તબકાતે અકબરી : હિંદમાં મુસ્લિમ શાસનની શરૂઆતથી અકબરના શાસનના 39મા વર્ષ સુધીનો ઇતિહાસનો પ્રમાણભૂત ગ્રંથ. લેખક નિઝામુદ્દીન અહમદ હરાવી (1551–1594). પ્રસ્તાવના અને પુરવણી ઉપરાંત નવ પ્રકરણમાં લખાયેલો આ ગ્રંથ ત્રણ ખંડમાં બંગાળની એશિયાટિક સોસાયટી દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ ‘તબકાતે અકબરશાહી’ અથવા ‘તારીખે નિઝામી’ના નામથી પણ પ્રચલિત છે. તે સમયના હિંદના સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસના મહત્વના ગ્રંથોમાં તેની ગણના કરવામાં આવે છે.

આ ગ્રંથના પ્રથમ ખંડમાં હિંદમાં ઇસ્લામના આગમનથી લઈને દિલ્હી સલ્તનત સુધીનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. બીજા ખંડમાં બાબર, હુમાયુ અને અકબરના શાસનનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજા ખંડમાં પ્રાદેશિક સૂબાઓ–દખ્ખણ, ગુજરાત, બંગાળ, માલવા, જોનપુર, સિંધ, કાશ્મીર, મુલતાન વગેરે–નો 1594 સુધીનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે.

લેખકના કુટુંબના સભ્યોએ બાબર તથા હુમાયૂંના શાસન દરમિયાન ઉચ્ચ હોદ્દાઓ ભોગવ્યા હતા. નિઝામુદ્દીન પણ અકબરનો એક સંસ્કારી દરબારી હતો. તે સમયના રૂઢિચુસ્ત તેમજ ઉદાર મુસ્લિમો–અબ્દુલ-કાદિર બદાયુનીથી અબુલફઝલ સુધીના બધા સ્તરના આગેવાનો–ની તેણે ચાહના પ્રાપ્ત કરી હતી. તે 1585થી 1589–90 દરમિયાન ગુજરાતના સૂબાનો બક્ષી હતો. પાછળથી તેણે મીરબક્ષીનો ઉચ્ચ હોદ્દો પણ ભોગવ્યો હતો. તેનામાં બનાવોની નોંધ કરવાની પદ્ધતિ સારા ઇતિહાસકાર જેવી હતી. ગુજરાતને લગતી એણે આપેલી માહિતી ઘણી ઝીણવટભરી અને વિશ્વસનીય છે. આ ગ્રંથમાં લેખકે પોતાનાં ટીકા-ટિપ્પણ ઉમેર્યાં નથી. મુસ્લિમ શાસન દરમિયાન હિંદના બધા સૂબાઓમાં બનેલા ઐતિહાસિક બનાવોને આવરી લેતો આ પ્રથમ ગ્રંથ છે. આ ગ્રંથ 1592–93 સુધીના ઇતિહાસનો ઉલ્લેખ કરે છે; તેમ છતાં, તેમાં 1593–94 સુધીના બનાવોનો પણ સમાવેશ થયેલો છે.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