તાજિકિસ્તાન : ભૂતપૂર્વ સોવિયેત સંઘના વિઘટન પછી અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય. લગભગ 1,43,100 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલા આ પહાડી દેશનું ભૌગોલિક સ્થાન મધ્ય એશિયાની ઊંચી ગિરિમાળાઓ અને ઉચ્ચપ્રદેશોમાં આશરે 37° ઉ.થી 40° ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 67° પૂ.થી 75° પૂ. રેખાંશવૃત્તો વચ્ચે આવેલું છે. તેની ઉત્તરમાં કિંર્ગિઝસ્તાન (કીર્ઘિયા), પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, પૂર્વમાં ચીન તથા દક્ષિણમાં અફઘાનિસ્તાન જેવા દેશો આવેલા છે. અફઘાનિસ્તાન સાથેની તેની દક્ષિણની સીમા મોટેભાગે આમુ દરિયા (નદી) દ્વારા નિશ્ચિત થયેલી છે.

પ્રાકૃતિક રચના : આ દેશમાં ટિએન શાન, ગિસ્સાર–અલાઈ કે હિસ્સાર–અલાઈ તેમજ પામીરની ઊંચી અને નવી ગેડ પર્વતમાળાઓ આવેલી છે, જે દેશના આશરે 90 % ભૂમિવિસ્તારને આવરી લે છે. નદીઓના ખીણપ્રદેશો તથા નૈર્ઋત્ય ખૂણાના થોડાક નીચા વિસ્તારોને બાદ કરતાં બાકીના મોટાભાગના પહાડી પ્રદેશો લગભગ 3000 મી.થી વધુ ઊંચાઈ ધરાવે છે. તેનાં આશરે 6000 મી.થી વધુ ઊંચાઈનાં શિખરો બારેમાસ હિમાચ્છાદિત રહે છે. આ પૈકીનું સર્વોચ્ચ શિખર ‘કોમ્યુનિઝમ’ (7495 મી.) છે. અહીંની ઊંચી પર્વતમાળાઓમાંથી અસંખ્ય હિમનદીઓ ઉદભવે છે. આ હિમનદીઓ નીચે ઊતરે છે, ત્યારે તેમાંનો બરફ પીગળે છે, જેથી અહીંની નદીઓમાં બારેમાસ પાણીપુરવઠો જળવાઈ રહે છે.

આ દેશની દક્ષિણની સીમા પરની આમુ દરિયા (નદી) પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. અન્ય નદીઓમાં સિર દરિયા, વખ્શ, ઝેરાવ્શાન વગેરેનો સમાવેશ થાય છે. એકંદરે શુષ્ક આબોહવા ધરાવતા આ દેશ માટે આ બધી નદીઓ વરદાનરૂપ સાબિત થઈ છે. ખેતીમાં જળસિંચન તથા સસ્તી જળવિદ્યુતના ઉત્પાદનમાં તેમનો ફાળો વિશેષ નોંધપાત્ર છે. આ ઉપરાંત પર્વતાળ ક્ષેત્રોમાં નાનાંમોટાં અનેક સરોવરો જોવા મળે છે. તે પૈકીનું ઓઝેરો કારાકુલ નામનું સરોવર સૌથી વધુ વિશાળ છે.

તાજિકિસ્તાન

આબોહવા, કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન : આ દેશ સમુદ્રથી અતિદૂર ખંડસ્થ ભાગમાં આવેલો હોવાથી સામુદ્રિક અસરોના લાભોથી વંચિત રહ્યો છે. આમ તેની આબોહવા વિષમ બનેલી છે. અહીંના  નીચા ખીણપ્રદેશોના ઉનાળા ગરમ અને શુષ્ક તેમ જ શિયાળા વિશેષ ઠંડા રહે છે. અહીં વાર્ષિક વરસાદનું પ્રમાણ 250થી 500 મિમી. વચ્ચે રહે છે. આમ છતાં પહાડી ભાગોમાં ઊંચાઈ વધવાની સાથે સાથે તાપમાનમાં વધુ ને વધુ ઘટાડો થતો જાય છે જે ક્યારેક 0° સે. થી પણ નીચે જાય છે. વાતાવરણમાં રહેલો ભેજ ઊંચા શિખરો પર જઈને હિમ રૂપે ઠરે છે. શિયાળામાં હિમવર્ષા થતાં હિમનદીઓ ઉદભવે છે. આથી ઊંચાઈએ જતાં વરસાદનું પ્રમાણ (હિમવર્ષા સહિત) વધે છે.

