તાઇવાન : ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120o 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે  ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્યભૂમિથી અલગ પડેલો છે. તાઇવાનની દક્ષિણમાં આવેલી ‘બાશી ચૅનલ’ ફિલિપાઇન્સ ટાપુઓને તેનાથી અલગ પાડે છે. વળી તાઇવાનની ઉત્તરમાં ‘પૂર્વ ચીનનો સમુદ્ર’ તથા પૂર્વમાં ‘પૅસિફિક મહાસાગર’ આવેલા છે. મુખ્ય ટાપુ ઉપરાંત તાઇવાન ટાપુઓના જૂથમાં બીજા 15 ટાપુઓ તેમજ 64 જેટલા નાના નાના ‘પેસ્કાડૉર્સ દ્વીપસમૂહ’નો સમાવેશ થાય છે. આ બધાનું કુલ ક્ષેત્રફળ 36,188 ચોકિમી. જેટલું છે.

તાઇવાનનું ભૌગોલિક સ્થાન

પ્રાકૃતિક રચના : ભૂસ્તરીય રચનાના સંદર્ભમાં જોઈએ તો તાઇવાન એ પશ્ચિમ પૅસિફિક મહાસાગરને આવરી લેતી મહાન દ્વીપોની શૃંખલાનો એક ભાગ ગણાય છે, જે ફાટખીણો અને ખંડપર્વતો બનવાથી અસ્તિત્વમાં આવેલો છે.

આ ટાપુના લગભગ 3/4 ભાગને આવરી લેતી ઉત્તર-દક્ષિણ લાંબી ‘ચુઆન્ગથાન્ગ શાન્મો’ નામની પર્વતમાળા, તેના પૂર્વ કિનારા પરથી સીધા ઢોળાવ રૂપે ઊંચકાય છે. પશ્ચિમ બાજુએ તેનો ઢોળાવ આછો છે અને તેની સાથે કિનારાનાં કાંપનાં મેદાનો જોડાયેલાં છે. આ હારમાળામાં 3000 મી.થી વધુ ઊંચાઈનાં શિખરો આવેલાં છે. આ પૈકીનું સર્વોચ્ચ શિખર ‘યુશાન’ 3996 મી. ઊંચું છે. અહીંની બે મુખ્ય નદીઓ પૈકીની, તાન-શૂઈ ચાઈ ઉત્તર તરફ વહે છે, જ્યારે ચો-શૂઈ ચાઈ પશ્ચિમ તરફ વહે છે.

આબોહવા : તાઇવાનના મધ્ય ભાગમાં થઈને કર્કવૃત્ત પસાર થાય છે, જેથી તેની આબોહવા ઉપોષ્ણકટિબંધીય (sub-tropical) છે, વળી જાપાન તરફથી આવતા ક્યુરોશિવોના ગરમ પ્રવાહની અસર પણ તેની આબોહવા પર થાય છે. તેના ઉનાળા એકંદરે ગરમ અને શિયાળા નરમ રહે છે. અહીં એપ્રિલથી નવેમ્બર સુધી ઉનાળાની ઋતુ ચાલે છે. એપ્રિલની શરૂઆતમાં સરેરાશ તાપમાન 20° સે. જેટલું રહે છે, પણ સૌથી વધુ તાપમાન જૂન તથા સપ્ટેમ્બર વચ્ચે રહે છે અને લગભગ 30° સે. સુધી પહોંચે છે. શિયાળાના મહિનાઓનું માસિક સરેરાશ તાપમાન 15° સે. જેટલું રહે છે, જોકે વધુ ઊંચાઈએ જતાં તાપમાનમાં ઘટાડો થાય છે, જેથી મધ્યસ્થ પર્વતીય ક્ષેત્રો શિયાળામાં બરફથી છવાઈ જાય છે. દેશનો સરેરાશ વાર્ષિક વરસાદ 245 મિમી. છે. મોટા ભાગનો વરસાદ ઉનાળાની ઋતુમાં જ પડે છે, પણ કોઈક વાર એકલા ઉનાળુ વરસાદનો આંક 480 મિમી. સુધી પહોંચે છે. તેના પશ્ચિમ કરતાં પૂર્વના ભાગો તેમજ મેદાનો કરતાં ઊંચા પહાડી ભાગો પર વધુ વરસાદ પડે છે. અહીં સામાન્ય રીતે જુલાઈ, ઑગસ્ટ તથા સપ્ટેમ્બર મહિનાઓમાં  ચક્રવાત (typhoon) ફૂંકાવાની શક્યતાઓ વિશેષ રહે છે.

