તાઇસુંગ (600 –649) : ચીનમાં તેંગ સામ્રાજ્યનો સ્થાપક અને પ્રતિભાશાળી સમ્રાટ. તેનું મૂળ નામ બી શીહ-મીન (પિન્યીન તાઇ ઝોંગ) હતું. સુઈ વંશ (581–618)ના છેલ્લા રાજવી હેઠળ લશ્કરી સૂબા તરીકે કામ કરતા અને તેંગ વંશના સ્થાપક લી યુયાન(618–626)નો તે દ્વિતીય પુત્ર હતો. નાની વયે જ તેણે તેના પિતાને નબળા પડતા સુઈ વંશના રાજવી સામે બળવો કરવાની પ્રેરણા આપી હતી. લી યુયાન સત્તા પર આવ્યો તે સમયે કેન્દ્રીય સત્તા કબજે કરવા માટે તેના ઘણા હરીફો હતા. તે પહેલાં તાર્તાર અને ચીની એમ બે પ્રતિસ્પર્ધી એવા ઉત્તર અને દક્ષિણ સામ્રાજ્યમાં થયેલું ચીનનું રાજકીય વિભાજન લગભગ 272 વર્ષ સુધી ચાલુ રહ્યું હતું. સુઈ વંશના પતન વખતે મોટા ભાગના ચીનના પ્રાંતોમાં સ્વતંત્ર રાજ્યો સ્થપાયાં હતાં. તેમની વચ્ચે સર્વોપરી સત્તા સ્થાપવાનું ઘર્ષણ ચાલુ જ હતું. પરંતુ 618 અને 624 વચ્ચેના સમય દરમિયાન તાઇસુંગે લશ્કરી સેનાપતિ તરીકે 11 જેટલા રાજકીય હરીફોને હરાવી કેન્દ્રીય સત્તા મજબૂત બનાવીને તેંગ સામ્રાજ્યને વિસ્તાર્યું. પરિણામે ચીનમાં રાજકીય સ્થિરતા અને શાંતિ સ્થપાઈ. તાઇસુંગ ચીનમાં ખૂબ લોકપ્રિય બન્યો. પોતાના મોટા ભાઈને દૂર કરીને પિતાને સ્થાને 626માં તે ગાદીએ આવ્યો.
તાઇસુંગ ખૂબ જ સફળ રાજવી પુરવાર થયો હતો. કન્ફ્યૂશિયસના સિદ્ધાંતોને અનુસરીને તેણે તેની વહીવટી નીતિ ઘડી હતી. પોતાની અબાધિત સત્તા સ્થાપીને વહીવટી તંત્રમાં તેણે મહત્વના સુધારા દાખલ કર્યા અને જૂની સંસ્થાઓમાં પ્રાણનું સિંચન કર્યું. મુલકી સેવાઓ માટે સૌપ્રથમ જાહેર પરીક્ષા દાખલ કરવાનું શ્રેય તેને જાય છે. વહીવટી હોદ્દાઓ માત્ર ઉમરાવ કુટુંબો પાસે હતા. પછી ખુલ્લી સ્પર્ધા દ્વારા પસંદગીને ધોરણે વિસ્તૃત શિક્ષિત વર્ગમાંથી યોગ્ય ઉમેદવારો વહીવટી તંત્રમાં દાખલ થવા લાગ્યા. આમ ઉમરાવ કે શાસનકર્તા કુટુંબો વચ્ચે ચાલતા વિખવાદને દૂર કરીને ચીનમાં વહીવટી કાર્યક્ષમતા, એકતા અને એકવાક્યતા સ્થાપવાનું સૌપ્રથમ કાર્ય તાઇસુંગે કર્યું. ચીનમાં હવે અમલદારશાહી શાસનનો પ્રારંભ થયો. તે જ રીતે તાઇસુંગે લશ્કરમાં પણ ઉમરાવ કુટુંબો પાસેથી મહત્વના હોદાઓ લઈને યોગ્યતાને ધોરણે સીધી ભરતી કરી અને લશ્કરને સંપૂર્ણ વ્યવસાયલક્ષી બનાવ્યું. તેણે ચીનની સરહદો પર મહત્વનાં લશ્કરી થાણાં સ્થાપીને બહારનાં આક્રમણોથી ચીનને મુક્ત બનાવ્યું.
તાઇસુંગે શિક્ષણને પ્રોત્સાહન આપ્યું. મુલકી સેવાઓ માટે અધિકારીઓને તાલીમ આપવાની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ પણ સ્થાપી. તેણે સુલેખનકળાને ઉત્તેજન આપ્યું અને તે માટે શિલાલેખો કોતરાવ્યા જે પાછળથી 1000 વર્ષ સુધી શાળાઓના વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ બન્યા. તેણે વહીવટી કરકસરને અનુલક્ષીને કરવેરા અને મહેસૂલપદ્ધતિમાં પરિવર્તન આણ્યું; તેથી ભારત અને પશ્ચિમ એશિયાના દેશો સાથેના ચીનના વ્યાપારમાં વૃદ્ધિ થઈ. તે સમયની દુનિયામાં ચીનમાંનું તેંગ સામ્રાજ્યનું વહીવટી તંત્ર ખૂબ વિકાસ પામેલું અને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. તાઇસુંગના દરબારમાં ઈરાન સહિત બીજા પશ્ચિમ એશિયાનાં રાજ્યોના પ્રતિનિધિઓ આવતા હતા.
તાઇસુંગ વિદ્વાનોનો આશ્રયદાતા હતો. તેની રાજધાનીમાં બૌદ્ધધર્મીઓ, ઝોરોસ્ટ્રિયનો અને ખ્રિસ્તી ધર્મના નેસ્ટોરિયન સંપ્રદાયના લોકો વસ્યા હતા. તેના સામ્રાજ્યનાં શહેરોમાં બૌદ્ધવિહારો જોવા મળતા હતા. એ ર્દષ્ટિએ તે ધર્મસહિષ્ણુ હતો. તેણે સાહિત્ય, કળા અને સંગીતને પણ પ્રોત્સાહન આપ્યું હતું. સામ્યવાદી ઇતિહાસકારોને અપવાદરૂપ ગણતાં ચીનના ઇતિહાસમાં શ્રેષ્ઠ શાસનતંત્રની સ્થાપના કરનાર તાઇસુંગને ચીનનો સૌથી મહાન સમ્રાટ ગણવામાં આવે છે. આઠમી સદીનો તેંગ વંશના શાસનનો મધ્યભાગ ચીનની સાંસ્કૃતિક સિદ્ધિઓ માટે ખૂબ મહત્વનો ગણાયો છે.
ર. લ. રાવળ