તુર્કમેનિસ્તાન : પશ્ચિમ-મધ્ય એશિયામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 40° ઉ. અ. અને 60° પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તે વિઘટિત સોવિયેત સંઘનાં 15 સંઘ ગણતંત્રોમાંનું એક ગણતંત્ર છે. તુર્કમેનિસ્તાન ઉપરાંત તુર્કમેનિયા (રશિયન તુર્કમેન્સ્કાયા સોવેટસ્કાયા સોટસ્યાલિ સ્ટી ચેસ્કાયા રિપબ્લિકા) નામથી પણ તે ઓળખાય છે. 1991માં સોવિયેત સંઘમાં રાજકીય ઊથલપાથલ થતાં મોટાભાગનાં ગણતંત્રોએ સ્વતંત્રતા જાહેર કરી હતી. 27 ઑક્ટોબર, 1991 તેનો સ્વાતંત્ર્યદિન છે. તેમ છતાં તેમાંનાં બધાં એક શિથિલ સમૂહતંત્રના ભાગરૂપ બની રહ્યાં છે, જે ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ નામથી ઓળખાય છે. તુર્કમેનિસ્તાન આ સમૂહતંત્રનું સભ્ય રાજ્ય છે. તેનો વિસ્તાર 4,88,100 ચોકિમી. છે તથા તેની કુલ વસ્તી 56,36,011 (2022) છે. આસ્ખાબાદ (આસ્ધાબાદ) તેનું પાટનગર છે, અન્ય મુખ્ય શહેરોમાં ચાર્ડઝાઉ મહત્ત્વનું છે.
મધ્ય એશિયામાં આવેલું આ પ્રજાસત્તાક રાજ્ય પૂર્વમાં કાસ્પિયન સમુદ્ર અને દક્ષિણ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે સરહદ ધરાવે છે. તેની ઉત્તરે કઝાખસ્તાન અને ઉઝબેકિસ્તાન આવેલ છે. તેનો 85% જેટલો વિસ્તાર કારાકુમ રણનો છે, તેની જમીન જુદા જુદા પ્રકારની છે, પરંતુ રણવિસ્તારમાં જમીન માટીના પડ વગરની છે. અલબત્ત, રણદ્વીપમાં ખેતીલાયક જમીન પણ આવેલી છે. તુર્કમેનિસ્તાન બે વિશાળ પ્રદેશો ધરાવે છે: (1) રણદ્વીપનો પ્રદેશ અને (2) રણપ્રદેશ. તેના મુખ્ય રણદ્વીપોમાં કોપેટ દાગ, ટેડઝેન, મુરગબ મધ્ય અમુદરિયા અને નિમ્ન અમુદરિયા. (પ્રાચીન ઑક્સસ નદી) ઉલ્લેખનીય છે. દક્ષિણ અને પૂર્વ સરહદે કોપેટ અને કારાબિલ પર્વતો આવેલા છે. અમુદરિયા તુર્કમેનિસ્તાનને ઉઝબેકીસ્તાન અને અફઘાનિસ્તાનથી અલગ પાડે છે તો એટ્રેક અને હરીરુદ તેની ઈરાન સાથેની સરહદ બની રહે છે.
ખંડીય સ્વરૂપની સૂકી આબોહવા ધરાવતા આ પ્રદેશમાં દિવસ અને વર્ષ દરમિયાનના તાપમાનમાં ઘણો ફેરફાર નોંધાય છે. ગરમીના દિવસોમાં તાપમાન 35° સે.થી ભાગ્યે જ નીચું હોય છે અને તેના દક્ષિણ પૂર્વ કારાકુમ રણવિસ્તારમાં તાપમાન વધીને 50° સે. જેટલું થઈ જાય છે. આની તુલનામાં કુસ્કામાં શિયાળુ તાપમાન – 33° સે. જેટલું ઘટી જાય છે. આ પ્રદેશમાં વરસાદ અપૂરતો થાય છે.
તેના રણપ્રદેશમાં જોવા મળતી કાંટાળી વનસ્પતિ તથા છૂટાછવાયા પ્રદેશમાં ઘાસ ઊગે છે. રણદ્વીપો અને પર્વતીય ખીણવિસ્તારો સિવાયના વિસ્તારમાં રણપ્રદેશની વનસ્પતિ જોવા મળે છે. કોપેટ-દામના પર્વતીય ખીણપ્રદેશમાં જંગલી દ્રાક્ષ, બદામ, અંજીર અને અખરોટની પેદાશ થાય છે. તેના પશુધનમાં મુખ્યત્વે રણપ્રદેશમાં જોવા મળતાં શિયાળ, રાની, બિલાડા તથા કારાકુમ હરણોનો સમાવેશ થાય છે. પર્વતીય વિસ્તારમાં ઘેટાં, બકરાં, દીપડા, લિંકસ (બિલાડીના વર્ગનું રાની પ્રાણી), બરફીલા વિસ્તારમાં ચિત્તા, શાહુડી તથા નદીવિસ્તારમાં શિયાળ, જંગલી ડુક્કર તથા ગુલાબી હરણો જોવા મળે છે. કાસ્પિયન સમુદ્રના પૂર્વ કાંઠાનું સ્થાનાંતરિત પાણી મરઘાંનું શિયાળુ આશ્રયસ્થાન બને છે.