નીચા ખીણવિસ્તારોને બાદ કરતાં અહીંનો મોટાભાગનો પ્રદેશ પહાડી છે. ઊંચાઈ પ્રમાણે જેમ આબોહવા પલટાય છે, તેમ વનસ્પતિના પ્રકારો પણ બદલાય છે. નદીખીણો અને પર્વતીય તળેટીના ભાગોમાં ઉપોષ્ણકટિબંધીય (sub-tropical) વનસ્પતિ જોવા મળે છે. પર્વતીય પાત્રોમાં શુષ્કતાનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં ઘાસ અને ઝાંખરાં જેવી વનસ્પતિ હોય છે. આ દેશના માત્ર 4 % ભાગમાં જ જંગલો છવાયેલાં છે. ઘાસવાળા પ્રદેશો પછી, વધુ ઊંચાઈએ જતાં મિશ્રજંગલો અને તે પછી શંકુદ્રુમ જંગલોના પટ્ટા આવે છે. ઉત્તરના ભાગોમાં ખાસ કરીને જુનિયર વૃક્ષો તેમ જ દક્ષિણના ભાગોમાં  મૅપલ, પોપ્લર, અખરોટ, સફરજન જેવાં પહોળા પાનવાળાં વૃક્ષોનું પ્રમાણ વધારે છે. હિમરેખાથી નીચેના પ્રદેશોમાં આલ્પાઇન ઘાસ, ફૂલછોડ, લીલ અને શેવાળ જેવી વનસ્પતિ છવાયેલી છે.

અહીંના શુષ્ક ભાગોમાં હરણ, વરુ, સસલાં તથા સરીસૃપ જાતિનાં (કાચીંડા, કાચબા, સાપ વગેરે) તેમજ વીંછી જેવાં પ્રાણીઓ સામાન્ય છે. જંગલોમાં રીંછ, બિલાડા, હરણ, શિયાળ તેમ જ ખીણ અને પહાડોની તળેટીમાં જાતજાતનાં પક્ષીઓ જોવા મળે છે. તેમાં તેતર (pheasant) સુરખાબ, બતક વગેરે મુખ્ય છે. પર્વતીય જંગલોમાં ખાસ કરીને જંગલી ઘેટાં અને સુવર, શિયાળ, સસલાં, લિન્ક વગેરે જોવા મળે છે. આ પ્રદેશ ઘંટીટાંકણો (hoope), સોનેરી ગરુડ, ફુત્કી (warbler), લવાં કે બટેર (quail), તેતર દેવું (partridge) વગેરે પક્ષીઓ માટે સ્વર્ગસમાન છે.

ખેતી અને પશુપાલન : ખાસ કરીને પહાડી પ્રદેશોમાં  પુષ્કળ ઘાસચારો ઊગી નીકળે છે, તેથી આ દેશમાં પશુપાલનપ્રવૃત્તિનો ખૂબ સારો વિકાસ થયો છે. શિયાળામાં અને વસંતઋતુની શરૂઆતમાં નીચા અને શુષ્ક પ્રદેશોમાં થતા ઘાસચારા પર, તે પછીના સમયમાં પહાડી ઢોળાવ પર થતા ઘાસ પર તેમજ ઉનાળાની ઋતુમાં અતિશય ઊંચાઈ પર થતા આલ્પાઇન ઘાસનાં મેદાનોમાં ઢોરોને ચરાવવામાં આવે છે. આ સિવાય ખેતી કરીને પણ અહીં ઘાસચારાનું ઉત્પાદન થાય છે.

