તુર્કી ભાષા અને સાહિત્ય

January, 2014

તુર્કી ભાષા અને સાહિત્ય : તુર્કી ભાષા : તુર્કસ્તાનની રાષ્ટ્રીય ભાષા અને સાયપ્રસની એક રાજભાષા. તુર્કી ભાષા ઉરાલ-ઍલ્તાઇક ભાષાકુળની ઍલ્તાઇક ઉપશાખાની એક ભાષા છે. ઇસ્તંબુલમાં ભણેલીગણેલી વ્યક્તિઓ જે તુર્કી બોલે છે તે તેની માન્યભાષા અથવા સાહિત્યભાષા છે.

સ્વરવ્યવસ્થાની સમતુલા અને તેને કારણે ભાષા ઉચ્ચારતી કે બોલતી વખતે આવતો લય તેની ખાસ વિશેષતા છે. કર્મણિ, પ્રેરક વગેરે રચનાઓ કરવા માટે ધાતુને પ્રત્યયો લગાડવામાં આવે છે. પૂર્વપ્રત્યયોને બદલે પરપ્રત્યયો (શબ્દની આગળ પ્રત્યયો લાગવાને બદલે પાછળ લાગવા તે) – એ આ ભાષાની બીજી મહત્વની વિશેષતા છે. શબ્દોનું વ્યાકરણી લિંગ આ ભાષામાં મળતું નથી.

1930 સુધી આ ભાષા અરબી લિપિમાં લખાતી હતી. પરંતુ પ્રમુખ કમાલ આતાતુર્કના આદેશથી એ પછી તે સુધારેલી રોમન લિપિમાં લખાય છે. વળી એ પછી ભાષામાં વપરાતા અરબી અને ફારસી શબ્દોને ટાળીને તળભાષામાં વપરાતા સરળ શબ્દોનો વપરાશ વધારવામાં આવ્યો છે. આ કારણે આ ભાષાના સાહિત્યની શૈલી પણ વધુ લોકભોગ્ય અને સરળ બની.

તુર્કી સાહિત્ય : તુર્કી ભાષામાં રચાયેલું સાહિત્ય. મધ્ય એશિયાના આનાતોલિયાની ભૂમિ પર કાયમી વસવાટ માટે આવેલ તુર્કો મૌખિક પરંપરાનું લોકસાહિત્ય લાવેલા. તેનો ઉપયોગ આજે પણ એક ગામથી બીજે ગામ જતાં ઑઝાન ગાયક કવિઓ કરે છે. સાઇબીરિયા/મૉંગોલિયામાંથી મળી આવેલો, કોઈ તુર્ક રાજવીના સન્માનાર્થે લખાયેલો સાતમી-આઠમી સદીનો શિલાલેખ તુર્કી ભાષાના સાહિત્યનો પ્રથમ નમૂનો ગણાય છે.

યૂસુફ હાજ હાજિબનું ‘કુતાદગુ બિલિગ’ (1069) નીતિવિષયક બોધ-કાવ્ય પૂર્વ તુર્કસ્તાનના સાહિત્યનું પ્રથમ લખાણ ગણાય છે. મુહંમદ કાશગરીનું ‘દીવાન-ઑ-લુગાત-ઇત-તુર્કમધ્યે (1071) ઇસ્લામી કવિની કૃતિ છે. પછી કાળાંતરે અદીબ અહમદનું ‘અતબતુલ હકાયિક’ બીજું બોધકાવ્ય છે. ત્યારપછી તુર્કી ભાષામાં ચગતાઈ, આઝરી અને ઉસ્માનલી – એમ ત્રણ શાખાઓમાં સાહિત્યનું નિર્માણ થયું.

