ણાયકુમારચરિઉ (સં. નાગકુમારચરિત) (દસમી સદી) : પ્રસિદ્ધ કવિ પુષ્પદંત દ્વારા 9 સંધિઓમાં અપભ્રંશ ભાષામાં રચાયેલું ‘નાગકુમારચરિત’ એ પ્રાચીન ભારતીય સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. શ્રીપંચમીવ્રતનું મહત્વ દર્શાવતી આ કૃતિની રચના કવિએ માન્યખેટના રાજાના મંત્રી નન્નની પ્રેરણાથી કરી. કવિએ પોતાની કૃતિમાં રચનાકાળનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી; પરંતુ આંતરબાહ્ય પ્રમાણો પરથી તેમનો સમય દશમી શતાબ્દીનો મનાય છે. તેમણે ણાયકુમારચરિઉ ઉપરાંત  અપભ્રંશમાં જસહરચરિઉ અને મહાપુરાણની રચના કરી છે.

આરંભે સરસ્વતીવંદના કરી કવિ કથાની માંડણી કરે છે. મગધ દેશના કનકપુરનગરમાં રાજા જયંધર તેની રાણી વિશાલનેત્રા અને પુત્ર શ્રીધર સાથે રહેતો હતો. એક વાર તેને કેટલીક બહુમૂલ્ય ભેટોની સાથે સૌરાષ્ટ્રના ગિરિનગરની રાજપુત્રીનું ચિત્ર મળ્યું. ચિત્રદર્શનથી મુગ્ધ થયેલા રાજાએ તે રાજપુત્રી પૃથ્વીકુમારી સાથે લગ્ન કર્યાં. સમય જતાં તેને શુભ સ્વપ્ન સૂચિત સુંદર અને ચમત્કારિક પુત્રની પ્રાપ્તિ થઈ, જેના પ્રભાવથી જિનમંદિરના બંધ દરવાજા ખૂલી ગયા. અકસ્માતે તે પુત્ર કૂવામાં પડી જતાં નાગદેવતાએ તેની રક્ષા કરી તેથી તેનું નામકરણ નાગકુમાર કરવામાં આવ્યું.

તે વિદ્યા અને કલામાં પારંગત અને યુવાન થતાં કામદેવ જેવો સુંદર બન્યો. તેની સુંદરતાથી નગરની સ્ત્રીઓ આકર્ષિત થતાં રાજાએ તેની નગરચર્યા પર પ્રતિબંધ મૂક્યો. આને પોતાની અવહેલના સમજી રાણી પૃથ્વીકુમારીએ પુત્ર પાસે આ આજ્ઞાનો ભંગ કરાવ્યો. તેનો તેને દંડ થયો. ત્યારે નાગકુમારે પિતાને દ્યૂતક્રીડામાં હરાવી માતાને તેનું ધન અને ઘરેણાં અર્પણ કર્યાં. નાગકુમારની સુંદરતા અને વીરતાના કારણે પોતાનું યુવરાજપદ શંકાસ્પદ લાગતાં શ્રીધર ઈર્ષ્યાળુ બન્યો.

મથુરાના જયવર્મ રાજાના પુત્ર ત્રિનેત્ર વ્યાલને નાગકુમારનું દર્શન થતાં જ તેનું ત્રીજું નેત્ર લુપ્ત થયું, તેથી તેણે નાગકુમારનો સ્વામી તરીકે સ્વીકાર કર્યો અને શ્રીધરના ઘાતક હુમલામાંથી પરાક્રમપૂર્વક બચાવ કર્યો. પિતાની આજ્ઞાથી કુટુંબકલહ ટાળવા નાગકુમાર પરદેશયાત્રાએ નીકળ્યો. પરદેશયાત્રા દરમિયાન તેણે અનેક પરાક્રમો કરી ચમત્કારિક વિદ્યાઓ પ્રાપ્ત કરી. અનેક રાજકુમારીઓને બંધનમુક્ત કરાવી તેમનો ઉદ્ધાર કરી તેમની સાથે વિવાહ કર્યો. અંતે તેનો વિવાહ વિજયંધરની પુત્રી રાજકુમારી લક્ષ્મીમતી સાથે થયો, જે તેના પ્રગાઢ પ્રેમની ભાજન બની.

એક વાર મુનિ પિહિતાશ્રવ પાસેથી અનેક દાર્શનિક સિદ્ધાંતો અને ધર્મોપદેશ સાંભળ્યા પછી ઉચિત સમયે નાગકુમારે લક્ષ્મીમતી સાથેના પોતાના પ્રગાઢ સ્નેહનું કારણ પૂછ્યું. આ પ્રસંગે તેના પૂર્વજન્મની કથા કહેતાં મુનિએ જણાવ્યું કે તે પૂર્વજન્મમાં તેની પત્ની હતી. શ્રીપંચમી-વ્રતના પ્રભાવથી તેણે દેવત્વ પ્રાપ્ત કર્યું અને પછીના મનુષ્યભવમાં આ પ્રકારે સમૃદ્ધિ પામ્યો.

કેટલાક સમય પછી રાજા જયંધરે મંત્રીને મોકલી પુત્રને પાછો બોલાવ્યો અને તેનો રાજ્યાભિષેક કર્યો. સમય જતાં નાગકુમાર પુત્રને રાજ્યભાર સોંપી, વ્રત ગ્રહણ કરી, તપ કરી મોક્ષ પામ્યો. આ ધર્મપ્રધાન કૃતિમાં વીર અને શૃંગાર રસનું નિરૂપણ છે.

સલોની નટવરલાલ જોશી