મુખ્યત્વે નદીખીણો અને પહાડી ઢોળાવો પર નહેરો દ્વારા સિંચાઈ કરીને ત્યાં સઘન ખેતીનો વિકાસ કરવામાં આવ્યો છે. ખેતીમાં યંત્રોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઉત્પાદનની ર્દષ્ટિએ જોતાં કપાસનો પાક મોખરાનું સ્થાન ધરાવે છે. ખાદ્ય પાકોમાં મુખ્યત્વે ઘઉં, જવ, બાજરી અને મકાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં બટાટા અને અન્ય શાકભાજી તેમજ ફળો તથા તેલીબિયાંના પાકો પણ મહત્ત્વના છે. ફળોમાં દ્રાક્ષને પ્રાધાન્ય આપવામાં આવે છે. કેટલાક ખેડૂતો શેતૂરનાં વૃક્ષો પર રેશમના કીડાનો ઉછેર કરે છે.

ખનિજો, ઊર્જાનાં સાધનો અને ઉદ્યોગો : આ દેશમાંથી મુખ્યત્વે  સીસું, જસત, ઍન્ટિમની, બિસ્મથ, ટંગ્સ્ટન, યુરેનિયમ, રેડિયમ વગેરે ધાતુખનિજો ઉપરાંત ખનિજતેલ અને કુદરતી વાયુ, ભૂખરો કોલસો, મીઠું, આર્સેનિક વગેરે મળે છે. દુશાન્બે અને રશિયાનાં અન્ય નગરોને સાંકળતી ખનિજતેલ અને વાયુની નળપ્રણાલી આવેલી છે. વળી અહીં ખનિજતેલની રિફાઇનરી તથા ધાતુખનિજોનાં ગાળણ અને શુદ્ધીકરણ કરવાનાં કારખાનાં પણ છે. અહીંની નદીઓ પરની સિંચાઈ યોજનાઓની સાથે સાથે જળવિદ્યુતના ઉત્પાદનની પણ યોજનાઓ તૈયાર કરવામાં  આવી છે. સિર દરિયા (નદી) પર કૈશક-કુમ ખાતે મોટું જળવિદ્યુતમથક આવેલું છે. આ ઉપરાંત વખ્શ નદી પર 24 જેટલાં જળવિદ્યુતમથકો છે.

આ દેશને ભૂતપૂર્વ સોવિયેત સરકાર તરફથી ઉદ્યોગોની સ્થાપના માટે આર્થિક મદદ મળતી હતી. સસ્તી જળવિદ્યુત ઉપરાંત ખેતી, પશુપાલન તેમ જ ખનિજોમાંથી ઉદ્યોગોને જરૂરી કાચો માલ ઉપલબ્ધ થાય છે. અન્ય કાચા માલની આયાત કરવામાં આવે છે, જેથી અહીં અનેકવિધ ઉદ્યોગોનો વિકાસ થયો છે. ખાસ કરીને સુતરાઉ અને રેશમી કાપડ તથા આ ઉદ્યોગોની યંત્રસામગ્રી, કૃષિયંત્રો અને બીજી યંત્રસામગ્રી, ધાતુકામ, રસાયણો અને ખાતરો, સિમેન્ટ, તૈયાર કપડાં, ધાતુગાળણ અને શુદ્ધીકરણ, ખનિજતેલ-શુદ્ધીકરણ, વિદ્યુતને લગતી યંત્રસામગ્રી અને સરસામાન, ખાદ્ય ચીજવસ્તુઓનું પ્રક્રમણ વગેરેને લગતા ઉદ્યોગો મહત્ત્વના છે. આ દેશના લોકો કુટિર-ઉદ્યોગોમાં પણ કુશળ છે.