ચગતાઈ સાહિત્ય : તેરમી સદીના અંતભાગમાં મધ્ય એશિયાની વિકસિત ભાષામાં તુર્કીને ગણી શકાય. તે સમયે મુખ્ય કેન્દ્ર સમરકંદ હતું. અલી શિર નેવાઈ (1441–1501) તુર્કી ભાષાનો પ્રસિદ્ધ પ્રતિનિધિ છે. ખુશરો, જામી અને શેખ ગાલિબ જેવા  ફારસી કવિઓની અસર તળે ચગતાઈ ભાષા કેટલોક સમય પ્રભાવ પાડતી રહી. સમ્રાટ બાબરે (1483–1530) તુર્કીમાં કવિતા અને ‘બાબરનામા’ લખ્યાં. હિંદુસ્તાનમાં મુઘલકાળ દરમિયાન તુર્કી ભાષામાં લખાણ થવા લાગ્યું. બાબરના પુત્ર કામરાન મિર્ઝા(આશરે 1508–1557)એ લખેલ ‘દીવાન’ની એક પ્રત ઉત્તરપ્રદેશના રામપુરના સરકારી ગ્રંથાલયમાં છે અને બીજી પ્રત બંકીપુર(પટણા)માં છે. મધ્ય એશિયાના અઝીઝી નામના કવિએ કામરાનનું અનુકરણ કરીને કાવ્યસર્જન કર્યું. બૈરમખાનના નામે પ્રસિદ્ધ કરેલ તેમનો તુર્કી ગઝલસંગ્રહ દિલ્હીના નગર-વાચનાલયમાં રાખવામાં આવેલ છે. સોળમી સદીના મધ્યકાલમાં કાશ્મીરના રાજા મિર્ઝા હૈદર દુઘલત (1500–1552) હાદેખીલ તુર્કી ભાષાના કવિ હતા. તુર્કી ભાષાનું લઘુવ્યાકરણ અને તેનો શબ્દકોશ હિંદુસ્તાનમાં પ્રસિદ્ધ થયાં હતાં. આવો એક શબ્દકોશ ‘અઝફરી’ (1818) લખનૌમાં અને મુંબઈમાં કામા ઇન્સ્ટિટ્યૂટમાં ઉપલબ્ધ છે. શશકાત ઇન્શાએ પોતાની રોજનીશી અને કેટલાંક કાવ્યો તુર્કીમાં લખ્યાં. વીસમી સદીના આરંભ સુધી મધ્ય એશિયામાં ચગતાઈ ભાષામાં સાહિત્યનું નિર્માણ થતું રહ્યું. 1917 બાદ રશિયામાં નવી સત્તાનો ઉદય થતાં ચગતાઈ ભાષાનું સ્થાન ઉઝબેક ભાષાએ લીધું.

આઝરી સાહિત્ય : આઝરબૈજાનના તુર્કી લોકોએ આઝરી ભાષાનો વિકાસ કર્યો. બુર્હાનુદ્દીનના ‘તુયૂગ’નો ખાસ તુર્કી કાવ્યપ્રકારમાં સમાવેશ થાય છે. હુરુફી પંથના મેસિમી નામના કવિએ હૃદયને તરત જ સ્પર્શી જાય તેવી મોહક ગઝલો લખી. હબીબી પણ મહત્વના કવિ હતા. ઈરાનના શાહ ઇસ્માઇલે આઝરીમાં કવિતા રચી. ફુજુલી અને સાઇબનાં નામ કવિ તરીકે સુપ્રસિદ્ધ છે. આઝરી ભાષાનું લોકસાહિત્ય સમૃદ્ધ છે. મુહંમદ બેગ અને મુહંમદ નામી લોકકવિઓ હતા. તેમની પૂર્વે ‘દેદે કોરકુત’ આ ભાષાનો અમર લોકકથાસંગ્રહ ગણાય છે.

