ હેઠળના આ બંધારણમાં બધા નાગરિકોને કાનૂની સમાનતા ઉપરાંત, વાણી, વિચાર અને અખબારી સ્વાતંત્ર્યને લગતા અધિકારો આપવામાં આવ્યા. વીસી અને ત્રીસીના દાયકાઓ દરમિયાન પ્રજાસત્તાક તુર્કીની સરકારે તુર્કીના રાજકીય, સામાજિક તેમજ સાંસ્કૃતિક જીવનમાં મહત્વનાં પરિવર્તન આણ્યાં.

1927, 1931 અને 1935માં ચૂંટણીઓ કરવામાં આવી. દરેક વખતે મુસ્તફા કમાલ પાશા પ્રમુખ તરીકે ચૂંટાયો.  આ સમય દરમિયાન કમાલ પાશાના એકચક્રી શાસન હેઠળ એકમાત્ર રાજકીય પક્ષ, ‘રિપબ્લિકન પીપલ્સ પાર્ટી’ વધારે સક્રિય હતો. માત્ર થોડા સમય માટે બે વિરોધ પક્ષો સ્થપાયા હતા; પરંતુ કમાલ પાશાએ તેમને વિખેરી નાંખવાની ફરજ  પાડી. 1931ની ચૂંટણી વખતે કમાલ પાશાએ 6 મુદ્દાનો  કાર્યક્રમ જાહેર કર્યો, જેમાં પ્રજાસત્તાકવાદ, ધર્મનિરપેક્ષતા, પ્રજાવાદ, રાષ્ટ્રવાદ, રાજ્યવાદ અને નિરંતર સુધારાની પ્રક્રિયા વગેરેનો સમાવેશ થતો હતો. 1937ના બંધારણમાં આ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.

ધર્મને રાજ્યથી અલગ પાડવા માટે સુલતાન મહમદ-6ને પદભ્રષ્ટ કર્યા પછી ખલીફનું પદ નાબૂદ કરવામાં આવ્યું. 1926માં મુસ્લિમ કાનૂનને સ્થાને સ્વિસ નાગરિક વિધાન સંહિતા દાખલ  કરવામાં આવી, અને 1928માં ઇસ્લામને રાજ્યધર્મ તરીકે નાબૂદ કરવામાં આવ્યો. બહુપત્નીત્વનો રિવાજ તેમજ પર્દાપદ્ધતિ નાબૂદ કરવામાં આવી. બધા નાગરિકો માટે કૌટુંબિક નામ કે અટક રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. રાષ્ટ્રીય મહાસભાએ કમાલ પાશાને આતાતુર્ક – રાષ્ટ્રપિતા તરીકે જાહેર કર્યા. તેથી આતાતુર્ક તેમની અટક બની ગઈ. જાહેરમાં મુસ્લિમ રીતરિવાજ તથા પહેરવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. શુક્રવારને બદલે રવિવારને અઠવાડિક રજાનો દિવસ જાહેર કરવામાં આવ્યો અને ગ્રેગેરિયન કૅલેન્ડર અપનાવવામાં આવ્યું. કન્યાકેળવણી સહિત આધુનિક શિક્ષણને ખાસ ઉત્તેજન આપવામાં આવ્યું. અરબી લિપિને સ્થાને રોમન લિપિ દાખલ કરવામાં આવી. 1938 સુધીમાં તો તુર્કી બિનસાંપ્રદાયિક રાજ્ય બની ગયું.

