ણિસીહસુત્ત (સં. નિશીથસૂત્ર) : જૈન પરંપરાનું મુખ્યત્વે પ્રાયશ્ચિત્તો અને તેની વિધિ દર્શાવતું પ્રાકૃત ભાષામાં રચેલું શાસ્ત્ર. આગમ વર્ગીકરણ અનુસાર ‘ણિસીહસુત્ત’નો સમાવેશ છેદસૂત્ર અંતર્ગત કરવામાં આવે છે. આચારાંગ સૂત્રની અંતિમ (પાંચમી) ચૂર્ણિ ‘આયાર પગય્ય’ (આચાર પ્રકલ્પ) જે પરિશિષ્ટ રૂપે હતી, તે તેના પ્રતિપાદ્ય વિષયની ગોપનીયતાના કારણે ‘નિશીથસૂત્ર’ના નામે પ્રચલિત બની અને ધીમે ધીમે આચારાંગસૂત્રથી અલગ સ્વતંત્ર શાસ્ત્ર રૂપે પ્રસિદ્ધ થઈ. આ સૂત્રમાં મુખ્યત્વે પ્રાયશ્ચિત્તો અને તેની વિધિ વિશે પ્રરૂપણા કરવામાં આવી છે.

णिसीह (નિશીથ) શબ્દનો મુખ્ય અર્થ ‘ગોપ્ય’ છે. જે રાત્રિની જેમ અપ્રકાશરૂપ, રહસ્યમય ગુપ્ત રાખવા યોગ્ય, અર્થાત્ સર્વ સાધારણ ન હોય તે નિશીથ. આ આચારપ્રકલ્પશાસ્ત્ર પણ તેવું જ છે. માટે તે ‘નિશીથસૂત્ર’ કહેવાયું. णिसीहનો બીજો અર્થ જે નિસીદન કરવામાં સમર્થ હોય, અર્થાત્ જે કોઈકનું નિરાકરણ કરવામાં સમર્થ હોય તે નિશીથ. આચાર-પ્રકલ્પશાસ્ત્ર કર્મમળનું નિરાકરણ કરે છે માટે નિશીથ કહેવાય છે.

આ અપવાદબહુલ શાસ્ત્ર છે. તેનું અધ્યયન ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ જ કરી શકે. નિશીથની જાણકારી વગર કોઈ પણ શ્રમણ પોતાના સંબંધીઓના ઘેર ભિક્ષા માટે ન જઈ શકે. તે ઉપાધ્યાય આદિના પદ માટે યોગ્ય ન બની શકે. શ્રમણ મંડળીના આગેવાન થવા માટે અને સ્વતંત્ર વિહાર કરવા માટે નિશીથનું જ્ઞાન આવશ્યક છે. નિશીથની જાણકારી વગર કોઈ પણ સાધુ પ્રાયશ્ચિત્ત આપવા માટે અધિકારી બની શકે નહિ.

પ્રાચીન કાળથી ‘નિશીથસૂત્ર’ના કર્તૃત્વના સંબંધમાં મતભેદ છે. નિશીથ-લઘુભાષ્યકાર અનુસાર ચતુર્દશપૂર્વધારીઓએ આ પ્રક્લ્પની રચના કરી અને નવમા પ્રત્યાખ્યાન પૂર્વના આધારે આ સૂત્ર લખાયું. પંચકલ્પ ચૂર્ણિ મુજબ આના કર્તા ભદ્રબાહુસ્વામી છે. ચૂર્ણિકાર જિનદાસગણિ  અનુસાર આના રચયિતા વિસાહગણિ છે. આની રચના સંભવત: વીરનિર્વાણ પછી 175 વર્ષની આસપાસ થઈ હતી.

‘નિશીથસૂત્ર’માં સાધુ-સાધ્વી માટે ચાર પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. તેમાં 20 ઉદ્દેશકો છે. લગભગ 15,000 સૂત્રો છે. પ્રથમ ઉદ્દેશકમાં ગુરુમાસિક (ઉપવાસ), બીજાથી પાંચમા ઉદ્દેશકમાં લઘુ માસિક (એકાસણું), છથી અગિયારમા ઉદ્દેશકમાં ગુરુચાતુર્માસિક અને બારથી ઓગણીસમા ઉદ્દેશકોમાં લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનો અધિકાર છે. 20મા ઉદ્દેશકમાં આલોચના અને પ્રાયશ્ચિત્ત કરતી વખતે થતા દોષોની વિચારણા કરવામાં આવી છે અને તેના માટે વિશેષ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને સંયમી જીવનમાં જે દોષો થવાની સંભાવના છે તેના શુદ્ધીકરણના ઉપાય વર્ણવાયા છે. સાધુઓના આહાર, વિહાર, દૈનિક જીવનની ચર્યા માટેનાં ઉપકરણોની માગણી, બ્રહ્મચર્યની સાધના, અન્ય સાથેના સંબંધો અને ભિક્ષા અંગે થતા સૂક્ષ્મતમ દોષોનું વિસ્તૃત વર્ણન કરી તેનું પ્રાયશ્ચિત્ત દર્શાવવામાં આવ્યું છે.

સંક્ષિપ્ત શૈલીમાં લખાયેલા આ સૂત્રની ભાષા સરળ છે. વિષયનું પ્રતિપાદન સૂચક અને સાંકેતિક શબ્દોમાં કરવામાં આવ્યું છે તેથી ભાષ્ય અને ચૂર્ણિની મદદ વગર સમજવું મુશ્કેલ છે.

નિશીથસૂત્ર’ પર નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિની રચના થઈ છે. આ ગ્રંથોમાંથી પ્રચુર સાંસ્કૃતિક સામગ્રી પ્રાપ્ત થાય છે.

સલોની નટવરલાલ જોશી