તાજુલ મઆસિર : કુત્બુદ્દીન અને અલ્તમશના શાસનનો ઇતિહાસગ્રંથ. તેના લેખકનું નામ હસન નિઝામી અથવા તાજુદ્દીન હસન બિનનિઝામી હતું. 1205માં હસન નિઝામીએ તાજુલ મઆસિર લખવાની શરૂઆત કરી. આ ગ્રંથમાં 1217 સુધીની ઘટનાઓ તેમજ બનાવો નોંધાયા છે.

તાજુલ મઆસિર કુત્બુદ્દીન ઐબક અને સમશુદ્દીન અલ્તમશનો ઇતિહાસ હોવાથી તેની ઘણી અગત્ય છે. અલ્તમશના શાસનકાળનાં પ્રથમ સાત વર્ષનો રાજકીય અને લડાઈઓના અહેવાલ ઉપરાંત  એમાં શાહબુદ્દીન ઘોરીના હિન્દુસ્તાન ઉપરના છેલ્લા પાંચ હુમલાનો અહેવાલ પણ છે.

લેખકે ઇતિહાસલેખનમાં સાહિત્યિક શૈલી ઉપર વધારે ઝોક આપ્યો છે. આરંભથી માંડી  અંત સુધી કૃત્રિમ ભભકાદાર ભાષાથી ગ્રંથને શણગાર્યો છે. એમાં ઐતિહાસિક સામગ્રી જેટલી હોવી જોઈએ તેટલી  નથી, તેમ છતાં પણ કુત્બુદ્દીન ઐબકનાં યુદ્ધો વિશેની તેમાંની સવિસ્તર માહિતી બીજા ગ્રંથોમાં જોવા મળતી નથી.

જેનું પુસ્તક સચવાયું હોય એવો હિન્દુસ્તાનનો આ પ્રથમ ઇતિહાસકાર છે; અને એ દ્વારા કુત્બુદ્દીન ઐબક વિશે અનુયાયીઓને સરળતાથી માહિતી મળે છે.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