વનસ્પતિ તથા પ્રાણીજીવન : તેના મેદાની પ્રદેશોમાં બારેમાસ હરિયાળી છવાયેલી રહે છે. તેના થોડાક ભાગોમાં વાંસ તથા તાડનાં ઉષ્ણકટિબંધીય મિશ્રજંગલો જોવા મળે છે. ઊંચાઈ મુજબ આબોહવાના ફેરફાર સાથે વનસ્પતિજીવનમાં પણ તફાવત જોવા મળે છે. આશરે 600થી 1800 મિ. સુધી કપૂરનાં વૃક્ષો (camphor laurel); 1800 થી 2500 મી. સુધી સિડાર, જુનિયર, મૅપલ અને જાપાની સિડાર જેવાં વૃક્ષો, તેમજ 1800 મી.થી વધુ ઊંચાઈવાળા ભાગોમાં શંકુદ્રુમ જંગલો છવાયેલાં છે. અહીંનાં જંગલોમાં મુખ્યત્વે હરણ, સુવર, રીંછ, વાનર, વગેરે ચોપગાં પ્રાણીઓ તેમજ માખીમાર (flycatcher), કલકલિયો (kingfisher) તેતર (pheasant) ચંડોળ, (lark) વગેરે અનેક પક્ષીઓ વસે છે. દરિયાકાંઠાના ભાગોમાં તથા નદીઓમાં મત્સ્યઉદ્યોગનો વિકાસ થયો છે. જંગલો ઉગાડવાનું, તેમનું રક્ષણ કરવાનું અને તે કાપવાનું કાર્ય સરકાર દ્વારા થાય છે. ઇમારતી લાકડાં, પ્લાયવુડ તથા કપૂર અહીંની મુખ્ય જંગલ-પેદાશો છે.

ખેતી : સિંચાઈની સુવિધાવાળા ખીણપ્રદેશો તથા મેદાનોમાં ડાંગર, શેરડી, શણ, ઘઉં તથા કેળાં, લીચી, પીચ, અનેનાસ, તરબૂચ, નારંગી જેવાં ફળો અને શાકભાજીની ખેતી તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે. ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ઉત્તમ બિયારણો તથા જંતુનાશકો વગેરેના ઉપયોગને લીધે તાજેતરનાં વર્ષો દરમિયાન ખેતઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. વાતશૂન્ય ડબ્બાઓમાં ફળો અને શાકભાજીની  નિકાસ કરવામાં આવે છે.

ખનિજો, ઊર્જાસંસાધનો તથા ઉદ્યોગો : આ ટાપુ પર તાપવિદ્યુત અને જળવિદ્યુતનું ઉત્પાદન થાય છે. વળી અણુવિદ્યુતમથકનું બાંધકામ ચાલુ છે. અહીં કોલસાનું ઉત્પાદન વિશેષ થાય છે. આ ઉપરાંત તાંબું, સોનું, લોખંડ, મગેનીઝ, ઍસ્બેસ્ટૉસ, શંખજીરું, કાચની રેતી વગેરે અગત્યનાં અન્ય ખનિજો છે. વળી પહાડી ક્ષેત્રોમાંથી આરસપહાણ તથા ડૉલોમાઇટ પ્રાપ્ત કરવામાં આવે છે.

પરંપરાગત રીતે તાઇવાન ખેતીપ્રધાન પ્રદેશ છે. છતાં ખૂબ ઓછા સમયમાં તેણે મોટી ઔદ્યોગિક પ્રગતિ સાધીને દેશના અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. અહીં ઉદ્યોગોનું વૈવિધ્ય વધારે છે. બધા ઉદ્યોગોમાં કાપડ-ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. આ સિવાય અહીં વીજ અને વીજાણુ (electronics) ભાગો અને ઉપકરણો, કાગળ, ખાંડ, તૈયાર કપડાં, ખાદ્ય ચીજોનું પ્રકમણ, રસાયણો, સિમેન્ટ, કાચ, સિગારેટ, રબર તથા ચામડાનો સરસામાન, છાપકામ તથા પ્રકાશન વગેરેને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. અહીંના કેટલાક ઉદ્યોગો આયાતી કાચા માલ પર આધારિત છે, તેથી કી-લંગ અને કાઓ-સીયુંગ આ બે મુખ્ય બંદરો અને તેની આસપાસના વિસ્તારોમાં દેશના મોટા ભાગના ઉદ્યોગો કેન્દ્રિત થયેલા છે.