આતાતુર્ક કમાલ પાશાએ રાજકીય સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરી હતી. 1938માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ તુર્કીના પ્રમુખ તરીકે રહ્યા હતા. ત્યાર પછી ઇસ્મત ઈનોનુ તુર્કીના નવા પ્રમુખ બન્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે તુર્કીએ તટસ્થતાની નીતિ અખત્યાર કરી, પરંતુ જર્મનીની હાર નિશ્ચિત થતાં તે ફેબ્રુઆરી, 1945માં યુદ્ધમાં સામેલ થયું અને એ જ વર્ષે તે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયું.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘે પૂર્વ તુર્કી પર અંકુશ સ્થાપવાની માગણી કરી. તે સામુદ્રધુનીઓના વિસ્તારમાં લશ્કરી મથકો સ્થાપવા માગતું હતું, તેથી તુર્કી સાથે ઘર્ષણ પેદા થયું. આ સંજોગોમાં તુર્કીએ પશ્ચિમી સત્તાઓની મદદની માગણી કરી. 1947માં યુ.એસ.એ.ના પ્રમુખ ટ્રુમેને સામ્યવાદના પ્રસારને અટકાવવા માટે જાહેર કરેલા ‘ટ્રુમેન સિદ્ધાંત’ હેઠળ તુર્કીને આર્થિક તેમજ લશ્કરી સહાય આપવામાં આવી. તેના બદલામાં તુર્કીએ યુ.એસ.એ.ને પોતાના પ્રદેશમાં લશ્કરી મથકો સ્થાપવાની છૂટ આપી. ઠંડા યુદ્ધના સમય દરમિયાન તુર્કી પશ્ચિમી સત્તાઓ અને ઈરાન તેમજ પાકિસ્તાન સાથે લશ્કરી કરારોમાં જોડાયું હતું.

તુર્કીમાં પ્રજાસત્તાક તંત્રની સ્થાપના થઈ ત્યારથી 1950 સુધી આતાતુર્ક કમાલ પાશાએ સ્થાપેલી (1923) ‘રિપબ્લિકન પીપલ્સ પાર્ટી’ની સરકાર રચાયેલી હતી; પરંતુ એ વર્ષ (1950) ‘ડેમૉક્રેટિક પાર્ટી’ સત્તા પર આવી અને અડ્નાન મેન્ડરેસ વડોપ્રધાન થયો. ડેમૉક્રેટિક પાર્ટીની સરકારે અર્થતંત્ર પરનો અંકુશ હળવો બનાવ્યો હતો. પરંતુ 1950ના દાયકાની આખરમાં તુર્કીના રાષ્ટ્રીય દેવામાં વધારો થવાથી, અને અખબારી સ્વાતંત્ર્ય પર અંકુશ મૂકવાથી સરકાર અપ્રિય બની. 1960માં જનરલ કમાલ ગુર્સેલના નેતૃત્વ હેઠળ લશ્કરે સરકાર પર કબજો જમાવ્યો અને નવી કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી. લશ્કરી અંકુશ હેઠળની આ સરકારે અગાઉની સરકારના ઘણા નેતાઓ પર મુકદ્દમો ચલાવ્યો અને વડાપ્રધાન મેન્ડરેલને ફાંસીની સજા આપવામાં આવી. 1961માં તુર્કીનું નવું બંધારણ ઘડવામાં આવ્યું. કામચલાઉ સરકાર દ્વારા મુક્ત ચૂંટણીઓ યોજવામાં આવી. કોઈ પણ પક્ષને બહુમતી ન મળી; પરંતુ રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના બે સભ્યો ઈનોનુ અને ગુર્સેલને અનુક્રમે વડાપ્રધાન અને પ્રમુખ બનાવવામાં આવ્યા. 1965માં ‘જસ્ટિસ પાર્ટી’ને ધારાસભામાં બહુમતી પ્રાપ્ત થઈ. પક્ષના નેતા સુલેમાન દેમિરેલ વડાપ્રધાન થયા, જ્યારે ગુર્સેલ પ્રમુખ તરીકે 1966 સુધી ચાલુ રહ્યા.

1960ના દાયકા દરમિયાન સાયપ્રસના પ્રશ્ર્નને લીધે તુર્કી અને ગ્રીસ વચ્ચે ઘર્ષણ થયું. સાયપ્રસમાં તુર્ક લઘુમતી અને ગ્રીક બહુમતી વચ્ચે 1964 અને 1967માં લડાઈ ફાટી નીકળી. તુર્કી અને ગ્રીસે તેમાં દરમિયાનગીરી કરવાની ધમકી આપી, પરંતુ તે પહેલાં ત્યાં શાંતિ સ્થપાઈ. 1974માં ગ્રીક લશ્કરી અધિકારીઓએ સાયપ્રસના પ્રમુખને ઉથલાવી પાડ્યા. ત્યાર પછી તુર્ક લશ્કરે સાયપ્રસ પર આક્રમણ કર્યું અને મોટાભાગના સાયપ્રસના પ્રદેશ પર કબજો જમાવ્યો. સાયપ્રસના તુર્કોએ 1975માં પોતે જાહેર કરેલ સ્વાયત્ત પ્રદેશમાં અલગ સરકાર સ્થાપી અને 1983માં સાયપ્રસમાં તુર્કોએ પોતાનું સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય સ્થાપ્યું.