તેની મુખ્ય ચાર નદીઓ છે : અમુદરિયા (પ્રાચીન ઑક્સસ) જે (ઉત્તર પૂર્વીય) ઈશાન સરહદે વહે છે અને અરલ સમુદ્રમાં મળે છે તથા ટેડઝેન, મુરગબ અને એટ્રેક. આ નદીઓમાંથી ઘણી નહેરો કાઢવામાં આવી છે તથા તેના પર જળાશયો પણ બાંધવામાં આવ્યાં છે.
1920 પછી તુર્કમેનિસ્તાનના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે. અહીંનો રણપ્રદેશ ખનિજસંપત્તિ અને રસાયણોથી ભરપૂર છે. ઝાલિપ કારા-બોગાઝ ગૉલ પાસે ગ્લોબર ક્ષારના ભંડારો આવેલ છે. ચિરોડી, માટી, ચૂનો વિધેરાઇટ, આયોડિન, ફૉસ્ફેટ તથા બ્રોમીન ક્ષાર પણ પુષ્કળ પ્રમાણમાં છે. નેબિટ દાગ ખાતે ખનિજતેલનું ઉત્પાદન થાય છે. ગ્લાસ, કાપડ, (સુતરાઉ, રેશમી તથા ઊની) તથા પશુપાલન અને તેની સાથે સંબંધિત વસ્તુ ત્યાંનું મુખ્ય ઉત્પાદન છે.
રણદ્વીપ અને નદીકાંઠાના વિસ્તારોમાં ખેતી કરવામાં આવે છે. કપાસ મુખ્ય પાક છે. ઘઉં, આલ્ફાલ્ફા, દ્રાક્ષ અને તરબૂચની ખેતી પણ થાય છે. રણપ્રદેશમાં પશુપાલનનો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ થયો છે. ઊંટ અને ઘેટાંબકરાંનો ઉછેર વધારે થાય છે. આ વિસ્તારમાં ગાલીચા માટેનું ઊન મળી આવે છે. ત્યાં કારા કુમુસ્કી નહેર સહિતની વિસ્તૃત સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે.
પશ્ચિમી તુર્કમેનિસ્તાનનો રણપ્રદેશ સારા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ ધરાવે છે. ખનિજતેલ, રાસાયણિક તથા ખનિજ-ઉદ્યોગો અહીં વિકસ્યા છે. સાથે સાથે મત્સ્યપાલન અને મત્સ્યઉદ્યોગ પણ વિકસ્યા છે. ક્રાસ્નોવોદસ્કથી ચાર્ડઝાઉ સુધી રેલવે માર્ગ છે. આ માર્ગને પૂરક ગણાય એવા રસ્તાઓ પણ વિકસાવવામાં આવ્યા છે. આશરે 800 કિમી. લાંબી કારા કુમુસ્કી નહેર રેલવે માર્ગની સમાંતરે આવેલી છે. આ નહેર દુનિયામાં પરિવહન અને સિંચાઈ માટેની સૌથી લાંબી નહેર છે.
તેની કુલ વસ્તીમાં તુર્કમેન 72%, રશિયનો 10% તથા બાકીની વસ્તીમાં ઉઝબેક, કઝાક યુક્રેનિયન જાતિની લઘુમતીઓનો સમાવેશ થાય છે. તુર્કમેનિસ્તાનની સત્તાવાર ભાષા તુર્કમેનિયન છે. ત્યાં રશિયન ભાષાનો પણ ઉપયોગ થાય છે.
તુર્કમેનિસ્તાન ગણતંત્રીય સ્વરૂપની સરકાર અને એકગૃહી ધારાસભા ધરાવે છે.