ઉસ્માનલી (ઑટૉમન) સાહિત્ય : ‘ઑટૉમન સામ્રાજયના સુદીર્ઘ અને સ્થિર રાજ્યકાલ દરમિયાન તુર્કી ભાષાનો વિકાસ થતો ગયો. ઈરાનના પ્રભાવ નીચે તુર્કીની ‘ઑગૂઝ’ બોલીમાં ઉસ્માનલી સાહિત્ય સર્જાયું. રાજ્યનો ટેકો સાહિત્યપ્રવૃત્તિને જે અપાતો હતો તે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો ત્યારે ‘ટેક્કેલર’ નામની ધર્મપીઠ સાહિત્યનિર્માણનું કેન્દ્ર બની. તેરમી સદીમાં સૂફી કવિ રુમી અને મુલગા સુલતાન વલદે તુર્કીમાં કાવ્યો રચ્યાં. શય્યાદ હામઝા રહસ્યવાદી કવિ હતા. ચૌદમી સદીના ધર્મનિરપેક્ષ કવિ દેહ્હાની અને લોકભાષામાં લખનારા એમરે રહસ્યવાદી કવિ હતા. તુર્કી ભાષા માટે વિકાસપોષક નીવડનાર પરિબળોમાં ઈરાની સાહિત્ય તથા અરબી અને ફારસી ભાષાને ગણી શકાય. ગુલશેહરીને ફારસી કાવ્ય ‘મનતિ કુત તૈર’નો તુર્કીમાં અનુવાદ કર્યો. એક અજ્ઞાત તુર્કી લેખકે મૂળ સંસ્કૃતમાં લખાયેલ ‘પંચતંત્ર’ના ફારસી અનુવાદનું તુર્કીમાં ભાષાંતર કર્યું છે.

અહમદીના ‘દીવાન’માં કસીદા અને ગઝલ જેવા ઈરાની કાવ્યપ્રકારના નમૂના જોવા મળે છે. સુલેમાન ચેલેબીએ મુહંમદ પયગંબરના જન્મનિમિત્તે ‘મેવ્લિદ’ લખ્યું. તુર્કસ્તાનના મુસલમાનો ભક્તિભાવપૂર્વક પયગંબરના જન્મદિવસે તેનું વાચન કરે છે. શેખી રાહીનું ‘ખરનામા’ તુર્કી ભાષાનું પ્રથમ પ્રતિકાવ્ય (parody) છે. આશિક પાશા ઇતિહાસકાર છે. ‘કિર્ક વઝીર હિકાયેલરી’ તુર્કી ભાષાનું લોકપ્રિય કથાસાહિત્ય છે.

ઈરાની સાહિત્ય અને તેની સંસ્કૃતિના પ્રમાણમાં તુર્કી સાહિત્ય ઊતરતી કક્ષાનું લાગે છે. જોકે સોળમી સદીમાં ફુજુલી, ખયાલી, બાકી, રૂહી વગેરે કવિઓએ તુર્કી સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનું ખેડાણ કર્યું. સોળમી સદીમાં સુલેમાન ધ મૅગ્નિફિસન્ટે કરુણપ્રશસ્તિ લખી છે. હાફિજની ‘લૈલા વ મજનૂ’ અમર કૃતિ ગણાય છે.

તુર્કી ગદ્ય ફારસીથી ભરપૂર હોવાથી કંઈક અંશે કૃત્રિમ લાગે છે. હોજા સાદેદ્દીન ઇફેંદીચાનું ‘તાજુત વ તવારીખ’ (1578) ઇતિહાસગ્રંથ છે. મુસ્તફા અલીએ ‘કુનુહલ અખબાર’ નામે ઇતિહાસગ્રંથ આપ્યો છે. તુર્કીમાં આ ગ્રંથથી ઇતિહાસ વિષયનું મહત્વ વધ્યું. આ ગ્રંથ ચાર ખંડમાં પથરાયેલો છે. ‘મનાકિબે હુનખરાજ’માં કસબીઓ અને ગ્રંથ-બંધકોનાં  ચરિત્રો આલેખાયાં છે. પિરી રઈસ અને સીદી અલી રઈસે પ્રવાસવર્ણનો લખ્યાં છે. તુર્કી સાહિત્યનો પ્રથમ ઇતિહાસ સેહીબેગે લખ્યો. અમીર ખુશરો, ફૈજી અને ઉરફી બાંસારખે અનુક્રમે ઈરાન, હિંદુસ્તાન અને તુર્કસ્તાનના છે. તુર્કીમાં ‘કસીદા’ કાવ્યપ્રકારને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું. યહ્યા અને અતાઈએ અનુક્રમે ગઝલ અને મનસ્વી કાવ્યપ્રકારોને લોકપ્રિય બનાવ્યા.