સિત્તેરના દાયકા દરમિયાન બિનસાંપ્રદાયિક અને ધાર્મિક કટ્ટરપંથી રાજકીય જૂથો વચ્ચે અંતર વધતાં તુર્કીમાં ખૂનરેજી થઈ. બંને રાજકીય વિચારધારાનાં અંતિમવાદી જૂથો આ ત્રાસવાદી પ્રવૃત્તિ માટે એકબીજા પર દોષારોપણ કરવા લાગ્યાં. 1970 પછી તુર્કીમાં અસ્થિર રાજકારણને લીધે ઘણી સરકારો બદલાઈ. 1980માં લશ્કરી નેતાઓએ ફરી સરકાર પર અંકુશ સ્થાપ્યો અને 1982માં નવું બંધારણ અપનાવવામાં આવ્યું. નવા બંધારણની જોગવાઈ મુજબ 1989 સુધી જનરલ કેન એવરેનને પ્રમુખ બનાવવામાં આવ્યો. 1983માં ધારાસભાની ચૂંટણીઓ યોજવામાં આવી તેની સાથે નાગરિક તંત્રની સ્થાપના કરવામાં આવી અને તુર્ગુટ ઓઝલ નવો વડોપ્રધાન થયો. 1987ની ચૂંટણીમાં તુર્ગુટ ઓઝલનો પક્ષ ‘મધરલૅન્ડ પાર્ટી’ ફરી બહુમતીમાં આવ્યો. 1989માં કેન એવરેનને સ્થાને રાષ્ટ્રીય ધારાસભાએ ઓઝલને 1996 સુધી પ્રમુખ તરીકે ચૂંટ્યો. ડિસેમ્બર, 1995માં તુર્કીમાં ચૂંટણી યોજાઈ જેમાં ધાર્મિક કટ્ટરપંથી વેલ્ફેર પક્ષે સરસાઈ મેળવી છે. આ ચૂંટણીમાં ‘વેલફેર પક્ષ’ને 21.32 % મત, ‘ટ્રૂ પાથ પક્ષ’ને 19.20 % અને ‘મધરલૅન્ડ પક્ષ’ને 19.66 % મત પ્રાપ્ત થયા છે. તેથી બિનસાંપ્રદાયિકતાની નીતિને બદલે ઇસ્લામ એક પ્રભાવી રાજકીય પરિબળ તરીકે તુર્કીમાં આગળ આવ્યો છે.