વાહનવ્યવહાર અને વ્યાપાર : આ દેશનું પહાડી ભૂપૃષ્ઠ રેલ અને સડકમાર્ગોના વિકાસ માટે સાનુકૂળ નથી. આમ છતાં  ભૂતપૂર્વ સોવિયેત સરકારની મદદથી ભૂમિમાર્ગોનો વિકાસ કરવામાં આવ્યો છે. પાટનગર દુશાન્બે રેલ અને સડકમાર્ગે પડોશી દેશો અને રશિયાનાં મુખ્ય શહેરો સાથે સંકળાયેલું છે. વળી તે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ધરાવે છે.

આ દેશ જૂના સમયમાં વણઝારમાર્ગે એશિયા અને યુરોપના દેશો સાથે વ્યાપારી સંબંધો ધરાવતો હતો અને આજે પણ ભૂમિમાર્ગો દ્વારા જ તે જુદા જુદા દેશો સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે. દુનિયાના 36 જેટલા વિવિધ દેશોમાં તે યંત્ર-ઇજનેરી અને ધાતુકામને લગતાં ઉત્પાદનોની નિકાસ કરે છે.

વસ્તી અને વસાહતો : આ દેશમાં મુખ્યત્વે ઉઝબેક અને તાજિક પ્રજાઓ વસે છે. તાજિક લોકો ઇસ્લામ ધર્મ પાળતા સુન્ની મુસ્લિમો છે અને તેઓ મૂળ ઈરાનના ઉચ્ચપ્રદેશમાંથી મધ્ય એશિયામાં સ્થળાંતરિત થયેલા લોકોમાંથી ઊતરી આવેલા છે. અહીં ખાસ કરીને તાજિક અને રશિયન ભાષા વપરાશમાં છે, શિક્ષણનું પ્રમાણ ઘણું ઊંચું છે. ઊંચા પહાડી ક્ષેત્રોની તુલનામાં નદીઓના ખીણપ્રદેશોમાં વસ્તી અને તેની ગીચતાનું પ્રમાણ વધારે છે. આ દેશની વસ્તી લગભગ 70,75,000 (2011) જેટલી છે.

દેશનું પાટનગર દુશાન્બે દેશના વાયવ્ય ભાગમાં આવેલું છે અને તે દેશનું સૌથી મોટું નગર તથા અગત્યનું ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. અહીં કાપડ (સુતરાઉ તથા રેશમી), ઇજનેરી, રસાયણો, ખાદ્ય ચીજવસ્તુઓને લગતા અનેક ઉદ્યોગો છે. અહીંની યુનિવર્સિટી તબીબી, ઇજનેરી, કૃષિ અને બીજી વિદ્યાશાખાઓની કૉલેજો ધરાવે છે. વળી અહીં ભાષા અને વિજ્ઞાનભવનો, ભૂભૌતિક અને ભૂકંપવિજ્ઞાનને લગતી સંસ્થાઓ ઉપરાંત નાટ્યગૃહો, સ્ટેડિયમ અને જાહેર પુસ્તકાલયોની સુવિધાઓ પણ છે.

અન્ય અગત્યનાં નગરોમાં લેનિનાબાદ, કુલ્યાબ, કુર્ગન-ત્યુબે, યુરા-ત્યુબે, પાન્ડજિકંદ ઇસ્ફારે, રોગર વગેરેનો સમાવેશ થાય છે.

સામ્યવાદી વિચારસરણી ધરાવતા સોવિયેત સંઘમાંથી ડિસેમ્બર, 1991માં મધ્ય એશિયાનાં ઘણાં પ્રજાસત્તાક રાજ્યોએ અલગ થઈને સ્વાતંત્ર્ય હાંસલ કર્યું, જેમાં તાજિકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ઈ. સ. 1990માં તેણે સાર્વભૌમત્વની ઘોષણા કરી. 9 સપ્ટેમ્બર, 1991 તેનો સ્વાતંત્ર્યદિન છે. 1992થી તે બંધારણીય પ્રજાસત્તાક તરીકેનો રાજકીય દરજ્જો ધરાવે છે.