તુર્કી ગદ્યમાં વૈસી અને નર્ગિસી પ્રસિદ્ધ છે. કાતિબ ચેલેબી, નઈમા અને કોચીબી પ્રસિદ્ધ ઇતિહાસકારો છે. અવલિયા ચેલેબીનું ‘સિયાહતનામાત’ સામાજિક ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ છે. અઢારમી સદીના ઇસ્તંબુલનું પ્રસન્ન ચિત્રણ નેદીમરયાએ ગઝલમાં આલેખ્યું છે. આ સમયમાં તુર્કસ્તાનમાં ‘લાલા’ (tulip) ફૂલોની પેદાશ વિપુલ થઈ હતી એટલે આ સમયને ‘લાલે દેવરી’ તરીકે ઓળખવામાં આવે છે.

‘તુર્કૂ’ અને ‘શરકી’ ખાસ કાવ્યપ્રકારો તરીકે રચાયાં. કવિ શેખ ગાલિબે અઢારમી સદીમાં તેની અનોખી શૈલીમાં ગઝલો લખી.‘હુસ્ન-ઓ-ઇશ્ક’ યર્દચ્છાવિહારી રહસ્યલક્ષી કાવ્યપ્રકારનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

કાળક્રમે તુર્કી ગદ્ય નિરલંકૃત થતું ગયું. અનેક ચરિત્રગ્રંથો સરળ શૈલીમાં લખાયા. પશ્ચિમી સાહિત્યના પ્રભાવમાં પારંપરિક ઑટોમન સાહિત્યનો ક્રમશ: લોપ થતો ગયો અને આધુનિક સાહિત્યનો ઉદય થયો.

આધુનિક તુર્કી સાહિત્ય : આધુનિક તુર્કી સાહિત્ય ઉપર ફ્રેન્ચ પ્રભાવ વિશેષ છે. સાહિત્યના પરંપરાગત વિષયોની નાગચૂડમાંથી તુર્કી સાહિત્ય મુક્ત થયું. શિનાસી, ઝિયાપાશા, કેમાલ જેવા લેખકોએ તુર્કીમાં આધુનિકતા આણી. તે જ પ્રમાણે હમીદ રૂઢ છંદોબદ્ધ કાવ્યરચનાને બદલે નવીનતા ઉપર ભાર મૂકનાર પ્રયોગશીલ કવિ છે. ‘જુહર-એ-હિંદી’ અને ‘હિંદુસ્થાનદકી ઓદમ’ કાવ્યોમાં અનુક્રમે ભારતીય સ્ત્રીસૌંદર્ય અને પ્રકૃતિસૌંદર્ય મુખ્ય વિષયો છે. હમીદની સર્વોત્કૃષ્ટ કાવ્યરચના તેમની સદગત પત્ની વિશેનું ‘લિહિલેલી મકબર’ છે. તેમનો પ્રમુખ કાવ્યવિષય મૃત્યુ છે. ‘સરબતે ફુનુન’ નામના સામયિકે સાહિત્યરચનાને નવો વળાંક આપ્યો. શહાબુદ્દીને ‘પાર્નૅસિયન’ ફ્રેંચ કવિવૃંદનું અનુકરણ કર્યું. તેવફીક આ પ્રકારના વિષાદપ્રિય કવિ છે. મુહંમદ આકિફ ઇસ્લામનો પુરસ્કાર કરનાર કવિ હતા. તુર્કી રાષ્ટ્રગીતના તે સર્જક છે. ગોકલ્પ રાષ્ટ્રવાદનાં ગીતો ગાય છે. સાલિહ ઝકી ગ્રીક પૌરાણિક સંદર્ભો માટે વિશેષ જાણીતા છે. અહમદ હાશિકા પ્રતીકાત્મક કાવ્યમાં વિશેષ પ્રભુત્વ દાખવે છે. મુહંમદ એમીન અને રીઝા લોકસાહિત્યકારો છે. પાહ્યા કેમાલ જૂની ગઝલના સ્વરૂપને નવો ઘાટ આપે છે.

તુર્કી પ્રજાસત્તાકની સ્થાપના પછી (1923) કેટલોક સમય જૂની કવિતામાં વૃત્તરચનાનો ઉપયોગ થયો. ઓરહૉન, ચામ્લીબેલ અને કોચ્યુરેક, ઓઝન સોય વગેરે કવિઓએ અક્ષરગણવૃત્ત ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. કવિ નાફિજના ‘બિરઓમુર બૉયલે ગેચતી’ નામના કાવ્યસંગ્રહને લીધે તેને વિશેષ ખ્યાતિ પ્રાપ્ત થઈ.

