તુઝૂકે જહાંગીરી : મુઘલ બાદશાહ જહાંગીરે લખેલું પોતાનું જીવનવૃત્તાંત.
‘તુઝૂકે જહાંગીરી’માં મુઘલ સમ્રાટ જહાંગીરે પોતાના શાસનનાં પ્રથમ 17 વર્ષ સુધીની ઘટનાઓનું વર્ણન કર્યું છે. તે પછીના તેના શાસનનાં 19મા વર્ષની શરૂઆત સુધીના બનાવો તેના આદેશ પ્રમાણે મુતમિદખાને લખ્યા છે. આ પુસ્તકની ખાસ વિશેષતા તેની મૌલિકતા, સાદગી અને સ્વચ્છતા છે. તેમાં જહાંગીરનું વ્યક્તિત્વ અને તેની નિખાલસતા પ્રગટ થાય છે. તેમ છતાં તેણે પોતાને ન ગમતી કેટલીક હકીકતોનો ઉલ્લેખ કર્યો નથી; દા. ત., તેણે કરેલો અકબર સામેનો બળવો, ખુસરોના મૃત્યુ સંબંધી સંજોગો કે નૂરજહાં સાથેનાં તેનાં લગ્ન. જોકે જહાંગીર નાનામાં નાની બાબતોનું ખૂબ જ કાળજીપૂર્વક અને સૂક્ષ્મ ર્દષ્ટિએ અવલોકન કરતો હતો અને કોઈ આશ્ચર્યજનક કે અનોખી બાબત વિશે પોતે જાતઅનુભવ લેતો હતો. આ પુસ્તકમાં તે સમયના મહાન નકશબંદી સંત હઝરત મુજદ્વીદ અલ્કસાની (2-અ.) સરહિન્દીના વિશે તેનો અણગમો જોવા મળે છે.
જહાંગીરની લેખનશૈલી સરળ અને આકર્ષક છે. કેટલીક જગ્યાએ હિન્દી શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. આ સિવાય આમાં તે સમયની મહેફિલો, સભાઓ, કેટલાંક નગરોનો ઇતિહાસ અને ત્યાંના લોકોના રીતરિવાજો તેમજ લોકોની ટેવો વગેરેનું વર્ણન મળે છે. પુષ્પો, ફળો, પક્ષીઓ, પ્રાણીઓ વિશે માહિતી પ્રાપ્ત થાય છે. જહાંગીરે તુર્કસ્તાનથી ઘણાં ફળોના છોડ મંગાવી અહીંયા રોપ્યા હતા. તેણે ઘણાં પરદેશી પુષ્પોના છોડોનું પણ વાવેતર કરાવેલું.
આ પુસ્તક દ્વારા એ પણ જાણવા મળે છે કે જહાંગીરે ઘણાં સામાજિક અનિષ્ટોને આદેશ આપી સખ્તાઈપૂર્વક બંધ કરાવ્યાં હતાં. તેના આદેશથી જુગારના અડ્ડાઓ બંધ કરાવી દેવામાં આવ્યા હતા. સમ્રાટે સામાજિક દુષ્કર્મોને દૂર કરવા ઉપરાંત ન્યાય ઉપર વધારે ધ્યાન આપ્યું હતું. શાસનના પ્રથમ વર્ષમાં જ પાટનગર આગ્રાના કિલ્લામાં સોનાની ન્યાય-સાંકળ લટકાવવામાં આવી હતી. જેથી સામાન્ય જનતા નિર્ભય રીતે દાદ માગી શકે. આ ગ્રંથ એક ર્દષ્ટિવાન સૌંદર્યચાહક બાદશાહની ઉઘાડી દાસ્તાન છે જે તે સમયની શાહી સંસ્કૃતિનો અરીસો છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