વાહનવ્યવહાર અને વ્યાપાર : ટાપુ પર આશરે 1,713 કિમી. લંબાઈના રેલમાર્ગો તથા 15,517 કિમી. લંબાઈના સડકમાર્ગો આવેલા છે. પાટનગર તાઇપેઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે. ખાસ કરીને તેનો વિદેશવ્યાપાર કિનારા પરના કી-લંગ તથા નૈર્ઋત્ય ખૂણે આવેલા કાઓ-સીયુંગ એ બે બંદરો દ્વારા ચાલે છે. તેના મોટા ભાગના વ્યાપારી સંબંધો જાપાન, યુ.એસ; હૉંગકૉંગ, વિયેતનામ, જર્મની, મલેશિયા, સિંગાપોર, કુવૈત વગેરે દેશો સાથે છે.

વસ્તી અને વસાહતો : તાઇવાનની કુલ વસ્તી 2,30,61,689 (2011) જેટલી છે. ખાસ કરીને પશ્ચિમ કિનારાનાં મેદાનોમાં તથા તેને અડીને આવેલા ઊંચા પ્રદેશોમાં ગીચ વસ્તી જોવા મળે છે. આ ટાપુમાં શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 62 % જેટલું છે. તાઇપેઈ એ દેશનું પાટનગર, સૌથી મોટું શહેર તેમજ ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ઉપરાંત અહીં કી-લંગ, કાઓ-સીયુંગ, તાઇચુંગ, તાઇનાન વગેરે બીજાં અગત્યનાં શહેરો છે.

ઇતિહાસ : ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ચીનની મુખ્ય ભૂમિ પરથી કેટલાક લોકો આ ટાપુ પર આવ્યા તે પહેલાં ત્યાં સ્થાનિક આદિવાસી પ્રજા વસવાટ કરતી હતી. સત્તરમી સદીમાં ત્યાં મોટા વસવાટોની શરૂઆત થઈ. 1624–61 દરમિયાન તાઇવાન બંદર પર ડચોનો કબજો હતો. મિંગ વંશના કોક્ષિંગા નામના અધિકારીએ તેમને કાઢી મૂક્યા હતા. 1683માં માંચુ વંશના શાસકોએ આ ટાપુ પર પોતાનું અધિપત્ય દાખલ કર્યું. ત્યાર પછીનાં 212 વર્ષ સુધી (1683–1895) તાઇવાન પર તેમનું શાસન ચાલુ રહ્યું. 1895માં જાપાને આ ટાપુ પર કબજો કર્યો. બીજા વિશ્વયુદ્ધ પછી તેને ચીની શાસકોની સત્તા હેઠળ મૂકવામાં આવ્યું.

તાઇવાન અને તેને સંકલિત ટાપુઓ મૂળે ચીનનો એક ભાગ છે, જેથી આ પ્રદેશને ‘ચીનના રાષ્ટ્રીય પ્રજાસત્તાક’ના ભાગ તરીકે પણ ગણવામાં આવે છે. 1949માં ચીનની મુખ્ય ભૂમિ પર સામ્યવાદી શાસન દાખલ થયું ત્યાર પછીથી માર્સલ ચાંગ-કાઈ-શેકના નેતૃત્વ હેઠળ એક અલગ પ્રજાસત્તાક તરીકે તે અસ્તિત્વ ધરાવે છે. મજબૂત અર્થતંત્ર ધરાવતો આ ટાપુ હવે દુનિયાના આગળ પડતા મૂડી-નિકાસકાર દેશોમાં ગણાય છે. 1949માં ચીનની મુખ્ય ભૂમિ પર સામ્યવાદી શાસન દાખલ થતાં કોમિંગ્ટાન્ગ પક્ષના નેતા માર્શલ ચાંગ-કાઈ-શેકે પોતાના રાજકીય ટેકેદારો સાથે આ ટાપુ પર આશ્રય લીધો અને પોતાનું શાસન દાખલ કર્યું. ત્યારથી અત્યાર સુધી તાઇવાન એક સ્વતંત્ર પ્રજાસત્તાક તરીકે રહ્યું છે.