રાજકારણ : તુર્કીના વડાપ્રધાન નેકમેટિન અરબેકને 18 જૂન, 1997ના રોજ રાજીનામું આપ્યું. જૂન, 1996માં તે ગઠબંધન (coalition) સરકારના નેતા તરીકે સત્તા પર આવ્યો હતો. તુર્કીમાં ઇસ્લામી અને બિનસાંપ્રદાયિક પરિબળો વચ્ચે ધ્રુવીકરણ થયું હતું. તુર્કી મુખ્યત્વે મુસ્લિમ દેશ હોવા છતાં તેણે પરંપરાથી રાજ્ય અને ધર્મના વિયોગને માન આપ્યું છે. બિનસાંપ્રદાયિક સરકારની પરંપરા જાળવી રાખવા વાસ્તે 1960થી ત્રણ વાર લશ્કરે સત્તા આંચકી લીધી હતી. અરબેકનના રાજીનામા પછી તુર્કીના પ્રમુખ સુલેમાન ડેમિરલે મધરલૅન્ડ પાર્ટીના નેતા મેસુત ઇલ્માઝને નવી સરકાર રચવા નિમંત્ર્યો. તે 30 જૂન, 1997માં ગઠબંધન (યુતિ) સરકારની રચના કરીને વડોપ્રધાન બન્યો. તુર્કીનું 20,000 સૈનિકોનું લશ્કર ઉત્તર ઇરાકમાં હતું. તે ત્યાં અનિશ્ચિત સમય સુધી રહેશે એમ તેણે જાહેર કર્યું. નવેમ્બર, 1998માં મેસુત ઇલ્માઝની ગઠબંધન સરકારની સામે ભ્રષ્ટાચારના આરોપો થયા અને તે તૂટી પડી. એપ્રિલ, 2001માં વડાપ્રધાન બુલેન્ટ ઇસેવિતના રાજીનામાની માગણી કરવા હજારો વિરોધીઓએ તુર્કીનાં શહેરોમાં દેખાવો કર્યા. સરકારના ખર્ચમાં 9 ટકાનો ઘટાડો, ચાર લાખથી વધારે લોકોએ નોકરીઓ ગુમાવી અને ભાવોમાં પુષ્કળ વધારો થવા સામે દેખાવકારો ઉશ્કેરાયા હતા. એપ્રિલ, 2001ની મધ્યમાં તુર્કીના ચલણ લીરાનાં મૂલ્યમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હતો. ઇન્ટરનેશનલ મૉનેટરીફંડ અને વર્લ્ડ બૅન્કે 15.7 અબજ ડૉલર કામચલાઉ ધોરણે આપવા છતાં સરકારે આર્થિક સુધારા કરવા જરૂરી હતા. નવેમ્બર, 2002માં પ્રો-ઇસ્લામિક જસ્ટિસ ઍન્ડ ડેવલપમેન્ટ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં જામી ગયેલા રાજકીય પક્ષોને હાર આપી; અને 15 વર્ષમાં પ્રથમ વાર એક જ પક્ષની સરકાર રચવામાં આવી. ફેબ્રુઆરી, 2003માં પેટાચૂંટણીમાં જીત્યા પછી એર્ડોગન વડોપ્રધાન બન્યો. માર્ચ, 2003માં તુર્કીના સંસદે યુનાઇટેડ સ્ટેટ્સના 60,000થી વધારે સૈનિકોને, ઇરાક સાથે યુદ્ધ થાય તો તુર્કીના મથકોને હુમલા કરવા વાપરવા દેવાનો અસ્વીકાર કર્યો. તુર્કીની આર્થિક સ્થિતિ સુધારવા યુનાઇટેડ સ્ટેટ્સે 8.5 અબજ ડૉલરની લોન આપી. તે વર્ષે ઑક્ટોબરમાં તુર્કીની સંસદે ઇરાકમાં શાંતિદળ મોકલવાનો ઠરાવ કર્યો; છતાં બીજે મહિને વિરોધ થવાથી તે યોજના બંધ રાખી. નવેમ્બર, 2003માં ઇસ્તંબુલમાં આવેલ બે સિનેગૉગ (યહૂદીઓનું ધર્મસ્થાન) પર બૉમ્બ નાખવાથી 25 લોકો મરણ પામ્યા અને 300થી વધારે ઘવાયા. તુર્કીના ઉગ્રવાદીઓએ અલ્-કાયદાના આતંકવાદીઓ સાથે મળીને આ કાર્ય કર્યું એમ સત્તાધીશોએ માન્યું. નવેમ્બર, 2003ના છેલ્લા સપ્તાહમાં ઇસ્તંબુલમાં બ્રિટિશ એલચીની કચેરી અને બ્રિટિશ બૅન્ક પર બૉમ્બ નાખવાથી થયેલા બે ધડાકામાં 25 લોકો માર્યા ગયા અને 400 લોકો ઘવાયા. 