સો ટકા સાક્ષરતા ધરાવતા આ દેશમાં સુન્ની મુસ્લિમોની વસ્તી 85 ટકા છે.

ઇતિહાસ : તાજિક લોકો ઈરાનીઓના વંશજો છે. તેઓ આ પ્રદેશમાં 2500 વર્ષ અગાઉથી વસવાટ કરે છે. ઈ. સ. પૂર્વે 4થી સદીમાં ઍલેક્ઝાન્ડરે (સિકંદર) આ પ્રદેશ જીતી લીધો હતો. ઈ. સ.ની 7મી સદીમાં તાજિકિસ્તાન પર આરબોએ જીત મેળવી અને ત્યાં ઇસ્લામ ધર્મ ફેલાવ્યો. 9મી સદીમાં તેને ઈરાની સામ્રાજ્યમાં જોડવામાં આવ્યું. તાજિક શહેરો બુખારા અને સમરકંદ વેપારનાં અને ઇસ્લામી ધર્મના અભ્યાસનાં કેન્દ્રો હતાં. 13મી સદીમાં મૉંગોલ ટોળીઓએ તાજિકિસ્તાન કબજે કર્યું. 16મીથી 19મી સદી સુધી ઉઝબેક લોકોએ આ પ્રદેશ પર શાસન કર્યું. રશિયાએ 1868થી તેના કેટલાક પ્રદેશો જીત્યા. રશિયાની ક્રાંતિ (1917) પછી તાજિકિસ્તાને રશિયાના શાસન સામે બળવો કર્યો. 1924માં તાજિકિસ્તાન ઉઝબેકિસ્તાનના પ્રજાસત્તાકનો સ્વાયત્ત પ્રદેશ બન્યું. 1990માં તાજિક સંસદે દેશને સર્વોચ્ચ સાર્વભૌમ જાહેર કર્યો. 1991માં તાજિકિસ્તાન સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય બન્યું. 1992માં સામ્યવાદીઓ અને લોકશાહી સમૂહો વચ્ચે આંતરવિગ્રહ થયો. 1994માં રાખમોનૉવ દેશનો પ્રમુખ ચૂંટાયો. 1996માં આંતરવિગ્રહનો અંત આણીને શાંતિના કરાર કરવામાં આવ્યા. ઇમોમ અલી રાખમોનૉવ 1999માં ફરી વાર પ્રમુખ ચૂંટાયો. 2001માં દુષ્કાળને કારણે દસ લાખથી વધુ લોકો ભૂખમરાની દશામાં હતા. 2002માં દેશનું અર્થતંત્ર નબળું હતું. તેને અમેરિકાની સહાય મળતી હતી.

6 નવેમ્બર, 2006ના રોજ યોજાયેલ ચૂંટણીમાં રાખમોનૉવ ત્રીજી વાર સાત વર્ષ માટે દેશનો પ્રમુખ ચૂંટાયો. દેશના બંધારણમાં 2003માં સુધારા કરીને રાખમોનૉવ ચાર મુદ્દત સુધી પ્રમુખ થઈ શકે એવી જોગવાઈ કરવામાં આવી. ઈ. સ. 2008ના જાન્યુઆરી–ફેબ્રુઆરીમાં અતિશય ઠંડીને કારણે દેશને એક અબજ ડૉલર જેટલું નુકસાન થયું. આ દેશના અનેક લોકો પરદેશોમાં મજૂરી કરવા જતા. તેઓને મંદીની અસર રૂપે 2009માં બેકારી વેઠવી પડી. તેથી દેશમાં તેઓ પોતાના કુટુંબને નાણાં મોકલે તેમાં 30 %થી 40 %નો ઘટાડો થયો. તેની અસરથી તાજિકિસ્તાનમાં ગુનાનું પ્રમાણ 11.6 % જેટલુ વધ્યું.

જયકુમાર ર. શુક્લ

બીજલ પરમાર