વીસમી સદીના પૂર્વાર્ધમાં મુહીબ દરાતાજ, અહમદ હમદી તાનપિનાર અને જાહિદ સિદકી તારંજીએ પ્રાસાદિક કવિતાની રચના કરી. નાઝિમ હિકમતે મુક્તક કાવ્યનો પ્રારંભ કર્યો. તેઓ સામ્યવાદના પુરસ્કર્તા હતા. ફાજિલ અને નેજાતિગિલ જિજ્ઞાસાવૃત્તિ પ્રગટ કરનારા કવિ છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના કવિઓમાં ઓગલૂ, કાનિક, રિફત અને કુલેબી વગેરેનો સમાવેશ થાય છે. બેદરી રહમીએ કાવ્યમાં તુર્કી બોલીને વણી લીધી. બેલીના ‘ગરીબ’ કાવ્યસંગ્રહે વાઙ્મય-વર્તુળમાં ખળભળાટ મચાવી દીધો. તેમાં સામાજિક સમસ્યાઓનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. સલાહ બિરસેલે નવા શબ્દોના પ્રયોગમાં વિશેષ કૌશલ દાખવ્યું. દાગલરે શતકના શ્રેષ્ઠ કવિ તરીકે વૈશિષ્ટ્યપૂર્ણ પ્રયોગશીલતા દાખવી. તેમની કાવ્યબાનીમાં આહલાદકતા અને  વૈશ્વિક માનવીનો આદર્શ જોવા મળે છે. તુર્કીની બહારના દેશોમાં નાઝિમ હિકમત તેમના ‘ધ ડે બિફોર ટુમૉરો’ (1972) દ્વારા સુપ્રસિદ્ધ છે. 1955 પછી તુર્કી સાહિત્યમાં નવવાઙ્મયી પ્રવૃત્તિ શરૂ થઈ. તેમાં બર્ક, ઇલિહાન, તુરગુત, જાનચેવર, સુરૈય્યા કવિઓનાં નામ નોંધપાત્ર છે.

તુર્કી ગદ્યસાહિત્યને નવીન જોમ પ્રાપ્ત થયું તે તેના ‘શિનાસી’ સામયિકથી. ઝિયા પાશાએ તુર્કી સાહિત્યને નવલકથા અને નાટકમાં પશ્ચિમના જેવા નવીન સાહિત્યપ્રકારો આપ્યા. ‘કારાગોઝ’ છાયાનાટકનો એક પ્રકાર છે. ‘ઓર્તા ઓયુનુ’ ઓપન થિયેટર માટેનું નાટક હતું. શાયર અ વ્હલેન મેસીએ પ્રથમ આધુનિક નાટક લોકભાષામાં લખ્યું. નામિક કેમાલનું ‘વતન’ નામનું ક્રાન્તિકારક નાટક 1873માં રંગભૂમિ પર ભજવાયું, જેની જનમાનસ ઉપર પ્રબળ અસર થઈ. તેમના ઐતિહાસિક નાટક ‘જલાલુદ્દીન ખ્વારઝમશાહ’નો ઉર્દૂમાં અનુવાદ થયો છે. અહમદ વેફિક પાશાએ ફ્રેન્ચ નાટ્યકાર મૉલિયેરની અસર તળે નાટકો લખ્યાં. અલીબેગનું અય્યાર હમની મૉલિયેરની શૈલીનું નાટક છે. ફ્રેન્ચ નવલકથા ‘તેલેમાક્’નો અનુવાદ યૂસુફ કામિલ પાશાએ કર્યો છે. ‘ઇન્તિબાહ’ સાહિત્યની ર્દષ્ટિએ પહેલી નવલકથા છે. 1889માં ‘અરબા સેવદાસી’ સામાજિક હાસ્યરસિક  નવલકથા છે. હમીદે ‘એશબર’, ‘નેસ તેરેમ’, ‘દુખતરે હિંદુ’, ‘પાંસારખી’ નાટકો લખ્યાં. તેમનું એશબર અથવા ‘નેસતેરેમ’ પદ્યનાટક બ્રિટિશ હકૂમત તળેના હિન્દુસ્તાન પર અંગ્રેજોએ કરેલ અત્યાચારનું હૂબહૂ ચિત્ર રજૂ કરે છે. ‘ફિનતેન’ નાટક પર શેક્સપિયરનો પ્રભાવ છે. એફેંદી યુરોપીય શૈલીમાં નવલકથા લખે છે. ફ્રેન્ચ લેખકો ફ્લૉબેર અને પૉલ બૂર્ઝેની અસર તુર્કી સાહિત્ય પર થઈ છે. ઉમર સેયફેદ્દીને સુગમ ભાષામાં રાષ્ટ્રીય ભાવનાથી ભરપૂર લઘુનવલો લખી.

