તાઉત બ્રૂનો (જ. 4 મે 1880, કોઇન્સબર્ગ, જર્મની; અ. 24 ડિસેમ્બર 1938, ઇસ્તંબુલ) : 1910થી 1923માં જર્મનીમાં સ્થાપત્યક્ષેત્રે શરૂ થયેલ અભિવ્યક્તિવાદી (expressionist) ચળવળના એક પ્રણેતા. મ્યૂનિકમાં થિયૉડૉર ફિશરના વિદ્યાર્થી રહ્યા. 1908માં તેઓ બર્લિનમાં સ્થાયી થયા. 1931માં બર્લિનમાં કૉલેજ ઑવ્ ટૅકનૉલૉજીમાં અને 1936માં અંકારામાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. એ દરમિયાન 1932માં રશિયાની અને 1933માં જાપાનની મુલાકાત લીધી. તેમણે 1914માં ક્લોનમાંના વેર્કબન્ડ પ્રદર્શન માટે વિશ્વમાં સૌપ્રથમ વાર લોખંડના માળખામાં કાચ જડીને પવિલ્યન બનાવી સ્થાપત્યમાં અવકાશીય તથા ર્દશ્ય અનુભૂતિમાં નવું પરિમાણ ઉમેર્યું. સ્થાપત્યક્ષેત્રે આ તેમનું આગવું પ્રદાન લેખાય છે. વીસમી સદીમાં આવા લોખંડનાં માળખાં (space-frame) વડે અર્વાચીન સ્થપતિઓએ ઉલ્લેખનીય ઇમારતો બનાવી. 1933માં આવાસ-સંકુલની રચનામાં ઉપયોગિતાવાદ પ્રચલિત કરવામાં તેઓ પણ અગ્રેસર હતા. તેમણે અર્વાચીન સ્થાપત્ય પર 1917–18માં ‘ઍલ્પાઇન આર્કિટેક્ચર’ તથા 1919માં જર્મનમાં ‘ડી સ્ટાડ ક્રૉન’ નામે પુસ્તક લખ્યાં.

હેમંત વાળા