2004માં તુર્કીના વડાપ્રધાન એર્ડોગને અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ બુશ સાથે વૉશિંગ્ટનમાં સંબંધો હળવા કરવા અંગે મંત્રણા કરી. જૂન, 2004માં પ્રમુખ બુશે તુર્કીના પાટનગર અંકારાની મુલાકાત લીધી, તે પછી ઇસ્તંબુલની પણ મુલાકાત લઈ વડાપ્રધાન સાથે મંત્રણા કરી. ઑક્ટોબર, 2005માં તુર્કીને યુરોપિયન યુનિયન(EU)માં પ્રવેશ આપવા અંગે લક્ઝમ્બર્ગમાં મંત્રણા શરૂ થઈ. 51 ટકા યુરોપિયનો તુર્કીના યુરોપિયન યુનિયનમાં પ્રવેશનો વિરોધ કરતા હતા એમ યુરો બૅરોમીટર મતદાનમાં જાણવા મળ્યું. વડાપ્રધાન રીસેપ તૈઈપ એર્ડોગન ઑક્ટોબર, 2006માં અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ બુશને વૉશિંગ્ટનમાં મળ્યા. બંને નેતાઓએ તુર્કીના યુરોપિયન યુનિયનમાં પ્રવેશ અને જગતમાં આતંકવાદ સહિત અનેક બાબતોની ચર્ચા કરી. તુર્કીમાં 2006ના ઑગસ્ટની 12મીએ ઇસ્તંબુલમાં ઇન્ટરનેટ કાફેની બહાર, 15મીએ બ્લૂમસ્જિદ પાસે, 27મીએ ઇસ્તંબુલ માર્મેરિસ અને બેગસીલાર વિસ્તારમાં, 28મીએ અંતાલિયાના બજારમાં બૉમ્બના ધડાકા થયા અને કેટલાક લોકો માર્યા ગયા તથા ઘવાયા. ઑગસ્ટ, 2007માં તુર્કીની સંસદે (ગ્રાંડ નૅશનલ ઍસેમ્બલી) અબ્દુલ્લા ગુલને તુર્કીના પ્રમુખ તરીકે ચૂંટ્યો. અગાઉ તે વિદેશ મંત્રી હતો. તે ઇસ્લામ ધર્મતરફી હતો. સત્તા પરની જસ્ટિસ ઍન્ડ ડેવલપમેન્ટ પાર્ટીના સ્થાપકોમાંનો એક તે હતો. ઈ. સ. 2002 અને 2003માં તેણે વચગાળાના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. સપ્ટેમ્બર, 2008માં તુર્કીને પ્રમુખે આર્મેનિયાની મુલાકાત લીધી. તે અગાઉ 2008માં ગ્રીસના વડાપ્રધાન તથા યુનાઇટેડ કિંગ્ડમનાં રાણી એલિઝાબેથ (બીજાં) તથા પ્રિન્સ ફિલિપે તુર્કીની મુલાકાત લીધી હતી. આ રીતે સત્તાધારી પક્ષે પશ્ચિમના દેશો સાથે સંબંધો સુધારીને યુરોપીય સંઘમાં પ્રવેશ મેળવવાની ભૂમિકા તૈયાર કરી. 1 જાન્યુઆરી, 2009ના રોજ તુર્કીના સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં બિનકાયમી સભ્યની બેઠક મળી, આ વર્ષે તુર્કી G-20નું સભ્ય-રાષ્ટ્ર બન્યું અને લંડન તથા પિટ્સબર્ગમાં G-20ની શિખર પરિષદમાં પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા તેથી તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધી. તુર્કીના સીરિયા અને ઇરાક સાથેના સંબંધોમાં સુધારો થયો અને સપ્ટેમ્બર, 2009માં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ મળી. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ બરાક ઓબામાએ એપ્રિલ, 2009માં તુર્કીની મુલાકાત લીધી અને તુર્કીને યુરોપીય સંઘમાં પ્રવેશ મળે તેમાં ટેકો જાહેર કર્યો. 2009ના આખા વર્ષ દરમિયાન વૈશ્વિક મંદીની અસરો અનુભવાઈ હતી. બેકારી 10 ટકાથી વધીને 13 ટકા થઈ; વિદેશ વ્યાપારમાં 36 ટકાનો ઘટાડો થયો. 2010માં તુર્કીમાં સાક્ષરતા 88.7 % હતી. તુર્કીમાં બેકારી 12 % હતી. 29 જુલાઈ, 2011ના રોજ તુર્કીના લશ્કરના ઉચ્ચ કક્ષાના સેનાપતિઓએ સામટાં રાજીનામાં આપ્યાં. વડાપ્રધાન એર્ડોગને તે બધાં રાજીનામાં સ્વીકારીને પોતાની પસંદગીના લશ્કરના વડા નીમ્યા. તેનાથી સાબિત થયું કે દેશના રાજકારણમાં લશ્કરનું વર્ચસ્વ દૂર થયું છે. અગાઉ તુર્કીના લશ્કરે ત્રણ વાર બળવો કરીને સરકારો દૂર કરી હતી. હવે તુર્કીમાં લોકશાહી સંસ્થાઓનું વર્ચસ્વ પ્રસ્થાપિત થયું.

ર. લ. રાવળ

જયકુમાર ર. શુક્લ