તફસીર : ઇસ્લામના ધર્મગ્રંથ કુરાનની વિસ્તૃત સમજૂતી. કુરાનની તફસીર કરનાર ‘મુફસ્સિર’ કહેવાય છે. તેના માધ્યમથી મુખ્યત્વે અરબી ભાષાના વ્યાકરણ તથા શબ્દશાસ્ત્ર અને અન્ય પંદર જેટલાં સંબંધિત શાસ્ત્રોની સહાયથી પવિત્ર કુરાનના અર્થની ચર્ચા કરવામાં આવે છે.

તફસીર-શાસ્ત્રને બીજાં બધાં ઇસ્લામી શાસ્ત્રોમાં પ્રાધાન્ય આપવામાં  આવે છે. તેનો સંબંધ દિવ્ય વાણી સાથે છે અને તેના અભ્યાસ દ્વારા માણસ બંને લોકની સફળતા પ્રાપ્ત કરી શકે  છે એવી માન્યતા છે.

અરબી ભાષામાં તફસીરની રચના, પયગંબર મોહમ્મદસાહેબના સમય(571થી 632)માં શરૂ થઈ હતી. શરૂઆતમાં જ્યારે કોઈ પ્રશ્ન ઊભો થતો  ત્યારે પયગંબરસાહેબના સાથીદારો પયગંબરસાહેબનાં વચનોના આધારે કુરાનનો આશરો લેતા અને તેના પાઠનું અર્થઘટન કરતા હતા. આ સંદર્ભમાં પયગંબર સાહેબના પિતરાઈ ભાઈ અબ્દુલા બિન અબ્બાસે (રદિ.) ઘણું મહત્વનું અને પાયાનું કામ કર્યું હતું. તે કુરાનના સૌપ્રથમ મુફસ્સિર કહેવાય છે.

પયગંબરસાહેબના સમય બાદ જે દેશમાં ઇસ્લામનો પ્રસાર થયો ત્યાંની પ્રજાની જરૂરતો પ્રમાણે સ્થાનિક ભાષામાં પણ તફસીર-સાહિત્યની રચના થઈ હતી.

ભારતમાં ઇસ્લામના આગમન બાદ સંજોગો પ્રમાણે અરબી, ફારસી અને ઉર્દૂ ત્રણે ભાષામાં તફસીરો લખાઈ હતી. ભારતના પ્રખ્યાત મુફસ્સિરોમાં ગુજરાતના તાજ અલાઉદ્દીન અલી ઇબ્ન એહમદ મહાઇમી(મૃત્યુ : પંદરમી સદી)ની અરબી તફસીર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતની ફારસી તફસીરોમાં શાહ વલીઉલ્લાહ મુહદિદસ દેહલ્વી(આશરે સત્તરમી સદી)ની તફસીર અને ઉર્દૂ તફસીરોમાં ચાલુ સદીના મૌલાના અશરફઅલી થાનવી અને મૌલાના અબુલ આલા મૌદૂદીની કૃતિઓ પ્રખ્યાત છે.

ભારતમાં તફસીર-રચનાનાં નિયમો તથા ધોરણો વિશે પણ ફારસી અને ઉર્દૂ બંને ભાષામાં પુષ્કળ સાહિત્ય મળી આવે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી