તુગેલા : દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકના નાતાલ પ્રાન્તમાં આવેલી નદી. તે આશરે 29° 11´ દ. અક્ષાંશ તથા 31° 25´ પૂ. રેખાંશ પર આવેલી છે. તેના પર આવેલો જળધોધ પણ ‘તુગેલા’ નામે ઓળખાય છે. આ નદી લેસોથો દેશની સીમા નજીક આશરે 3299 મીટરની ઊંચાઈએ આવેલા મૉન્ટ-ઑક્સ પર્વતમાંથી ઉદભવીને લગભગ 502 કિમી.ની લંબાઈમાં પૂર્વ તરફ વહીને ડર્બનથી 83 કિમી. ઉત્તરે હિન્દી મહાસાગરને મળે છે.

આ નદીના ઉપરવાસનો પ્રવાહ ડ્રેકન્સબર્ગ પર્વતો પરથી પસાર થાય છે. અહીં તેણે આ પર્વતોની ઊભા ઢાળવાળી ઊંચી ધારને ખોતરી નાખીને ઊંડાં કોતરોની રચના કરી છે, જે સમુદ્રસપાટીથી આશરે 1500 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ કોતરોમાંથી તેનો ધસમસતો પ્રવાહ એક પછી એક એમ ક્રમશ: નીચે તરફનાં કુદરતનિર્મિત ખડકાળ પગથિયાં પરથી જળપ્રપાત રૂપે નીચે પડે છે. આ જળપ્રપાતોને આવરી લેતા પ્રદેશમાં ‘રૉયલ નાતાલ રાષ્ટ્રીય ઉદ્યાન’ની રચના કરવામાં આવી છે, આ જળધોધ દુનિયાના સૌથી વધુ ઊંચાઈએથી પડતા જળધોધો પૈકીનો એક છે. અવરોધ સિવાય તે આશરે 411 મી.ની ઊંચાઈએથી પડે છે, પણ જળપ્રપાતની બધી શૃંખલાને ગણતરીમાં લઈએ તો તે આશરે 948 મી.ની. ઊંચાઈથી પડે છે તેમ કહી શકાય.

તુગેલા જળપ્રપાતોને વટાવીને આ નદી ‘લેડી સ્મિથ બૅસિન’માં આવે છે. આ પછી તે સાંકડી ખીણમાં આગળ વધીને તુગેલા થાળામાં પ્રવેશે છે. પૂર્વના અંત ભાગમાં તેણે ‘ટેબલ પર્વતો’ના રેતીખડકોથી રચાયેલા વિશાળ પર્વતખંડને કોતરીને પોતાનો માર્ગ બનાવ્યો છે. છેવટે મુખ ત્રિકોણપ્રદેશની રચના કરીને તે હિન્દી મહાસાગરને મળે છે. રેતાળ બંધોથી ઘેરાયેલો તેનો મુખત્રિકોણપ્રદેશ રેતી અને કાદવકીચડયુક્ત છે. અહીં આવેલાં ખાડી-સરોવરો(lagoons)માં માત્ર નૌકાવ્યવહાર થઈ શકે છે. આ નદી તેના સાંકડા વહનમાર્ગ અને ઓછા કાંપ-નિક્ષેપનકાર્યને લીધે સિંચાઈ અને ખેતી માટે બહુ ઉપયોગી બનતી નથી.

બીજલ પરમાર