તુર્ક : તુર્કી કુળની ભાષા બોલતા લોકો. ઈશુની શરૂઆતની સદીઓમાં ઉત્તર મૉંગોલિયાના આલ્તાઈ પર્વત અને મધ્યએશિયાનાં ઘાસનાં મેદાનોમાં ભટકતી જાતિઓના વંશજો. તુર્કોની ભાષા ઉરલ આલ્તાઇ કુળની ભાષા છે. તુર્ક લોકોને પશ્ચિમ અને પૂર્વ એવાં બે જૂથમાં વિભાજી શકાય. પશ્ચિમ જૂથમાં દક્ષિણ યુરોપ, તુર્કી અને ઈરાનના વાયવ્ય વિસ્તારમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે; જ્યારે પૂર્વ જૂથમાં અગાઉના સોવિયેત સંઘના પ્રદેશ તેમજ ચીનના સિન્કિયાંગ વિસ્તારમાં રહેતા તુર્કોનો સમાવેશ થાય છે.

પ્રાચીન તુર્કી ચિત્રકલાની એક પ્રતિકૃતિ

દસ તુર્કીકુળની ભાષાઓમાં તુર્કિશ અથવા તુર્કી ભાષા મુખ્ય ભાષા છે. જગતમાં તુર્કોની વસ્તી આશરે 9 કરોડ છે, જેમાંના મોટાભાગના તુર્કી, ‘કૉમનવૅલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ બાલ્કન દેશો, માગોલિયા, ચીન અને ઈરાનમાં વસે છે. તુર્કીની 90 % વસ્તી તુર્કોની છે. તાર્તાર એ કિરગીઝ જાતિના તુર્કો ‘કૉમનવૅલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’નાં દક્ષિણ રાજ્યોમાં વસે છે. પૂર્વ સાઇબેરિયાના યાકુત પ્રદેશ અને અગાઉના સોવિયેત સંઘના વૉલ્ગાના પ્રદેશ સિવાય મોટાભાગના તુર્કો ઇસ્લામ ધર્મના અનુયાયીઓ છે.

તુર્કોનો પોતાનો આગવો ઇતિહાસ છે. મધ્ય એશિયાના ઉત્તર ભાગમાં તે એક ભટકતી જાતિ તરીકે ઇતિહાસના ફલક પર દેખા દે છે. ઈસુની ચોથી સદીમાં મોટાભાગના યુરોપને જીતી લેનાર હૂણો તુર્કોના પૂર્વજો હતા. ઈ. સ. 552માં બઇકલ સરોવરની આસપાસ સેલજુક તુર્કો જાતિજૂથો તરીકે વસવાટ કરતા હતા. તેઓ પશ્ચિમ અને પૂર્વ તરફ ફેલાયા. ઈ. સ. 657માં પૂર્વ તરફ આગળ ધપતાં સેલજુક તુર્કોને ચીનના તેંગ વંશના શહેનશાહોએ રોક્યા અને મારી હઠાવ્યા. આથી તેઓ પશ્ચિમ તરફ આગળ વધ્યા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. તેઓએ બુખારા અને સમરકંદનાં રાજ્યો સ્થાપ્યાં. તેમના એક જૂથે દક્ષિણ તરફ આગળ વધીને અફઘાનિસ્તાન તથા ઉત્તર હિંદુસ્તાનના પ્રદેશો કબ્જે કર્યા. અન્ય જૂથ એશિયા માઇનોર અને અરબસ્તાનમાં પ્રવેશ્યું. ઈ. સ. 1071માં મેલાસગ્રીડની લડાઈમાં તેઓએ પૂર્વીય રોમન સામ્રાજ્યને પરાજિત કર્યું. ત્યાર પછી યુરોપનાં ખ્રિસ્તી રાજ્યોએ તેમની સાથે 1096–1291 દરમિયાન ધર્મયુદ્ધ (crusades) કર્યાં હતાં. સેલજુક તુર્કોએ અરબસ્તાન પર કબજો જમાવીને સમગ્ર મુસ્લિમ જગત પર વર્ચસ્ સ્થાપ્યું.

માગોલો દ્વારા સેલજુક તુર્કોના સામ્રાજ્યના નાશ પછી ઑટોમન નામની અન્ય તુર્કજાતિએ કૉન્સ્ટૅન્ટિનોપલ સહિત દક્ષિણપૂર્વ (અગ્નિ) યુરોપમાંના બાલ્કન દેશોથી માંડીને ઇજિપ્ત સુધી તુર્કી સામ્રાજ્ય સ્થાપ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આધુનિક તુર્કીનું નિર્માણ થયું (1923).

આજે આશરે 50,300,000 જેટલા તુર્કીમાં વસતા તુર્કો ઉપરાંત 13 લાખ કરતાં વધારે તુર્કો ગ્રીસ, બલ્ગેરિયા, સાયપ્રસ, આલ્બેનિયા, રુમાનિયા તથા દક્ષિણ યુગોસ્લાવિયામાં રહે છે. 290 લાખ જેટલા ઑગુઝ તુર્કો અગાઉના સોવિયેત સંઘમાં સ્થાયી થયા હતા. આમાં ઉઝબેક, કઝાક, કિરગીઝ, તુર્કમાન, અઝરબૈજાની, કાલા કલ્પાક, બશકીર, યાકુત, ચુવાસ તથા યુગીહુરનો સમાવેશ થાય છે.

નવનીત દવે