1997માં આ ટાપુનું જોડાણ ચીનની મુખ્ય ભૂમિ સાથે થવા અંગે આંતરરાષ્ટ્રીય કરાર થયેલો હોવા છતાં 1996ના ફેબ્રુઆરી માસમાં ત્યાં પ્રમુખપદ માટેની જે ચૂંટણી થઈ તેમાં ટાપુની સ્વતંત્રતાનું સમર્થન કરનાર ઉમેદવારનો વિશાળ બહુમતીથી વિજય થયો હતો.

ઈ. સ. 1996માં ચીને તાઇવાની કિનારા નજીક મિસાઇલો મોકલીને દુનિયાના દેશોને તેના પ્રાદેશિક દાવાની યાદ અપાવી. માર્ચ, 1996માં લી પ્રમુખની ચૂંટણીમાં જીત્યો. ઈ. સ. 2000ની ચૂંટણીમાં પ્રો. ઇન્ડિપેડન્સ ડેમૉક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીનો ચેન-શુઈ-બિયાન જીત્યો. તે સાથે 50 વર્ષથી ચાલતા ક્વોમિન્તાંગ શાસનનો અંત આવ્યો. ચેન-શુઈ-બિયાને નૅશનલ ઍસેમ્બ્લીમાં બેઠકો વધારી. ઈ. સ. 2001માં ક્વોમિન્તાંગ નેતાઓએ સૌપ્રથમ વાર ચીન સાથે તાઇવાનના જોડાણ માટેની મંત્રણા ચીનના સામ્યવાદી પક્ષના અધિકારીઓ સાથે કરી. તાઇવાન અને ચીન વચ્ચે 2002માં તંગદિલી વધી. 2004ના માર્ચમાં થયેલી ચૂંટણીમાં ચેન-શુઈ-બિયાન ફરી વાર તાઇવાનનો પ્રમુખ ચૂંટાયો. આ વર્ષે ચીન સાથેના સંબંધોમાં તંગદિલી ચાલુ રહી. 2005માં સરકારને લોકશાહીમાં વધારે માનનારી બનાવવા પ્રયાસો કરવામાં આવ્યા. નવેમ્બર, 2006માં પ્રમુખ ચેન-શુઈ-બિયાન અને તેની પત્ની વુશુ-ચેન પર ભ્રષ્ટાચારના આરોપો થયા. પ્રમુખ ચેન-શુઈ-બિયાને આરોપો ખોટા જાહેર કરી, તપાસનો સામનો કરવા તૈયારી દર્શાવી. ચેનનું રાજીનામું માગવા રાજધાની તાઇપેઈમાં દેખાવો થયા. તાઇવાનની શાસક ડેમૉક્રેટિક પ્રોગ્રેસીવ પાર્ટી અને તેની વિરોધી ક્વોમિન્તાંગ વચ્ચેનો સંઘર્ષ પાર્લમેન્ટમાં 2007ના વર્ષમાં તેના સભ્યોની મારામારીમાં પરિણમ્યો. મે, 2008માં ક્વોમિન્તાંગ પક્ષનો મા ઈંગ-જેઉ તાઇવાનનો પ્રમુખ બન્યો. અગાઉ તે પાટનગર તાઇપેઈનો મેયર હતો. તેના ઉપ-પ્રમુખ તરીકે વિન્સન્ટ સિયુ ચૂંટાયો. આર્થિક કૌભાંડના આરોપ હેઠળ પૂર્વપ્રમુખ ચેન-શુઈ-બિયાન નવેમ્બર 2008થી જેલમાં હતો. તેના ઉપરનો કેસ માર્ચ, 2009માં શરૂ થયો, ત્યારે દેશ-વિદેશમાં લોકોનું ધ્યાન ખેંચાયું. તેને તથા તેની પત્નીને દોષિત ઠરાવીને અદાલતે આજીવન કેદની સજા ફરમાવી.

જયકુમાર ર. શુક્લ

બીજલ પરમાર