યાકુબ કદરી કલાત્મક ગદ્યશૈલીનો ઉપયોગ કરે છે. તેમની ‘કિરાલિક કોનુક’, ‘નૂરબાબા’ અને ‘યાબાન’ સુપ્રસિદ્ધ નવલકથાઓ છે, જેમાં તુર્ક સંસ્કૃતિનું આંતરદર્શન કરાવવામાં આવ્યું છે. હાલિદે એદિબ સ્ત્રી-નવલકથાકાર છે. તેમણે રાષ્ટ્રવાદી ચળવળના સંદર્ભમાં શિક્ષિત સ્ત્રીઓના પ્રશ્નો પર પ્રકાશ પાડ્યો છે. ‘દોનેર આયના’ (1953) તેમની ચરિત્રાત્મક નવલકથા છે. ‘ક્લાઉન ઍન્ડ હિઝ ડૉટર’ (1935) તેમની અંગ્રેજીમાં લખાયેલી નવલકથા છે. રેશાદનૂરીને ‘ધી ઑટોબાયૉગ્રાફી ઑવ્ અ ટર્કિશ ગર્લ’ અને ‘ધી આફ્ટરનૂન સન’ નવલકથાઓ અંગ્રેજીમાં લખી છે. સબાહદ્દીન અલી અને સઈત ફાઈક પ્રમુખ નવલકથાકારો છે. ફાઈકની શૈલી કાવ્યાત્મક છે. તેમના કથાસંગ્રહમાં ‘લુસમસુઝ’, ‘આદમ’ (1948), ‘કુમ્પાનિયા’ (1951), ‘હવુજબાશી’ (1952) અને ‘અલેમ દાગિંદાવર બિર યિલાન’ ઉલ્લેખનીય છે. હુસેન રેહમી લોકપ્રિય નવલકથાકાર છે. એ. એસ. હિસાર પણ પ્રસિદ્ધ  નવલકથાકાર છે. ઉપરાંત ટારુસ, તાહિર, કેમાલ, કોજગોઝ, દાગજી, કમાલ, અપાયદીન, બાયકુર્ત, મકાલ વગેરે ઉલ્લેખનીય નવલકથાકારો છે. સમીમે લઘુનવલો લખી છે. અપાયદ્દીને અને બાયકુર્તે ગ્રામજીવનને મૂત કર્યું છે. મેહમુદની નવલકથામાં જમીનદારોના અત્યાચારનું વાસ્તવિક ચિત્ર છે. માનવ-માનવ વચ્ચેના પરસ્પર સંબંધોની ખૂબીઓ પારખવાની અંતરર્દષ્ટિને લીધે કેમાલ તાહિર આધુનિક નવલકથાકારોમાં શ્રેષ્ઠ ગણાય છે.

સબાહદ્દીન એય્યુબ ઑગલુ (1908) શ્રેષ્ઠ દરજ્જાના આધુનિક નિબંધકાર છે. રુશેન એશરેફ વાર્તાકાર છે. નૂરુલ્લા અતાચ (1818–1957) વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. અર્જુમંદ એકરેમ વિનોદી લેખક છે.

આધુનિક નાટકકારો નેજાતી જુમાલી અને રેફીક એન્દુરન, હલદુમ તાનેર છે. નેઝીહે મેરીચ પ્રતિષ્ઠિત નાટ્યલેખિકા છે.

વિ. પ્ર. ત્રિવેદી

યોગેન્દ્ર વ્યાસ