દસમી સદીમાં તુર્કમેનિસ્તાનમાં તુરીક જાતિના લોકો વસતા હતા. આમાં ટેક્કી અથવા ટેપ્પી જાતિઓ વધારે હતી. ત્યાંના લોકો મુખ્યત્વે સુન્ની મુસ્લિમો છે. તેઓ મોટે ભાગે તો સાલ્જુક અને ઑટોમન તુર્કોના વંશજો છે. આ સાલ્જુક અને ઑટોમન તુર્કો કાસ્પિયન સમુદ્રથી પશ્ચિમ બાજુએ ફેલાયા અને અગિયારમી સદીમાં અજરબૈજાન અને તુર્કી સુધીનો પ્રદેશ જીતી લીધો. તુર્કમેનો વચ્ચેની પારસ્પરિક હરીફાઈ ક્યારેક ઘણી ઉગ્ર અને તીવ્ર બનતી. 1869માં રશિયનોએ જ્યારે કાસ્પિયન સમુદ્રના પૂર્વ કિનારાના પ્રદેશો પર આક્રમણ કર્યું, ત્યારે તેમણે તુર્કમેનોમાં રહેલી ભાગલાવાદી વૃત્તિનો ભરપૂર લાભ ઉઠાવ્યો. 30 વર્ષના સંઘર્ષ પછી રશિયનો તુર્કમેનોને રશિયન તુર્કીસ્તાન સાથે જોડી શક્યા હતા. આ સંઘર્ષમાં દોઢ લાખ તુર્કમેનો માર્યા ગયા હતા. રશિયન ક્રાંતિ (1917) પછી બ્રિટિશ દળોએ એક સ્વતંત્ર ટ્રાન્સકાસ્પિયન રાજ્ય રચવાના પ્રયાસમાં મદદ કરી; પરંતુ 1920માં જ્યારે બ્રિટિશ દળો પાછાં હઠ્યાં ત્યારે સોવિયેત લાલ સેનાએ તેના પર પોતાનો અંકુશ સ્થાપી દીધો અને 1924માં ‘તુર્કમેન સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક’ની રચના થઈ. સોવિયેત શાસન નીચે તુર્કમેનો સૌપ્રથમ વાર એક થયા. જોકે 1930ના દાયકા સુધી સોવિયેત-વિરોધી ગેરીલા યુદ્ધ ચાલતું રહ્યું. તુર્કમેનોની સ્વતંત્રતા માટેની આકાંક્ષા 1991 સુધી વણસંતોષાયેલી રહી. પરંતુ 1991માં સોવિયેત સંઘનું વિઘટન થતાં, તુર્કમેનિસ્તાન સ્વતંત્ર ગણતંત્ર તરીકે જાહેર થયું અને ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’નું એક સભ્ય રાજ્ય બની ગયું. તે સુન્ની મુસ્લિમોની ભારે બહુમતી ધરાવતું હોવા છતાં કોઈ સત્તાવાર ધર્મ ધરાવતું નથી. સોવિયેત શાસન નીચે સાત દાયકા સુધી જોહુકમીનો ભોગ બનેલી મસ્જિદો અને ધાર્મિક સંસ્થાઓ હવે ફરીથી સક્રિય બની છે.
તુર્કમેનિસ્તાનનું 1993 સુધી સત્તાવાર ચલણ રૂબલ હતું. (1 રૂબલ= 100 કોપેક). હવે તેનું સત્તાવાર ચલણ માનટ છે.
ઇતિહાસ : તુર્કમેનિસ્તાનમાં 1990થી નિયાઝોવ ચૂંટાઈને પ્રમુખ બન્યો હતો. તેનું શાસન નિરંકુશ હતું. તેથી તેની સામેનો રાજકીય વિરોધ દબાવી દેવામાં આવતો હતો. 1999માં નિયાઝોવને દેશનો આજીવન પ્રમુખ નીમવામાં આવ્યો. ઈ. સ. 2000 અને 2001માં પ્રમુખ નિયાઝોવે અનેક મહત્વના અધિકારીઓ બદલી નાખ્યા હતા. નવેમ્બર, 2002માં પ્રમુખના જાનને જોખમમાં મૂકે એવો હુમલો થયો. પ્રમુખે તેની સામેના વિરોધને કચડી નાખવાનાં પગલાં ભર્યાં. કેટલાકને આજીવન કેદની સજા કરી. 2004ના વર્ષ દરમિયાન પ્રમુખ નિયાઝોવે તેની અસ્થિર કાર્યપદ્ધતિ અને રાજનીતિ દ્વારા દેશના તથા બહારની દુનિયાના લોકોને ચકિત કરી દીધા. ઑગસ્ટ, 2005માં તુર્કમેનિસ્તાને કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સનો ત્યાગ કર્યો. 21 ડિસેમ્બર, 2006ના રોજ પ્રમુખ નિયાઝોવનું અવસાન થયું. તેણે 1991થી દેશ ઉપર કડક સરમુખત્યારની જેમ શાસન કર્યું હતું. ડિસેમ્બર, 2006માં નાયબ વડાપ્રધાન ગુરબંગુલી બર્દિમુખમ્મેદોવ કામચલાઉ પ્રમુખ બન્યો. 11 ફેબ્રુઆરી, 2007ના રોજ થયેલ ચૂંટણીમાં બર્દિમુખમ્મેદોવ પ્રમુખ ચૂંટાયો. તેણે શિક્ષણમાં સુધારા કર્યા. 2008માં પણ જુદા જુદા સુધારા કરવામાં આવ્યા. લોકોને પરદેશમાં જવાનું સરળ બનાવવામાં આવ્યું. અગાઉના નેતાઓનાં બાવલાં દૂર કરવામાં આવ્યાં. 2009માં વિદેશોમાંની મંદીની અસર તુર્કમેનિસ્તાનમાં થવાથી, તેની નિકાસમાં ઘટાડો થયો. જૂન, 2009માં દેશને ચીન પાસેથી 3 અબજ ડૉલરની લોન, કુદરતી ગૅસના કૂવા વિકસાવવા માટે આપવામાં આવી. તે સાથે આ દેશે ચીનને પાઇપ-લાઇન દ્વારા ગૅસ નિકાસ કરવાનો હતો.
નવનીત દવે
જયકુમાર ર. શુક્લ